ક્રિકેટ પછી હવે રેસિંગનો જુસ્સો! MS ધોનીનો સુપરબાઈક ચલાવતો વીડિયો સોશિયલ મીડિયામાં છવાયો
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ધોની રેસ ટ્રેક પર સુપરબાઇક ચલાવતો જોવા મળે છે. ક્રિકેટ બાદ હવે તેના નવા અંદાજે ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે.
ધોનીનો સુપરબાઇક ચલાવતો વીડિયો વાયરલ
ચેન્નાઈ નજીક આવેલા ઇરુંગટ્ટુકોટ્ટાઈ સ્થિત મદ્રાસ ઇન્ટરનેશનલ સર્કિટમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન ધોનીએ સુપરબાઇક ચલાવી હતી. ટ્રેક પર તેણે ઝડપી ગતિએ અનેક લેપ્સ પૂર્ણ કર્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. કાર્યક્રમના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
ધોનીને બાઇકનો જોરદાર શોખ
ધોનીનો બાઇક પ્રત્યેનો પ્રેમ કોઈથી છુપાયેલો નથી. તેના ગેરેજમાં અનેક પ્રીમિયમ બાઇક છે અને તે અવારનવાર બાઇક રાઇડનો આનંદ માણતો જોવા મળે છે. આ વીડિયો બાદ ચાહકો મજાકમાં કહી રહ્યા છે કે ધોનીએ હવે પોતાના જૂના શોખને નવી ઇનિંગ્સ બનાવી દીધી છે.
ધોની IPL 2027માં રમશે?
ધોનીએ વર્ષ 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, પરંતુ તે હજુ પણ IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમે છે. જોકે, ઈજાને કારણે તે IPL 2026ની કેટલીક મેચોથી દૂર રહ્યો હતો. હવે સૌની નજર ધોનીના આગામી નિર્ણય પર છે. તે IPL 2027માં ફરી રમશે કે ક્રિકેટને સંપૂર્ણ અલવિદા કહેશે, તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ રેસ ટ્રેક પર તેનો જુસ્સો જોઈને ચાહકો જરૂર ખુશ થઈ ગયા છે.