T20 વર્લ્ડ કપના સેમિફાઈનલમાં ભારતની એન્ટ્રી પાક્કી! ઑસ્ટ્રેલિયા બહાર થયા બાદ જાણો સમીકરણ
T20 World Cup 2026: T20 વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વે અને આયર્લેન્ડ વચ્ચેની મેચમાં વરસાદ પડતા ઑસ્ટ્રેલિયાને મોટો ઝટકો લાગ્યો હતો. શ્રીલંકાના કેન્ડી સ્ટેડિયમમાં સતત ભારે વરસાદ પડવાના કારણે ઝિમ્બાબ્વે-આયર્લેન્ડની મેચ ટોસ વગર જ રદ થઈ ગઈ હતી, જેના કારણે ઝિમ્બાબ્વે સીધી જ સુપર-8માં પહોંચી ગઈ છે અને આયર્લેન્ડની સાથે ઓસ્ટ્રેલિયા પણ T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું છે. કુદરતનો કરિશ્મા અને આયર્લેન્ડ અને ઝિમ્બાબ્વે વચ્ચે વરસાદને કારણે વહેંચાયેલા પોઈન્ટે T20 વર્લ્ડ કપ 2026ના સમીકરણોને સંપૂર્ણપણે ઉલટ-પુલટ કરી દીધા છે. પલ્લેકેલેના મેદાન પર પડેલા વરસાદે જ્યાં ઝિમ્બાબ્વેને જશ્નની તક આપી, તો બીજી તરફ 2021 વર્લ્ડ કપ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની આશાઓ પર પાણી ફેરવી દીધું હતું. આ સાથે, ટીમ ઈન્ડિયાની રાહ હવે સ્પષ્ટ દેખાઇ રહી છે.
વરસાદના કારણે ઝિમ્બાબ્વે અને આયર્લેન્ડ વચ્ચેની મેચ રદ
આયર્લેન્ડ અને ઝિમ્બાબ્વે વચ્ચેની મેચને નોકઆઉટ મેચની જેમ જોવામાં આવી રહી હતી. વરસાદને કારણે મેચ રદ થયા બાદ બંને ટીમોને 1-1 પોઈન્ટ મળ્યો. આ એક પોઈન્ટથી ઝિમ્બાબ્વેના કુલ 5 પોઈન્ટ થઈ ગયા, જે ઓસ્ટ્રેલિયાની પહોંચની બહાર છે. આ ટુર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયાએ પોતાના ઘાતક અંદાજની વિપરીત પ્રદર્શન કર્યું, હવે તે સત્તાવાર રીતે સેમિફાઈનલની રેસમાંથી બહાર થઈ ગયું છે. ક્રિકેટ નિષ્ણાતો માટે આ એક મોટો ઝટકો છે કે કાંગારુની ટીમ અંતિમ ચારમાં પણ સ્થાન મેળવી ન શકી.