Loading...

PMની અપીલ પર ગુજરાત યુનિવર્સિટીનો પરિપત્ર, સ્ટાફને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા અપીલ

દેશમા ઈંધણની બચત કરવા માટે વડાપ્રધાન મોદીએ કરેલી વિશેષ અપીલને પગલે ગુજરાત યુનિવર્સિટીએ પણ પેટ્રોલ- ડિઝલના ઉપયોગમાં ઘટાડા અંગેનો નિર્ણય કર્યો છે. યુનિવર્સિટીના તમામ વિભાગો અને ભવનોના અધિકારીઓ તેમજ કર્મચારીઓ માટે હવે કાર પુલિંગની વ્યવસ્થા અમલમાં મૂકવાની સૂચના આપવામાં આવી છે. આ નવી વ્યવસ્થાથી વાહનોની સંખ્યામાં ઘટાડો કરી પર્યાવરણ જાળવણીમાં તેમજ ઈંધણની બચતમાં ફાળો આપવાનો મુખ્ય ઉદ્દેશ છે.

યુનિવર્સિટીના પરિપત્ર મુજબ કેમ્પસમાં કાર્યરત તમામ સ્ટાફને ઈંધણ બચાવવા માટે પ્રોત્સાહિત કરાયા છે. પરિપત્રમાં સ્પષ્ટપણે સૂચના અપાઈ છે કે જે કર્મચારીઓ અથવા અધિકારીઓ આસપાસના વિસ્તારોમાં રહે છે તેમણે શક્ય હોય ત્યાં સુધી પોતાના અન્ય સાથી કર્મચારીઓને સાથે લઈ આવવા માટે કાર પુલિંગની વ્યવસ્થા ગોઠવવી જોઈએ. જેનાથી રસ્તાઓ પર વ્યકિતગત વાહનોનો ભાર ઘટશે અને સીધી રીતે પેટ્રોલ- ડીઝલના વપરાશમાં મોટો ઘટાડો જોવા મળશે. તો કર્મચારીઓને ખાનગી વાહનોને ઘટાડીને જાહેર પરિવહન સેવાઓનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે. 

એએમસી પેટ્રોલ- ડિઝલ પાછળ વર્ષે અંદાજિત 16.53 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરે છે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પોતાના વિવિધ વિભાગોના વાહનોમાં પેટ્રોલ- ડિઝલ પાછળ વર્ષે અંદાજિત 16.53 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરે છે. PM મોદીએ યુદ્ધની સ્થિતિને લઈ ઈંધણનો સંયમિત ઉપયોગ કરવા અપીલ કરી છે. ત્યારે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ડિજિટલ બેઠકોને પ્રાથમિકતા આપે તેવી ચર્ચા શરૂ થઈ છે.  AMCના વાહનો દૈનિક 100 લીટર પેટ્રોલ અને 5000 લીટર ડિઝલ મળી કુલ દૈનિક 5100 લીટર ઈંધણનો ઉપયોગ કરે છે. કોર્પોરેશને અનેક વાહનોને CNG આધારિત પણ બનાવ્યા છે અને ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ પણ વધાર્યો છે તેમ છતાં કાર સહિતના વાહનમાં પેટ્રોલ- ડિઝલનો નોંધપાત્ર વપરાશ યથાવત છે. જો AMC વહીવટી સ્તરે કાર પુલિંગ અને ઓનલાઈન મીટિંગ્સ જેવા ઉપાયો વધુ અસરકારક રીતે અમલમાં મૂકે તો મનપાની તિજોરી પરનો ખર્ચ ઘટાડવામાં મોટી મદદ મળી શકે છે. 

Image Gallery