Loading...

બોર્ડની પરીક્ષા વચ્ચે સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવવાનો મેલ:સુરત, ભાવનગર, અમરેલી સહિતના શહેરોમાં પાસપોર્ટ-પોસ્ટ ઓફિસોને ધમકી; પોલીસ-ડોગ સ્ક્વોડની ટીમો ઘટનાસ્થળે

સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ ધમકી સત્તાવાર ઈમેલ દ્વારા આપવામાં આવી હતી, જેને પગલે સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ઉમરા પોલીસ અને ડોગ સ્ક્વોડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી છે અને ઓફિસ પરિસરમાં સઘન તપાસ હાથ ધરી હતી. હાલમાં પોલીસ દ્વારા આ ઈમેલના સ્ત્રોત અને તેની પાછળના ઈરાદા અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે, જેથી અફવા કે કોઈ અઘટિત ઘટનાને રોકી શકાય.

તો બીજી તરફ ભાવનાગર હેડ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ડિવિઝનલ વડાને મેઈલ દ્વારા ધમકી મળતા પોલીસ સહિતના તંત્રએ તપાસ શરૂ કરી છે. અમરેલી પોસ્ટ ઓફિસને પણ બોબ્મથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આમાં પણ મેઈલ મારફતે પોસ્ટ ઓફિસમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા દોડધામ મચી છે. અમરેલી ફાયર ટીમ બોમ્બ સ્ક્વોડ, સ્થાનિક પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી છે. પોસ્ટ ઓફિસ ખાલી કરાવી શોધખોળ હાથ ધરી છે.

સુરત પાસપોર્ટ ઓફિસને સવારે 5 વાગ્યે મેલ મળ્યો મળતી માહિતી મુજબ, સુરત પાસપોર્ટ ઓફિસના સત્તાવાર ઈ-મેઈલ આઈડી પર આજે (27 ફેબ્રુઆરી) વહેલી સવારે અંદાજે 5 વાગ્યે એક ઈમેઈલ પ્રાપ્ત થયો હતો. આ મેઈલ સંપૂર્ણપણે અંગ્રેજી ભાષામાં લખાયેલો હતો અને તેમાં પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ગંભીર ધમકી આપવામાં આવી હતી. ઓફિસ ખુલતાની સાથે જ જ્યારે આ મેઈલ ધ્યાને આવ્યો ત્યારે તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી.

પોલીસ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા સર્ચ ઓપરેશન ઘટનાની ગંભીરતાને જોતા સુરત પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમ તાત્કાલિક પીપલોદ સ્થિત પાસપોર્ટ ઓફિસ ખાતે પહોંચી ગઈ હતી. સુરક્ષાના ભાગરૂપે સમગ્ર બિલ્ડિંગને ખાલી કરાવી દેવામાં આવી છે અને આસપાસના વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. બોમ્બ સ્ક્વોડ દ્વારા આધુનિક સાધનો અને ડોગ્સની મદદથી ઓફિસના ખૂણેખૂણાની તપાસ કરવામાં આવી રહી છે.

નવસારી-વલસાડમાં પણ બોમ્બની ધમકી વલસાડ હેડ પોસ્ટ ઓફિસ અને નવસારી શહેરના નાગ તલાવડી વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસને પણ ધમકી મળી છે. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો ઘટનાસ્થળે પહોંચી છે. બોમ્બની ધમકીના પગલે પોસ્ટ ઓફિસને ખાલી કરવામાં આવી છે. ધમકીનો કોલ મળતા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પોસ્ટ ઓફિસ પર પહોંચ્યા છે. ધમકીના પગલે ફાયર વિભાગને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું છે.

Image Gallery