Loading...

મમતા બેનર્જીને ફટકો, એક સમયના સાથીદાર સાંસદ કાકોલી ઘોષે, TMC ના તમામ હોદ્દા પરથી ધરી દીધુ રાજીનામું

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ પણ, ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) સર્વેસર્વા મમતા બેનર્જીની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાતા નથી. આજે 27મી મે બુધવારે મમતા બેનર્જીને મોટો ફટકો ત્યારે પડ્યાનું કહેવાય છે જ્યારે ટીએમસી સાંસદ અને મમતાના એક સમયના નજીકના મહિલા સાથીદાર કાકોલી ઘોષે રાજીનામું આપવાની જાહેરાત કરી. કાકોલીએ પાર્ટીમાં પોતાના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે.

કાકોલી છેલ્લા ઘણા વર્ષોથી ટીએમસી સાથે સંકળાયેલી છે અને પાર્ટીમાં એક વરિષ્ઠ નેતા છે. તેમણે લગભગ 9 થી 10 મહિના સુધી લોકસભામાં ટીએમસી પાર્ટીના ચીફ વ્હીપ તરીકે પણ સેવા આપી હતી. ત્યારબાદ, તેમને પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા, અને મમતા બેનર્જીએ ચીફ વ્હીપની જવાબદારી કલ્યાણ બેનર્જીને સોંપી હતી. આ પગલાથી કાકોલી ઘોષ ખૂબ નારાજ થયા હોવાનું કહેવાય છે. તેણીએ સોશિયલ મીડિયા પર પોતાની લાગણીઓ વ્યક્ત કરતા લખ્યું હતું કે “1976 થી જોડાયેલી છું; આ યાત્રા 1984 માં શરૂ થઈ હતી. આજે, મને ચાર દાયકાની વફાદારીનું ઈનામ મળ્યું છે.”

તે ઘટના પછી, એવી અટકળો વ્યાપકપણે ચાલી રહી હતી કે, તેઓ ટૂંક સમયમાં ટીએમસીમાંથી રાજીનામું આપી શકે છે. કેન્દ્ર સરકારે તેમના સુરક્ષા કવચને ‘Y’ શ્રેણીમાં પણ અપગ્રેડ કર્યું હતું. કેન્દ્ર સરકારે આ એવા સમયે કાર્યવાહી કરી જ્યારે બંગાળમાં પાર્ટીની ચૂંટણીમાં હાર બાદ અભિષેક બેનર્જી સહિત અન્ય વિવિધ નેતાઓને ફાળવેલી સુરક્ષા વ્યવસ્થા ઘટાડવામાં આવી અથવા તો ડાઉનગ્રેડ કરી દેવાઈ હતી. જો રે રાજીનામુ આપતા પૂર્વે કાકોલી ઘોષે, ગઈકાલ મંગળવારે, છ અન્ય ધારાસભ્યો સાથે, કલ્યાણીમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીની અધ્યક્ષતામાં એક વહીવટી સમીક્ષા બેઠકમાં હાજરી પણ આપી હતી.

બારાસતના સાંસદ ઉપરાંત, બેઠકમાં હાજરી આપનારાઓમાં ટીએમસીના ધારાસભ્યો અનિસુર રહેમાન બિસ્વાસ (દેગંગાથી), બીના મંડલ (સ્વરૂપનગરથી), અને મોહમ્મદ અબ્દુલ મતીન (હરાઓથી), બશીરહાટ ક્ષેત્રના અન્ય ત્રણ ધારાસભ્યો સામેલ હતા. ઉલ્લેખનીય છે કે, આના બે દિવસ પહેલા જ, કાકોલીએ બારાસત માટે ટીએમસીના સંગઠનાત્મક જિલ્લા પ્રમુખ તરીકે રાજીનામું આપી દીધું હતું. પોતાના રાજીનામા પત્રમાં, તેમણે આઈ-પીએસીની ભૂમિકા અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા.

Image Gallery