Loading...

લગ્નની ના પાડતા હત્યા કરાઈ હોવાનો પરિવારનો આક્ષેપ, જાણો કોણ છે ફેમસ પંજાબી ગાયિકા ઇન્દર કૌર

પંજાબી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાંથી એક અત્યંત ચોંકાવનારા અને દુખદ સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત ૨૯ વર્ષીય પંજાબી ગાયિકા યશિન્દર કૌર (જે ઇન્દર કૌર તરીકે જાણીતી હતી) ની ગોળી મારીને ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી છે. ગુમ થયાના છ દિવસ બાદ લુધિયાણાની એક નહેરમાંથી ગાયિકાની કાર અને તેનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. લુધિયાણાના જમાલપુરની રહેવાસી ઇન્દર કૌર ગત ૧૩ મેના રોજ કરિયાણું ખરીદવા પોતાની કાર લઈને ઘરેથી નીકળી હતી, ત્યાર બાદથી તે ગુમ હતી.


 
 

લગ્ન કરવાનો ઇનકાર કરતાં પ્રેમીએ કરી હત્યા

પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, આ હત્યા પાછળ ત્રિકોણીય પ્રેમ અને દગાબાજીની વાર્તા છુપાયેલી છે. ઇન્દર કૌર અને મુખ્ય આરોપી સુખવિંદર સિંહ (રહેવાસી મોગા, હાલ કેનેડા) ત્રણ વર્ષ પહેલાં ઇન્સ્ટાગ્રામ પર મિત્રો બન્યા હતા. જો કે, જ્યારે ઇન્દરને ખબર પડી કે સુખવિંદર પહેલેથી જ પરિણીત છે અને તેને બાળકો પણ છે, ત્યારે તેણે સુખવિંદર સાથે લગ્ન કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. આ વાતથી ગુસ્સે ભરાયેલા સુખવિંદરે ઇન્દર પર લગ્ન કરવાનું દબાણ શરૂ કર્યું હતું. આરોપ છે કે ૧૩ મેના રોજ સુખવિંદરે તેના પિતા અને મિત્ર સાથે મળીને બંદૂકની અણીએ ઇન્દરનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેની ગોળી મારીને હત્યા કરી દીધી અને પુરાવાનો નાશ કરવા માટે લાશને કાર સહિત નહેરમાં ફેંકી દીધી હતી.

જાણો કોણ છે પંજાબી ગાયિકા ઇન્દર કૌર

1997 માં જન્મેલી, ઇન્દર કૌર પંજાબ સ્થિત ગાયિકા અને મેકઅપ આર્ટિસ્ટ હતી અને પંજાબી સંગીત ઉદ્યોગમાં તેમનો પ્રભાવ વધતો ગયો હતો. તે ઇન્સ્ટાગ્રામ પર 124,000 થી વધુ ફોલોઅર્સ ધરાવે છે. ગાયિકા લાંબા સમયથી પ્રાદેશિક ગીતો ગાઈને લોકપ્રિય થઈ. તેના ફેમસ ગીતોમાં 'અફઘાન જટ્ટી', 'સોહના લગડા', 'લાનેદારની', 'દેશી સિરે દે', 'સોને દી વાંગ', 'કિસાન એન્થમ', 'જીજા', 'રિચ સ્ટાન્ડર્ડ', 'આકડ' અને 'કડો તી મિલેગી'નો સમાવેશ થાય છે. તેમણે પ્રખ્યાત ગાયક ગિપ્પી ગ્રેવાલ સાથે "સોને દી વાંગ" પણ ગાયું હતું. ઇન્દરના પરિવારની વાત કરીએ તો માતા-પિતા અને બે ભાઈઓ વિદેશમાં રહે છે, જ્યારે એક ભાઈ જમાલપુરમાં રહે છે.

Image Gallery