સુરત ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો: પોતાના જ ઉમેદવારોએ ફોર્મ ખેંચતા પક્ષમાં ખળભળાટ
સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં જાણે મોટું ભંગાણ પડ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. એક તરફ મનપાની ચૂંટણીમાં કોંગ્રેસના બે ઉમેદવારોએ અચાનક પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા છે અને એક ઉમેદવારનું ફોર્મ રદ થયું છે. તો બીજી તરફ કામરેજ તાલુકા પંચાયત અને ઓલપાડમાં પણ પાર્ટીને જબરદસ્ત ઝટકા લાગ્યા છે. પોતાના જ ઉમેદવારો ચૂંટણી પહેલા શસ્ત્રો હેઠા મૂકીને પાર્ટીને હરાવવા બેઠા હોય તેવી તસવીરો સામે આવતા સુરત કોંગ્રેસની છાવણીમાં ભારે નિરાશા અને દોડધામ જોવા મળી રહી છે.
સુરત મનપામાં કોંગ્રેસને એકસાથે 3 ફટકા
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને એક પછી એક એમ 3 મોટા ઝટકા લાગ્યા છે.
સૌથી પહેલા કોંગ્રેસના ઉમેદવાર ભુપેન્દ્ર છગન પટેલનું ઉમેદવારી ફોર્મ ટેકનિકલ કારણોસર રદ થયું હતું.
આ આઘાતમાંથી પાર્ટી બહાર આવે તે પહેલા જ વોર્ડ નંબર 1 માંથી કોંગ્રેસના ઉમેદવાર બોની પટેલે અચાનક પોતાનું ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી લીધું હતું.
આટલું ઓછું હોય તેમ વોર્ડ નંબર 18 ના કોંગ્રેસના ઉમેદવાર સંજય રામાનંદીએ પણ મેદાન છોડી દીધું અને પોતાનું ફોર્મ પરત ખેંચીને પાર્ટીને મુશ્કેલીમાં મુકી દીધી.
મીડિયાથી મોઢું છુપાવીને ભાગ્યા બોની પટેલ
વોર્ડ 1 ના ઉમેદવાર બોની પટેલે ફોર્મ ખેંચતા અનેક સવાલો ઊભા થયા છે. કરોડો રૂપિયાની સંપત્તિ ધરાવતા બોની પટેલે છેલ્લી ઘડીએ કોંગ્રેસ સાથે આવો દગો કેમ કર્યો તે મોટો સવાલ છે. રાજકીય વર્તુળોમાં એવી જોરદાર ચર્ચા ચાલી રહી છે કે કોઈ મોટા દબાણના કારણે જ તેમણે આ પગલું ભર્યું છે. ફોર્મ ખેંચ્યા બાદ જ્યારે મીડિયાએ તેમને સવાલો પૂછવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓ કોઈ પણ જવાબ આપ્યા વિના કેમેરાથી મોઢું છુપાવીને પોતાની કારમાં બેસીને રફુચક્કર થઈ ગયા હતા.
કામરેજ અને ઓલપાડમાં પણ કોંગ્રેસમાં કડાકો
સુરત શહેર બાદ જિલ્લામાં પણ કોંગ્રેસની સ્થિતિ કફોડી બની રહી છે. કામરેજ તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસના 2 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા છે. જેમાં વાવ બેઠક પરથી કોંગ્રેસના કિરીટભાઈ અને કામરેજ 1 બેઠક પરથી ભાવેશ વઘાસીયાએ ઉમેદવારી પાછી ખેંચી છે.
બીજી તરફ, સુરત જિલ્લાના ઓલપાડ તાલુકા કોંગ્રેસમાં તો જાણે ભૂકંપ આવી ગયો છે. ઓલપાડ કોંગ્રેસના પ્રમુખ અશોક પટેલે જ અચાનક પોતાનું ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી લેતા પાર્ટીએ કડક કાર્યવાહી કરી છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ કોંગ્રેસ હાઈકમાન્ડે અશોક પટેલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે.
Live