Loading...

NCRB રિપોર્ટ 2024 મુજબ સુરક્ષા અને કાયદો-વ્યવસ્થામાં દેશભરમાં અગ્રેસર આપણું ગુજરાત

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB), નવી દિલ્હી દ્વારા તાજેતરમાં પ્રખ્યાત પુસ્તક “ક્રાઈમ ઇન ઇન્ડિયા” (Crime In India 2024) ના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આ અહેવાલમાં ભારતભરના તમામ રાજ્યોની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનું તુલનાત્મક વિશ્લેષણ કરવામાં આવ્યું છે. સત્તાવાર આંકડાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે, ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અત્યંત સુદ્રઢ છે અને નાગરિકો માટે ગુજરાત દેશના સૌથી સુરક્ષિત રાજ્યોમાંનું એક છે.

દારૂબંધીના કેસો અને ગુજરાત પોલીસની સક્રિયતા

વર્ષ 2024માં સમગ્ર ભારતનો સરેરાશ ક્રાઈમ રેટ 252.3 નોંધાયો છે, જેની સરખામણીએ ગુજરાતનો કુલ ક્રાઈમ રેટ માત્ર 227.7 છે. આ આંકડા સાથે દેશના કુલ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગુજરાત 12મા ક્રમે આવે છે.

અહીં એ સમજવું જરૂરી છે કે ગુજરાતમાં કડક દારૂબંધી અમલમાં હોવાના કારણે પોલીસ દ્વારા પ્રોહિબિશન એક્ટ હેઠળ ખૂબ જ કડક કામગીરી કરવામાં આવે છે. દારૂ ગાળવા, વેચવા, હેરફેર કરવા કે પીવા સંબંધિત ગુનાઓમાં પોલીસ પોતે જ સામે ચાલીને દર વર્ષે લાખોની સંખ્યામાં કેસો દાખલ કરે છે. NCRB જ્યારે કુલ ગુનાઓની ગણતરી કરે છે, ત્યારે તેમાં આ સ્પેશિયલ કાયદાના કેસો પણ ઉમેરાય છે, જેના કારણે ગુનાની સંખ્યા વધુ દેખાય છે. વાસ્તવમાં આ પોલીસની સજાગતા દર્શાવે છે. જો આ દારૂબંધીના કેસોને અલગ રાખવામાં આવે, તો ગુજરાતનો વાસ્તવિક પરંપરાગત (IPC/BNS) ગુનાઓનો દર રાષ્ટ્રીય સરેરાશ કરતા ઘણો વધારે નીચો છે.

જુદી-જુદી કેટેગરીમાં ગુજરાતની સ્થિતિ:

NCRB રિપોર્ટના આંકડા અનુસાર વિવિધ ગુનાઓમાં ગુજરાતની સ્થિતિ રાષ્ટ્રીય સ્તર કરતાં ઘણી વધુ સુરક્ષિત છે:

ગુનાની કેટેગરી

રાષ્ટ્રીય સરેરાશ દર (National Rate)

ગુજરાતનો ક્રાઈમ રેટ (Gujarat Rate)

દેશમાં ગુજરાતનું સ્થાન (જેટલું પાછળ એટલું સુરક્ષિત)

મહિલાઓ વિરૂદ્ધના ગુના 64.6  22.0 33મું સ્થાન
બાળકો વિરૂદ્ધના ગુના 42.3 25.8 29મું સ્થાન
ગંભીર હિંસાત્મક ગુના(ખૂન, લૂંટ, બળાત્કાર વગેરે) 52.9 16.5 31મું સ્થાન
શરીર વિરૂદ્ધના ગુના 52.1 24.7 31મું સ્થાન
મિલકત વિરૂદ્ધના ગુના(ચોરી, લૂંટ વગેરે) 57.9 30.4 23મું સ્થાન

મુખ્ય ગુનાઓમાં નોંધપાત્ર ઘટાડો

  • મહિલા સુરક્ષા:મહિલા સુરક્ષા બાબતે ગુજરાત દેશના સૌથી મોખરે રહેલા રાજ્યોમાંનું એક છે. રાષ્ટ્રીય સ્તરે મહિલાઓ વિરૂદ્ધનો ગુનાનો દર 64.6 છે, જ્યારે ગુજરાતમાં તે માત્ર 22.0 છે (33મું સ્થાન).
  • ખૂનના કેસો: વર્ષ 2024માં ખૂનનો રાષ્ટ્રીય સરેરાશ દર 1.9 છે, જેની સામે ગુજરાતમાં આ દર માત્ર 1.3 છે (29મું સ્થાન).
  • બળાત્કારના ગુના: દેશનો સરેરાશ બળાત્કારનો દર 4.3 છે, જ્યારે ગુજરાતમાં આ દર ઘણો ઓછો એટલે કે 1.9 છે (29મું સ્થાન).
  • અપહરણ અને અપનયન: સમગ્ર ભારતમાં અપહરણનો સરેરાશ દર 6.8 છે, જ્યારે ગુજરાતમાં આ દર માત્ર 1.7 નોંધાયો છે (26મું સ્થાન).
  • ઘરફોડ ચોરી: દેશભરમાં ઘરફોડ ચોરીનો સરેરાશ દર 7.7 છે, જેની સામે ગુજરાતમાં આ દર ઘણો ઓછો એટલે કે 4.1 રહ્યો છે (27મું સ્થાન).

NCRB 2024નો આ અહેવાલ સાબિત કરે છે કે ગુજરાત પોલીસની સતત પેટ્રોલિંગ, ગુના નિવારણની કડક કામગીરી અને આધુનિક પદ્ધતિઓના કારણે રાજ્યમાં શાંતિ અને સુરક્ષાનું વાતાવરણ જળવાઈ રહ્યું છે. ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વ્યાપારીઓની સુરક્ષા મામલે ગુજરાત આજે દેશમાં એક આદર્શ અને સુરક્ષિત રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે.

Image Gallery