સાસણમાં CMએ કર્યાં સિંહદર્શન:ખુલ્લી જીપમાં સફારી બાદ 'દાદા'એ કર્યું તાપણું; સ્થાનિકો સાથે 'ચા'ની ચુસકી મારી
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો એક અનોખો અને સાદગીભર્યો અંદાજ સાસણ ગીરમાં જોવા મળ્યો છે. જૂનાગઢના પ્રવાસે આવેલા મુખ્યમંત્રીએ વહેલી સવારે ખુલ્લી જીપમાં સવાર થઈને ગીરનાં જંગલોમાં સિંહદર્શનનો લહાવો લીધો હતો.
જોકે આ મુલાકાતનું મુખ્ય આકર્ષણ તેમની સાદગી રહી. સત્તાના પ્રોટોકોલ બાજુ પર મૂકી મુખ્યમંત્રીએ સાસણની બજારમાં સ્થાનિકો સાથે બેસીને ચાની ચુસકી લીધી અને હળવાશના મૂડમાં કહ્યું કે આ મજા જ કંઈક અલગ છે!
વહેલી સવારે જંગલ સફારીનો અવિસ્મરણીય અનુભવ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મૃદુ અને મક્કમ છબિની સાથે તેમની સાદગીનાં દર્શન આજે સાસણ ગીરમાં થયા હતા. જૂનાગઢનાં વિકાસકાર્યોના લોકાર્પણ બાદ મુખ્યમંત્રી સાસણ પહોંચ્યા હતા, જ્યાં તેમણે કોઈપણ પ્રોટોકોલના આડંબર વગર એક સામાન્ય નાગરિકની જેમ ગીરની ગલીઓમાં લટાર મારી સ્થાનિકોનાં દિલ જીતી લીધાં હતાં.
ખુલ્લી જીપમાં 'દાદા'એ કર્યા સિંહદર્શન
મુખ્યમંત્રીએ આજે વહેલી સવારે ગીર જંગલ સફારીની મુલાકાત લીધી હતી. કેરંભા થાણા વિસ્તારમાં તેમણે નિર્ભય રીતે વિહરતા સાવજોને નિહાળ્યા હતા. સિંહદર્શન બાદ તેમણે પ્રતિભાવ આપતાં કહ્યું કે ગીરની સવાર ખરેખર અદભુત છે! તેમણે વનકર્મીઓ સાથે સંવાદ કરી સિંહ સંવર્ધનની બહુસ્તરીય કામગીરીની વિગતો મેળવી તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
બાંકડા પર બેસી ચા પીધી અને પાન ખાધું
મુખ્યમંત્રીની મુલાકાતનો સૌથી યાદગાર અંશ તેમની સાદગી રહ્યો. ગઈકાલે રાત્રે સિંહસદન ગેસ્ટહાઉસથી તેઓ પગપાળા જ બજારમાં નીકળી પડ્યા હતા. રસ્તામાં તેઓ સ્થાનિક વેપારીઓ, હસ્તકલાના કારીગરો અને પ્રવાસીઓને મળ્યા હતા. સાસણના સરપંચ અને પૂર્વ સરપંચ સાથે મુલાકાત થતાં મુખ્યમંત્રીએ સહજતાથી કહ્યું, "ચલો ચા પીવડાવો". એક સામાન્ય ચાના ગલ્લા પર બાંકડા પર બેસીને તેમણે ચા પીધી હતી અને પાનનો આનંદ પણ માણ્યો હતો. તેમણે ગીરની પ્રખ્યાત કેરીની પ્રોડક્ટ્સ અને સિંહની પ્રતિકૃતિ જેવી હસ્તકલાની વસ્તુઓ વેચતા વેપારીઓને મળીને 'વોકલ ફોર લોકલ'ના મંત્રને પ્રોત્સાહન આપ્યું હતું.
ગીરમાં પ્રવાસન અને વિકાસની ચર્ચા
મુલાકાત દરમિયાન સ્થાનિક આગેવાનોએ મુખ્યમંત્રીને પ્રવાસન વધારવા માટેનાં સૂચનો પણ આપ્યાં હતાં. વર્ષ 2025ની ગણતરી મુજબ ગીર અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સિંહોની સંખ્યા 891 પર પહોંચી છે. ત્યારે પૂર્વ સરપંચે હિરણ નદીમાં બોટિંગ અને નાઈટ ટ્રેકિંગ જેવી પ્રવૃત્તિઓ શરૂ કરવા સૂચન કર્યું, જેને મુખ્યમંત્રીએ હકારાત્મક રીતે સાંભળ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને 'પ્રોજેક્ટ લાયન'ને કારણે ગીરમાં પ્રવાસીઓનો ધસારો વધ્યો છે, જેનાથી સ્થાનિક રોજગારીમાં મોટો ઉછાળો આવ્યો છે.
મુખ્યમંત્રીની સરળતા, મૃદુતા અને નિખાલસતા સાસણના લોકો અને પ્રવાસીઓના હૃદયને સ્પર્શી ગઈ. એક રાજ્યના વડા હોવા છતાં સામાન્ય લોકો વચ્ચે બેસીને તેમની સમસ્યાઓ અને રાજીપો જાણવાની તેમની શૈલીની ગીરવાસીઓ પ્રશંસા કરી રહ્યા છે.
સાસણગીરમાં મુખ્યમંત્રીએ વનકર્મીઓ માટે 183 ખાસ વાહનને ફ્લેગ ઓફ કરાવ્યું
વનસંપદા અને વન્ય જીવસૃષ્ટિથી સમૃદ્ધ ગુજરાતમાં વન્ય પ્રાણી સંરક્ષણ, સંવર્ધન અને રેસ્ક્યૂ કામગીરીને વધુ સુદૃઢ બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાસણગીર ખાતેથી 183 અત્યાધુનિક વાહનને ફ્લેગ ઓફ કરાવ્યું હતું. વન વિભાગ દ્વારા વિવિધ પ્રોજેક્ટ્સ અંતર્ગત 174 ફિલ્ડ બાઈક, 6 બોલેર કેમ્પર અને 3 ખાસ મોડિફાઇડ રેસ્ક્યૂ વ્હીકલ્સની ફાળવણી કરવામાં આવી છે. આ વાહનો ગીર, બૃહદ ગીર સહિત સમગ્ર 'લાયન લેન્ડસ્કેપ' અને રાજ્યના અન્ય વન વિસ્તારોમાં ફરજ બજાવતા વનકર્મીઓને પેટ્રોલિંગ અને પ્રોટેક્શનની કામગીરીમાં વધુ સક્ષમ બનાવશે.
વાહનોના લોકાર્પણ સમયે વન પર્યાવરણ અગ્ર સચિવ ડૉ. વિનોદ રાવ અને અગ્ર મુખ્ય વન સંરક્ષક ડૉ. જયપાલસિંહ સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખાસ સુવિધાઓથી સજ્જ આ નવાં વાહનો મળવાથી હવે ફિલ્ડ સ્ટાફ વન્યજીવોના સંરક્ષણ અને ઇમર્જન્સી રેસ્ક્યૂ કામગીરી વધુ ઝડપથી અને અસરકારક રીતે કરી શકશે.
ધાવા ગીર ખાતે મિત્રના પુત્રના લગ્નપ્રસંગે હાજરી આપવા આવ્યા હતા
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી તાલાલાના ધાવા ગીર ખાતે મિત્રના પુત્રના લગ્નપ્રસંગે હાજરી આપવા આવ્યા હતા, જેના ભાગરૂપે તેમણે સાસણમાં રાત્રિરોકાણ કરી વન વિભાગની કામગીરીની સમીક્ષા અને જનસંપર્ક સાધ્યો હતો.