Loading...

ઈરાન યુદ્ધ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં 45 વર્ષનો સૌથી મોટો કડાકો: જાણો રોકાણકારો કેમ કરી રહ્યા છે વેચવાલી?

વર્ષ 2025માં સોના અને ચાંદીએ રોકાણકારોને સારી એવી કમાણી કરાવી હતી, એટલે 2026 પાસે પણ લોકોને ઘણી આશાઓ હતી. પરંતુ માર્ચ 2026માં આ બધી આશાઓ પર જાણે પાણી ફરી વળ્યું છે. સામાન્ય રીતે મધ્ય પૂર્વમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જેવી યુદ્ધની તંગ પરિસ્થિતિ સર્જાય, ત્યારે સોનાના ભાવ આસમાને પહોંચી જતા હોય છે. પરંતુ આ વખતે માહોલ સાવ ઊલટો છે.

વૈશ્વિક તણાવ હોવા છતાં, સોના અને ચાંદીના ભાવમાં 1980 (છેલ્લા 45 વર્ષ) પછીનો સૌથી મોટો માસિક કડાકો બોલી ગયો છે. માત્ર એક જ મહિનામાં સોનાએ પોતાની 20% ચમક ગુમાવી દીધી છે, જ્યારે ચાંદીના ભાવ 35% જેટલા ગગડી ગયા છે. આ ઘટાડાએ 2026ના શરૂઆતના ત્રણ મહિનામાં થયેલા તમામ ફાયદાઓને ધોઈ નાખ્યા છે. ચાલો સરળ ભાષામાં સમજીએ કે આખરે એવું તે શું થયું કે લોકો સલામત મનાતા સોના-ચાંદીમાંથી પોતાના પૈસા પાછા ખેંચી રહ્યા છે.

જ્યારે પણ દુનિયામાં યુદ્ધ કે ડરનો માહોલ હોય, ત્યારે રોકાણકારો શેરબજાર કે અન્ય જોખમી જગ્યાએથી પૈસા કાઢીને સોનામાં રોકાણ કરે છે, કારણ કે તેને 'સેફ હેવન' (સુરક્ષિત આશરો) માનવામાં આવે છે. પણ આ વખતે બાજી પલટાઈ ગઈ છે. ગયા મહિને અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવ છતાં સોનાના ભાવ વધવાને બદલે ઘટતા રહ્યા. નિષ્ણાતોનું કહેવું છે કે, હાલમાં બજારમાં એવા ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે જે સુરક્ષિત પણ છે અને સોના કરતાં વધુ સારું વ્યાજ (વળતર) પણ આપે છે. સોનામાં રોકાણ કરવાથી કોઈ વ્યાજ મળતું નથી, આથી રોકાણકારો હવે તેમાંથી પૈસા કાઢી રહ્યા છે.

બજારના ડેટા પર નજર કરીએ તો, 2 માર્ચ, 2026ના રોજ MCX (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ) પર 10 ગ્રામ સોનાનો ભાવ ₹167,000 થી ₹168,000 ની આસપાસ હતો. જે આજે, 24 માર્ચના રોજ ઘટીને ₹136,762 થઈ ગયો છે. એટલે કે માર્ચ મહિનામાં જ સોનું ₹31,000 (18.5%) સસ્તું થઈ ગયું છે.

આવી જ હાલત ચાંદીની પણ છે. 2 માર્ચના રોજ 1 કિલો ચાંદીનો ભાવ ₹2,85,000 થી ₹2,86,000 ની આસપાસ હતો, જે આજે ઘટીને ₹2,18,628 પર આવી ગયો છે. આમ, યુદ્ધના માહોલ વચ્ચે પણ ચાંદીમાં કિલોએ ₹67,000 (23.5%) નો તોતિંગ ઘટાડો નોંધાયો છે.

આટલા મોટા ઘટાડા પાછળનું સૌથી મુખ્ય કારણ વૈશ્વિક સરકારી બોન્ડમાં મળતું ઊંચું વળતર છે. અત્યારે અમેરિકન બોન્ડનું વળતર (Yield) મહિનાઓની ટોચ પર છે. લોકોને ડર છે કે મોંઘવારીને કાબૂમાં લેવા માટે અમેરિકાની મધ્યસ્થ બેંક (US Fed) હજુ પણ વ્યાજદરમાં વધારો કરી શકે છે. માત્ર અમેરિકા જ નહીં, ઓસ્ટ્રેલિયામાં પણ 10 વર્ષના બોન્ડ યીલ્ડ 2011 પછીના સૌથી ઊંચા સ્તરે છે. આ ઉપરાંત ભારત, જાપાન અને દક્ષિણ કોરિયાના બોન્ડ માર્કેટ પણ ખાસ્સા મજબૂત થયા છે. પરિણામે, રોકાણકારોને સોના કરતાં અહીં વધુ ફાયદો દેખાઈ રહ્યો છે.

ફિનરેક્સ ટ્રેઝરી એડવાઇઝર્સના એક્સપર્ટ્સે 'મનીકંટ્રોલ' સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "હાલમાં બજારમાં માત્ર અમેરિકન ડોલર ઇન્ડેક્સ અને ક્રૂડ ઓઇલ (કાચું તેલ) જ મજબૂતી બતાવી રહ્યા છે. દુનિયાભરની સેન્ટ્રલ બેંકો હવે પોતાનું ફંડ સોનું ખરીદવા પાછળ વાપરવાને બદલે મોંઘુ તેલ ખરીદવામાં રોકી રહી છે. સામાન્ય માણસ માટે આનો સીધો અર્થ એ છે કે, આવનારા સમયમાં પણ કિંમતી ધાતુઓના ભાવ દબાણમાં રહી શકે છે. જો તમે અત્યારે ખરીદી કરવાનું વિચારી રહ્યા છો, તો એ જાણવું જરૂરી છે કે સોનું હવે મંદીના ઝોનમાં પ્રવેશી ચૂક્યું છે. જ્યાં સુધી ભૂ-રાજકીય તણાવ ઓછો ન થાય અને વ્યાજદર અંગે ચિત્ર સ્પષ્ટ ન થાય, ત્યાં સુધી ભાવ સ્થિર થવાની શક્યતા બહુ ઓછી છે."

 

Image Gallery