એપલ કંપનીએ એક જ દિવસમાં ગુમાવ્યાં 18,276 અબજ રૂપિયા, અચાનક શું થયું?
Apple stock worst day 2026: ટેક જાયન્ટ એપલ (Apple) માટે ફેબ્રુઆરી મહિનાનો આ સપ્તાહ આંચકાજનક રહ્યો છે. ગત બુધવારે કંપનીના શેરમાં 5 ટકાનો મોટો કડાકો જોવા મળ્યો હતો, જે એપ્રિલ 2025 પછીનો સૌથી મોટી એક દિવસીય ઘટાડો માનવામાં આવે છે. આ કડાકાને કારણે માત્ર 24 કલાકમાં જ કંપનીની માર્કેટ વેલ્યુમાં 202 અબજ ડોલર (આશરે ₹18,276 અબજ) નો જંગી ઘટાડો થયો છે. આ નુકસાન એટલું મોટું છે કે તેના કારણે છેલ્લા એક વર્ષમાં કંપનીએ મેળવેલી તમામ ગેઈન હવે ધોવાઈ ગયો છે.
કેમ બોલાયો કડાકો
શેરમાં થયેલા આ તોતિંગ ઘટાડા પાછળ મુખ્યત્વે બે કારણો જવાબદાર હોવાનું મનાય છે. પ્રથમ કારણ એપલના પર્સનલ વૉઇસ આસિસ્ટન્ટ 'Siri' ના નવા અપડેટમાં થઈ રહેલો વિલંબ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધતા વર્ચસ્વ વચ્ચે એપલે ગૂગલ જેમિની (Google Gemini) પર આધારિત સિરીનું નવું વર્ઝન લોન્ચ કરવા માટે હાથ મિલાવ્યા છે, પરંતુ તેના લોન્ચિંગમાં વિલંબના અહેવાલોએ રોકાણકારોની ચિંતા વધારી દીધી છે. જોકે, કંપનીએ દાવો કર્યો છે કે તેમની તૈયારીઓ યોગ્ય દિશામાં છે અને નવું અપડેટ 2026માં જ આવશે.