ફળો ખરીદતી વખતે તમે નથી કરતાંને આ ભૂલ! આ સરળ રીતોથી ઓળખો પાકેલા અને મીઠાં ફળો
ફળો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં રહેલા વિટામિન, મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ્સ શરીરને અનેક રોગોથી બચાવવામાં મદદ કરે છે. પરંતુ ફળોનો સંપૂર્ણ સ્વાદ અને પોષણ ત્યારે જ મળે છે જ્યારે તે યોગ્ય રીતે પાકેલા હોય. ઘણી વખત લોકો બજારમાંથી દેખાવમાં આકર્ષક લાગતા ફળો ખરીદી લાવે છે, પરંતુ ઘરે પહોંચ્યા બાદ ખબર પડે છે કે ફળ કાચું છે અથવા વધુ પડતું પાકી ગયું છે. આવી સ્થિતિમાં સ્વાદની સાથે પોષક ગુણો પણ અસરગ્રસ્ત થાય છે.
જો તમે પણ હંમેશા મીઠાં, રસદાર અને તાજાં ફળોની પસંદગી કરવા માંગતા હોવ, તો કેટલીક સરળ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. ચાલો જાણીએ વિવિધ ફળોની પાકટતા ઓળખવાની સરળ રીતો.
દ્રાક્ષ ખરીદતી વખતે શું ધ્યાન રાખવું?
દ્રાક્ષની મીઠાશ તેની ગુણવત્તા પર આધાર રાખે છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, લાંબા આકારની દ્રાક્ષ સામાન્ય રીતે વધુ મીઠી હોય છે, જ્યારે ગોળ આકારની દ્રાક્ષમાં ખટાશ વધુ હોઈ શકે છે. દ્રાક્ષ ખરીદતી વખતે તેના દાણા તાજા, ભરાવદાર અને ચમકદાર દેખાતા હોવા જોઈએ. જો દાણા કરમાઈ ગયેલા અથવા સુકાયેલા લાગે, તો તે જૂની હોવાની સંભાવના છે.
પપૈયું પાકેલું છે કે નહીં, કેવી રીતે ઓળખશો?
પપૈયાની પાકટતા તેની છાલ પરથી સરળતાથી જાણી શકાય છે. જો તેની છાલ સંપૂર્ણપણે પીળી અથવા પીળાશ પડતી નારંગી રંગની થઈ ગઈ હોય, તો તે સારી રીતે પાકેલું અને મીઠું હોય છે. બીજી તરફ, લીલાશ ધરાવતું પપૈયું હજુ કાચું હોય છે અને તેમાં સ્વાદ ઓછો હોય છે. પાકેલા પપૈયામાં હળવી સુગંધ પણ આવતી હોય છે.
તરબૂચ ખરીદતી વખતે આ સંકેતો પર ધ્યાન આપો
મીઠું અને રસદાર તરબૂચ ઓળખવા માટે તેના નીચેના ભાગમાં આવેલા પીળા ડાઘને તપાસો. આ ડાઘ દર્શાવે છે કે તરબૂચ લાંબા સમય સુધી જમીન પર પાક્યું છે. પીળો ડાઘ જેટલો સ્પષ્ટ હોય, તેટલી તેની મીઠાશ વધુ હોવાની શક્યતા રહે છે. વધુ પડતું ચમકદાર અને એકસરખા લીલા રંગનું તરબૂચ કાચું હોઈ શકે છે.
કેળાની મીઠાશ કેવી રીતે ઓળખવી?
કેળા પાકે ત્યારે તેની છાલ પર નાના કાળા અથવા ભૂરા રંગના ડાઘ દેખાવા લાગે છે. ઘણા લોકો આવા કેળાને ખરાબ માની લે છે, પરંતુ હકીકતમાં આ ડાઘ તેની મીઠાશની નિશાની છે. જ્યારે સંપૂર્ણ લીલા રંગના કેળા હજુ કાચા હોય છે અને ખાવા માટે તૈયાર નથી.
પાઈનેપલ પસંદ કરતી વખતે આ ભૂલ ન કરો
પાઈનેપલની ગુણવત્તા તેના રંગ અને સુગંધ પરથી જાણી શકાય છે. જો તેનો રંગ સોનેરી અથવા પીળાશ પડતો હોય, તો તે પાકેલું અને સ્વાદિષ્ટ હોય છે. લીલા રંગનું પાઈનેપલ સામાન્ય રીતે કાચું હોય છે. ઉપરાંત, પાકેલા પાઈનેપલમાંથી હળવી મીઠી સુગંધ પણ આવતી હોય છે.
Live