Loading...

ઈરાનમાં સ્થિતિ બગડી, ભારતીયોને તાત્કાલિક નીકળી જવાની સલાહ:તેહરાનમાં આજે એકસાથે 300 મૃતદેહને દફનાવાશે

ઈરાનમાં હિંસક પ્રદર્શનોને કારણે ભારત સરકારે બુધવારે નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. એમાં કહેવામાં આવ્યું છે કે જે પણ ભારતીય નાગરિકો, પછી ભલે તે વિદ્યાર્થીઓ હોય, યાત્રાળુઓ હોય, વેપારીઓ હોય કે પ્રવાસીઓ, જેઓ હાલમાં ઈરાનમાં છે, તેમણે શક્ય એટલી વહેલી તકે ત્યાંથી નીકળી જવું જોઈએ.

આ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે આ સલાહ 5 જાન્યુઆરીની અગાઉની એડવાઈઝરીની આગળની કડી છે અને ઈરાનની બદલાતી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે.

સરકારે એ પણ પુનરાવર્તન કર્યું છે કે તમામ ભારતીય નાગરિકોએ સાવચેતી રાખવી જોઈએ. તેમણે વિરોધપ્રદર્શનો અથવા ભીડવાળી જગ્યાઓથી દૂર રહેવું જોઈએ.

ઈરાનમાં હાજર ભારતીય નાગરિકો ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહે અને સ્થાનિક મીડિયા પર નજર રાખે જેથી કોઈ પણ નવી માહિતીથી વાકેફ રહી શકે.

26 વર્ષના પ્રદર્શનકારીને ફાંસી આપવામાં આવી શકે છે

આ દરમિયાન પ્રદર્શનમાં સામેલ થવા બદલ 26 વર્ષીય ઇરફાન સુલતાનીને આજે ફાંસી આપવામાં આવી શકે છે. ધ ગાર્ડિયન અનુસાર, તેમની 8 જાન્યુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી.

ઈરાન સરકારે 11 જાન્યુઆરીએ કેસમાં દોષિત ઠેરવ્યા બાદ જણાવ્યું હતું કે ઇરફાનની સજા મોહરેબેહ (ભગવાન વિરુદ્ધ યુદ્ધ છેડવું) છે. કોઈ ટ્રાયલ નહીં, કોઈ વકીલ નહીં, પરિવારને માત્ર 10 મિનિટની છેલ્લી મુલાકાત મળશે.

ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે કહ્યું હતું કે જો ઈરાનમાં અધિકારીઓ સરકાર વિરુદ્ધ વિદ્રોહ પર કાર્યવાહીમાં લોકોને ફાંસી આપવાનું શરૂ કરશે તો અમેરિકા કડક જવાબ આપશે. જ્યારે ઈરાનના રાષ્ટ્રીય સુરક્ષા પ્રમુખ અલી લારીજાનીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયેલી PM નેતન્યાહુને ઈરાનના લોકોના હત્યારા ગણાવ્યા.

ચીન પછી ઈરાન દુનિયામાં સૌથી વધુ લોકોને ફાંસી આપનારો દેશ છે. નોર્વે સ્થિત ઈરાન માનવાધિકાર જૂથ અનુસાર, ગયા વર્ષે ઈરાને ઓછામાં ઓછા 1,500 લોકોને ફાંસી આપી.

દાવો- ઈરાનમાં અત્યારસુધી 12 હજાર લોકોની હત્યા

બીજી તરફ, ઈરાન સંબંધિત બાબતોને આવરી લેતી બ્રિટિશ વેબસાઈટ ઈરાન ઈન્ટરનેશનલનો દાવો છે કે ઈરાનમાં છેલ્લા 17 દિવસમાં 12 હજાર પ્રદર્શનકારીની હત્યા કરવામાં આવી છે.

વેબસાઈટે તેને ઈરાનના આધુનિક ઇતિહાસમાં અત્યારસુધીનો સૌથી મોટો હત્યાકાંડ ગણાવ્યો છે. જ્યારે એક ન્યૂઝ એજન્સીએ ઈરાની અધિકારીઓને ટાંકીને મૃત્યુઆંક 2000 જણાવ્યો છે.

વેબસાઈટનું કહેવું છે કે આ માહિતી ઘણા સ્ત્રોતો પર આધારિત છે. આ ડેટાની અનેક સ્તરે તપાસ કરવામાં આવી હતી અને કડક વ્યાવસાયિક ધોરણો મુજબ પુષ્ટિ કર્યા પછી જ તેને જાહેર કરવામાં આવ્યો હતો. મોટા ભાગના મૃત્યુ પામેલા લોકો 30 વર્ષથી ઓછી ઉંમરના હતા.

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મોટા ભાગની હત્યાઓ 'રિવોલ્યુશનરી ગાર્ડ્સ' અને 'બસીજ ફોર્સ' દ્વારા ગોળી મારીને કરવામાં આવી છે અને આ બધું સુપ્રીમ લીડર અલી ખામેનીના આદેશ પર થયું હતું. દાવો કરવામાં આવ્યો છે કે મોટા ભાગની હત્યાઓ 8 અને 9 જાન્યુઆરીની રાત્રે થઈ હતી. સરકાર ઇન્ટરનેટ અને કોમ્યુનિકેશનને ઠપ કરીને પોતાના ગુના દુનિયાથી છુપાવી રહી છે.

ભારતની મુલાકાતે આવેલા જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ટ્ઝે મંગળવારે જણાવ્યું હતું કે ઈરાનમાં સરકારનો ખેલ ખતમ થઈ ગયો છે. બ્રિટિશ વેબસાઇટ ઈરાન ઇન્ટરનેશનલે દાવો કર્યો છે કે ઈરાનમાં છેલ્લા 17 દિવસમાં 12 હજાર લોકો માર્યા ગયા છે.