અમેરિકા-ઈરાન યુદ્ધથી ક્રૂડ ઓઇલ 10% મોંઘુ થયું:સેન્સેક્સ 1500 પોઇન્ટ તૂટીને 80 હજારની નીચે આવ્યો; સોનું ₹7 હજાર મોંઘુ થયું
અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધના કારણે શેરબજારમાં આજે એટલે કે 2 માર્ચના રોજ ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 1500 પોઇન્ટ (1.80%) થી વધુના ઘટાડા સાથે 79,800ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ અંદાજે 450 પોઇન્ટ (1.80%)નો ઘટાડો છે, તે 24,700ના સ્તર પર છે.
ભૌગોલિક રાજકીય તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિમાં મોંઘવારી વધવાનો ખતરો રહે છે. આનાથી કંપનીઓનો નફો ઓછો થઈ શકે છે. આવી સ્થિતિમાં રોકાણકારો તેમના શેર વેચવાનું શરૂ કરી દે છે અને તેને સોના-ચાંદી જેવી સુરક્ષિત જગ્યાએ રોકાણ કરે છે. આનાથી બજારમાં ઘટાડો આવે છે.
ક્રૂડ ઓઇલ 10% વધીને 79 ડોલર પર પહોંચ્યું
ક્રૂડ ઓઇલની કિંમતોમાં તેજીના કારણે આજે એનર્જી અને ઓટો શેરોમાં વધુ ઘટાડો જોવા મળ્યો છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત 10% વધીને 79 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે. નિષ્ણાતોનું માનવું છે કે જો આ તણાવ વધુ વધશે, તો તેલની કિંમતો 120 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે.
સોનું 7 હજાર રૂપિયા વધ્યું, 1.66 લાખ પર પહોંચ્યું
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA) અનુસાર, 10 ગ્રામ 24 કેરેટ સોનું 7 હજાર રૂપિયા વધીને 1.66 લાખે પહોંચી ગયું છે. આ અગાઉ તેની કિંમત 1.59 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. જ્યારે, એક કિલો ચાંદી 20 હજાર રૂપિયા વધીને 2.87 લાખ રૂપિયા પર પહોંચી ગઈ છે.
કોમોડિટી એક્સપર્ટ અજય કેડિયાના જણાવ્યા અનુસાર સોનું 1.90 લાખ રૂપિયા સુધી જઈ શકે છે. ચાંદી 3.50 લાખ સુધી પહોંચી શકે છે. યુદ્ધ જેવા અનિશ્ચિત વાતાવરણમાં રોકાણકારો સોનાને સુરક્ષિત માને છે અને તેમાં પૈસા રોકવા લાગે છે. આનાથી તેની માગ વધે છે અને તે મોંઘું થવા લાગે છે.
એશિયન બજારોમાં પણ ઘટાડો
- જાપાનનો નિક્કેઈ ઇન્ડેક્સ 1.53% ઘટીને 57,950 પર કારોબાર કરી રહ્યો છે.
- હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ 2.24% વધીને 26,035 પર કારોબાર કરી રહ્યો છે.
- ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સ 0.07% વધીને 4,160 પર કારોબાર કરી રહ્યો છે.
અમેરિકી બજાર 27 ફેબ્રુઆરીએ મિશ્ર રહ્યો
- ડાઉ જોન્સ 17 પોઈન્ટ (1.05%) ઘટીને 48,977 પર બંધ થયો.
- ટેક આધારિત ઇન્ડેક્સ નાસ્ડેક કમ્પોઝિટ 0.92% ઘટીને 22,668 પર બંધ થયો.
- S&P 500 ઇન્ડેક્સ 30 પોઈન્ટ (0.43%) ઘટીને 6,878 પર બંધ થયો.