Loading...

ખેડૂતની કમાણી પર ફરી વળ્યું પાણી ! ડુંગળીનો પાક બગડતાં ખેડૂતો દેવામાં ડૂબ્યા

ગુજરાતના અમરેલી જિલ્લામાં તાજેતરમાં આવેલા ભારે પવન અને તોફાની કમોસમી વરસાદે ખેડૂતોના હાલ બેહાલ કર્યા છે. આ માવઠાને કારણે જિલ્લાના ખાંભા, બગસરા, ધારી, ચલાલા અને અમરેલી જેવા મુખ્ય વિસ્તારોમાં ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે.

ડુંગળી, તલ, ચણા અને બાજરી સહિતના અનેક પાકો વરસાદી પાણીમાં પલળી ગયા છે અને તેનો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે. ખેડૂતો છેલ્લા ઘણા સમયથી દર વર્ષે આવા કમોસમી વરસાદનો માર વેઠી રહ્યા છે, જેના કારણે તેમની આર્થિક સ્થિતિ કથળી રહી છે.

વરસાદ અને ભારે પવનના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને, અમરેલી જિલ્લાના ખાંભા વિસ્તારમાં એક ખેડૂતના સાતથી આઠ વીઘામાં વાવેલી ડુંગળીનો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે. આ ઉપરાંત, તલ, બાજરી અને કેરી જેવા પાકોને પણ મોટા પાયે નુકસાન થયું છે. સ્થાનિક ખેડૂતોએ પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેમને નવ વીઘામાં ડુંગળી અને બે-ત્રણ વીઘામાં બાજરીનું વાવેતર કર્યું હતું.

બાજરીનો પાક પાકી ગયો હતો અને કાપણીની તૈયારી હતી, તેવામાં વરસાદ આવી ગયો. જ્યારે ડુંગળીનો પાક ખેંચાઈને ખેતરમાં જ પડ્યો હતો અને તે સંપૂર્ણપણે પલળી ગયો. ખેડૂતોના કહેવા મુજબ, એટલો બધો વરસાદ થયો છે કે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે અને ખેંચેલો માલ સંપૂર્ણપણે બગડી ગયો છે. હવે તેમાંથી કંઈ બચાવવાની શક્યતા રહી નથી.

ખેડૂતોએ સરકાર પાસે મદદની આશા વ્યક્ત કરી છે, જોકે તેમના અવાજમાં હતાશા પણ દેખાય છે. તેમને શંકા છે કે સરકાર તેમને યોગ્ય વળતર આપશે કે કેમ. એક ખેડૂતે કહ્યું, “સરકાર તો શું આપશે. નુકસાની તો ખેડૂને ભોગવવાની જ રહે છે.” ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદને કારણે ધરતીપુત્રોની મુશ્કેલીઓ વધી છે. આ પરિસ્થિતિએ ખેડૂતોમાં ભારે નારાજગી અને દુઃખનો માહોલ સર્જ્યો છે. ખેડૂતો માંગ કરી રહ્યા છે કે ગુજરાત સરકાર તાત્કાલિક ધોરણે સર્વે કરી તેમને આર્થિક સહાય પૂરી પાડે જેથી તેઓ આ સંકટમાંથી બહાર આવી શકે.

Image Gallery