બનાસકાંઠાના ડીસામાં વાવાઝોડા અને વરસાદે મચાવી તબાહી, માર્કેટયાર્ડમાં કરોડોનું નુકસાનની આશંકા
બનાસકાંઠા જિલ્લાના ડીસા વિસ્તારમાં ગત મોડી રાત્રે અચાનક પડેલા કમોસમી વરસાદે ભારે તારાજી સર્જી છે, ખાસ કરીને ડીસા માર્કેટયાર્ડમાં મોટું નુકસાન થયું છે. માર્કેટયાર્ડમાં વેચાણ માટે લાવવામાં આવેલી અનાજની બોરીઓ મોટા પાયે પલળી ગઈ હતી, જેના પરિણામે ખેડૂતો અને વેપારીઓને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ ઘટનામાં તંત્ર દ્વારા અગાઉથી આપવામાં આવેલી સૂચનાઓની અવગણના અને વેપારીઓની બેદરકારી સામે આવી છે.
ડીસા માર્કેટયાર્ડમાં કમોસમી વરસાદનો કહેર
ડીસા માર્કેટયાર્ડના સત્તાધીશોએ વરસાદ અને વાવાઝોડાની આગાહીને પગલે એક દિવસ અગાઉથી જ તમામ વેપારીઓ અને ખેડૂતોને પોતાનો માલ સુરક્ષિત સ્થળે રાખવા માટે સૂચના આપી હતી. બજાર સમિતિ દ્વારા મુખ્ય યાર્ડ અને સબ યાર્ડના તમામ વેપારીઓ અને ખેડૂતોને એલાઉસિંગ સિસ્ટમ અને સોશિયલ મીડિયાના માધ્યમથી દૈનિક ધોરણે માલ સલામત રાખવા માટે તાકીદ કરવામાં આવી હતી. આ ઉપરાંત, બજાર સમિતિએ દરેક વેપારી પેઢીને પોતાના ખુલ્લા શેડ્સનો ઉપયોગ કરવા અને સમિતિના વિશાળ રૂમને પણ ખુલ્લો રાખવા માટે જણાવ્યું હતું, જેથી વરસાદ જેવી કોઈ પરિસ્થિતિમાં દરેકનો માલ સુરક્ષિત રહી શકે. આ પ્રકારની તમામ વ્યવસ્થા બજાર સમિતિ દ્વારા ગોઠવવામાં આવી હતી.