Agriculture News: રવિ માર્કેટિંગ સીઝન 2026-27 અંતર્ગત ઘઉંની ટેકાના ભાવે સીધી ખરીદી થશે
કેન્દ્ર સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૬-૨૭ અંતર્ગત ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે રૂ. ૨,૫૮૫ પ્રતિ ક્વિન્ટલ ભાવ જાહેર કરવામાં આવ્યો છે. રવિ સીઝન ૨૦૨૬-૨૭ અંતર્ગત લઘુતમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. મારફત કરવામાં આવશે.
નોંધણી બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા કરવી જરૂરી
લઘુતમ ટેકાના ભાવે ઘઉંના વેચાણ માટે ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઈન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિકે ગ્રામ્ય કક્ષાએ વી.સી.ઈ. મારફતે તા. ૦૧.૦૨.૨૦૨૬ થી તા. ૦૧.૦૩.૨૦૨૬ સુધીમાં રાખવામાં આવી હતી. જેમાં નોંધણી સમયમાં મુદત વધારી તા. ૧૩.૦૩.૨૦૨૬ થી ૨૭.૦૩.૨૦૨૬ સુધી લંબાવવામાં આવી છે. તેમજ તા. ૦૪.૦૩.૨૦૨૬ થી શરૂ થયેલી ઘઉંની ખરીદી તા. ૧૫.૦૫.૨૦૨૬ સુધી લંબાવાઈ છે. નોંધણી બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા કરવી જરૂરી છે. આધારકાર્ડની નકલ, અદ્યતન ગામ નમુનો ૭-૧૨, ૮-અ તેમજ પાકની વાવણી અંગેની એન્ટ્રી ન થઈ હોય તો તલાટીના સહી સિક્કાવાળો દાખલો, ખેડૂતના નામના બેંક ખાતાની વિગત, બેંક પાસબુક ઝેરોક્ષ નકલ અથવા કેન્સલ ચેકની નકલ સહિતના પુરાવા નોંધણી સમયે સાથે લાવવાના રહેશે.
એસ.એમ.એસ મારફતે ખરીદી અંગેની જાણ કરાશે
ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને એસ.એમ.એસ મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતોએ આધારકાર્ડ સાથે રાખવાનું રહેશે. વધુમાં ગ્રામપંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખાસ અનુરોધ કરાયો છે. ઘઉંની ખરીદી ખેડૂત ખાતેદારના બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદવામાં આવશે. જરૂરી માર્ગદર્શન માટે હેલ્પલાઈન નં. ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે તેમ જિલ્લા પુરવઠા અધિકારી અને જિલ્લા મેનેજર (ગ્રેડ-1) તાપીની એક અખબારીયાદીમાં જણાવાયું છે.
Live