US Iran War:આંકડો જોઈને દુનિયા ચોંકી ગઈ! ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકાના ફાઈટર જેટ-ડ્રોન તબાહ
મિડલ ઈસ્ટમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે થયેલા ભીષણ યુદ્ધ બાદ હાલ ભલે સીઝફાયર (યુદ્ધવિરામ) ચાલી રહ્યો હોય, પરંતુ આ યુદ્ધમાં સુપરપાવર અમેરિકાને કેટલું મોટું નુકસાન સહન કરવું પડ્યું છે તેનો એક ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. યુએસ કોંગ્રેસની સંશોધન સંસ્થા 'કોંગ્રેસનલ રિસર્ચ સર્વિસ' (CRS) ના તાજેતરના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈરાન સામેની લડાઈમાં અમેરિકાએ પોતાના ૨૪ ઘાતક ડ્રોન અને અત્યાધુનિક ફાઈટર જેટ સહિત કુલ 42 વિમાનો ગુમાવ્યા છે અથવા તો તે ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થયા છે.
ઓપરેશન 'એપિક ફ્યુરી' માં થયું મોટું નુકસાન
અમેરિકી સંરક્ષણ મંત્રાલય (Pentagon) અને સેન્ટકોમ (CENTCOM) ના ડેટાના આધારે તૈયાર કરાયેલા આ રિપોર્ટ મુજબ, ૨૮ ફેબ્રુઆરીના રોજ અમેરિકાએ ઈરાન વિરુદ્ધ ઓપરેશન 'એપિક ફ્યુરી' (Operation Epic Fury) શરૂ કર્યું હતું. આ ઓપરેશન દરમિયાન ઈરાનના તત્કાલીન સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામીનેઈ સહિત કેટલાય ટોચના સૈન્ય અધિકારીઓ માર્યા ગયા હતા. પરંતુ ઈરાનના પલટવારમાં અમેરિકાને પણ સૈન્ય મોરચે મોટો ઝટકો લાગ્યો છે.
અમેરિકાના કયા કયા વિમાનો તબાહ થયા?
CRS ના રિપોર્ટ અનુસાર, નુકસાન પામેલા 42 વિમાનોમાં અમેરિકાના સૌથી એડવાન્સ ફાઈટર જેટ્સ સામેલ છે. જેમાં 4 F-15E સ્ટ્રાઈક ઈગલ ફાઈટર જેટ, 1 અત્યાધુનિક F-35A લાઈટનિંગ-II, 1 A-10 થંડરબોલ્ટ-II ગ્રાઉન્ડ અટેક એરક્રાફ્ટ, હવામાં ઈંધણ પૂરતા 7 KC-135 સ્ટ્રેટોટેન્કર, 1 ઈ-3 સેન્ટ્રી અવાક્સ (AWACS) વિમાન, ૨ એમસી-130જે કમાન્ડો-II સ્પેશિયલ ઓપરેશન વિમાન અને 1 એચએચ-60ડબલ્યુ જોલી ગ્રીન-II હેલિકોપ્ટર સામેલ છે. આ સિવાય સૌથી મોટો ફટકો ડ્રોન કાફલાને પડ્યો છે, જેમાં અમેરિકાના ૨૪ કિંમતી MQ-9 રીપર ડ્રોન અને 1 MQ-4C ટ્રાઈટન ડ્રોન સંપૂર્ણપણે નાશ પામ્યા છે.
જંગ પાછળ ૨૯ અબજ ડોલરનો ધુમાડો
આ અહેવાલ એવા સમયે આવ્યો છે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સતત ઈરાનને ફરીથી હુમલો કરવાની ધમકીઓ આપી રહ્યા છે. આ અગાઉ સામે આવેલા આંકડા મુજબ, ઈરાન સામેના આ ટૂંકા ગાળાના જંગમાં જ અમેરિકાને અંદાજે ૨૯ અબજ ડોલર (આશરે ૨.૪ લાખ કરોડ રૂપિયા) નો તોતિંગ આર્થિક ખર્ચ થયો છે. આટલા મોટા પાયે ફાઈટર જેટ્સ અને ડ્રોન ગુમાવવા તે અમેરિકન આર્મીના ઈતિહાસમાં તાજેતરના સમયનું સૌથી મોટું નુકસાન માનવામાં આવી રહ્યું છે.
Live