Loading...

તુર્કીથી અમેરિકા જવા માટે ટ્રમ્પે અચાનક કેમ બદલ્યું હતું વિમાન ? 34 દિવસ બાદ રહસ્ય પરથી ઊઠ્યો પડદો

ગયા મહિને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની તુર્કીની મુલાકાત દરમિયાન, એક કથિત હત્યાના કાવતરાનો ખુલાસો થયો હતો. આ ધમકી વચ્ચે, ટ્રમ્પે તેની યાત્રા દરમિયાન ગુપ્ત રીતે વિમાન બદલ્યું હતું. ધ વોશિંગ્ટન પોસ્ટના એક નવા અહેવાલ મુજબ, ટ્રમ્પ જૂના એરફોર્સ વનથી નાના વિમાનમાં પહોંચ્યો અને તે જ વિમાનમાં બ્રિટન જવા રવાના થયો હતો. આ ફેરફાર મીડિયા અને કેટલાક યુએસ અધિકારીઓને પણ ખબર નહોતી. આ ઘટના જે હવે જાહેર થઈ છે તે 8 જુલાઈના રોજ બની હતી.

ટ્રમ્પ NATO સમિટમાં હાજરી આપવા માટે તુર્કીના અંકારામાં ગયો હતો. તુર્કી જતી વખતે તેણે કતાર તરફથી આપવામાં આવેલું બોઇંગ 747-8 વિમાનનો ઉપયોગ કર્યો નહોતો. તેના બદલે તે જૂના બોઇંગ 747માં તુર્કી પહોંચ્યા હતો. તે સમયે ટ્રમ્પે કહ્યું હતું કે તે જૂના વિમાનથી બ્રિટન જશે. જેથી ત્યાં હાજર અમેરિકન સૈનિકો નવા વિમાનને જોઈ શકે. જોકે પછી અમેરિકાના અનેક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે વિમાન બદલવાનું વાસ્તવિક કારણ ઈરાની પ્રોક્સી જૂથો સાથે જોડાયેલો ખતરો હતો.

કેટરિંગ કન્ટેનરથી નાના વિમાનમાં કર્યો પ્રવેશ

વોશિંગ્ટન પોસ્ટે હવે અહેવાલ આપ્યો છે કે ટ્રમ્પે ગુપ્ત રીતે જૂના બોઇંગ 747 છોડવાનો નિર્ણય પણ લીધો હતો. એક યુએસ અધિકારીના જણાવ્યા અનુસાર, ટ્રમ્પને જૂના વિમાનમાંથી કેટરિંગ કન્ટેનર દ્વારા બહાર કાઢવામાં આવ્યો હતો. આ કન્ટેનર તેને નાના C-32A વિમાનમાં લઈ ગયું. ત્યારબાદ ટ્રમ્પ આ નાના વિમાનમાં બ્રિટન જવા રવાના થયો.

ગુપ્ત રાખવામાં આવી હતી પ્રક્રિયા

આખી પ્રક્રિયા એટલી ગુપ્ત રાખવામાં આવી હતી કે મીડિયા અને કેટલાક અધિકારીઓ માનતા હતા કે ટ્રમ્પ હજુ પણ જૂના જ બોઇંગ 747માં છે. જૂના વિમાનમાં રહેલા પત્રકારોને પણ બારીના પડદા બંધ રાખવા કહેવામાં આવ્યું હતું. વોશિંગ્ટન પોસ્ટએ એક વીડિયો પણ શેર કર્યો છે. તેમાં જૂના બોઇંગ વિમાનમાંથી એક કેટરિંગ ટ્રક નીચે આવતો દેખાય છે. ટ્રમ્પના વિમાનમાં જવાના થોડા સમય બાદ આ ટ્રક નાના C-32A વિમાન તરફ જતો જોવા મળે છે. જોકે આ વીડિયોની પુષ્ટિ થઈ શકી નથી. બ્રિટન પહોંચ્યા બાદ ટ્રમ્પ મોટા બોઇંગ વિમાનમાંથી બહાર આવતા જોવા મળ્યો હતો. બંને વિમાન બ્રિટન પહોંચ્યા હતા. ત્યારબાદ ટ્રમ્પને કતાર તરફથી મળેલા નવા વિમાનમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે ટ્રમ્પ નાના C-32Aમાંથી મોટા વિમાનમાં ક્યારે અને કેવી રીતે પહોંચ્યો તે હજુ સ્પષ્ટ નથી.

કતાર તરફથી મળેલા વિમાન પર પણ સવાલો

આ ઘટનાના પગલે કતાર તરફથી મળેલા નવા વિમાનની સુરક્ષા પર પણ મોટાભાગે સવાલો ઉભા થઈ રહ્યા છે. રિપોર્ટ અનુસાર, તેમાં જૂના એરફોર્સ વન વિમાનોમાં ઉપલબ્ધ કેટલીક સુરક્ષા સુવિધાઓ નહોતી. તેમાં એન્ટી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ પણ સામેલ હોવાનું જણાવવામાં આવે છે. કતારના શાહી પરિવારે આ લક્ઝરી વિમાન ગયા વર્ષે ટ્રમ્પને આપ્યું હતું. ટ્રમ્પે 1990થી ઉપયોગમાં લેવાતા જૂના બોઇંગ 747 વિમાનોની ટીકા કરી હતી. ત્યારબાદ નવા વિમાનમાં જરૂરી ફેરફારો કરવામાં આવ્યા હતા. ટ્રમ્પે 1 જુલાઈના રોજ પ્રથમ વખત આ વિમાનમાં ઉત્તર ડાકોટાની યાત્રા કરી હતી. તુર્કીની યાત્રા વિમાનની પ્રથમ વિદેશ યાત્રા હતી. વ્હાઇટ હાઉસે વિમાનની સુરક્ષા અંગેના પ્રશ્નોને ફગાવી દીધા છે. તેણે વિમાનને આધુનિક ગણાવ્યું છે અને કહ્યું છે કે તેમાં ઉચ્ચ સ્તરીય સુરક્ષા પગલાં છે.

Image Gallery