વડોદરામાં NH-48 પર સતત બીજા દિવસે અકસ્માત, એકનું મોત: 2 દિવસમાં 3 મોત
વડોદરા પાસેથી પસાર થતો નેશનલ હાઇવે 48 જાણે મોતનો હાઇવે બની ગયો હોય તેમ એક બાદ એક ગમખ્વાર અકસ્માત સર્જાઇ રહ્યા છે. ગઈકાલે કરજણ-ધાવટ બ્રિજ બાદ આજે(31 જાન્યુઆરી) ફરી બામણગામ પાટિયા પાસે અકસ્માત સર્જાયો છે. જેમાં એક ખાનગી લક્ઝરી બસ આગળ જતી ટ્રકમાં ધડાકાભેર ટકરાઈ હતી. અકસ્માતમાં ડ્રાઇવરનું ઘટનાસ્થળે મોત થયું છે અને 20થી વધુ લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી છે, જ્યારે બેથી વધુ લોકો ગંભીર હોવાનું સામે આવ્યું છે. સતત બીજા દિવસે અકસ્માતના કારણે બે દિવસમાં ત્રણનો ભોગ લેવાયો છે.
અમરેલીથી સુરત જતી લકઝરીનો અકસ્માત
લકઝરી અમરેલીથી સુરત તરફ જઈ રહી હતી તે દરમિયાન ડ્રાઇવરની બેદરકારીના કારણે બસ આગળ જતી ટ્રકમાં ધડાકાભેર ઘૂસી જતાં બસના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જેમાં ડ્રાઈવર ફસાયો હતો જેથી કરજણ ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ વિવિધ સાધનોની મદદથી રેસ્ક્યુ કરી મૃતદેહ બહાર કાઢ્યો હતો.
લકઝરીનો આગળનો ભાગ કાપી મૃતદેહ બહાર કાઢ્યો
લકઝરીનો આગળનો ભાગ ડેમેજ હોવાથી રેમજેક મશીન અને વિવિધ સાધનોની મદદથી આગળનો ભાગ કાપી મૃતદેહ બહાર કાઢ્યો હતો.
અકસ્માતના કારણે ટ્રાફિક જામ
આ અકસ્માતને લઈ કરજણ પોલીસ અને નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. અકસ્માતના કારણે હાઇવે પર રેસ્ક્યુ અને બચાવ કામગીરીને કારણે ટ્રાફિકને રોકવામાં આવ્યો હતો.