Loading...

સુરતમાં હાઈપ્રોફાઈલ દુષ્કર્મ: ઉદ્યોગપતિ સામે મિત્રની જ પત્ની પર રેપની ફરિયાદ

Surat Crime: સુરતના કાપોદ્રા વિસ્તારમાં ઉદ્યોગપતિ અલ્પેશ રૂડાણી વિરૂદ્ધ દુષ્કર્મની ગંભીર ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે. ઉદ્યોગપતિ પર પોતાના જ મિત્રની પત્ની પર બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યાનો આરોપ લાગ્યો છે. આ ઘટના ત્યારે બની હતી જ્યારે પીડિત મહિલા અને તેના પતિ આરોપી અલ્પેશ રૂડાણી સાથે સેવણી ફાર્મ હાઉસ પર ગયા હતા.

આરોપ મુજબ, ફાર્મ હાઉસમાં અલ્પેશ રૂડાણીએ મિત્રની પત્ની પર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું અને મહિલાના અશ્લિલ ફોટા પણ પાડી લીધા હતા. આ ઉપરાંત, આરોપીએ પતિ-પત્નીને બદનામ કરવાની તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. હાલમાં, પીડિત મહિલાની ફરિયાદના આધારે કાપોદ્રા પોલીસે ગુનો નોંધીને કાયદેસરની તપાસ શરૂ કરી છે.

ઉમરપાડામાં લગ્ન પ્રસંગથી પરત ફરતી 14 વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મ

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના એક ગામમાં લગ્ન પ્રસંગમાંથી ઘરે પરત ફરી રહેલી ૧૪ વર્ષની સગીરા પર ચાર શખ્સો દ્વારા સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. આ શરમજનક ઘટનાની ફરિયાદ નોંધાતા જ ઉમરપાડા પોલીસ એક્શન મોડમાં આવી હતી અને ગણતરીના કલાકોમાં જ એક સગીર સહિત ચારેય નરાધમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઘટનાની વિગત મુજબ, સગીરા નજીકના સંબંધીના લગ્ન પ્રસંગમાં પરિવાર સાથે ગઈ હતી. રાત્રિના સમયે ડીજેનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સગીરા એકલી ચાલતી ઘરે જઈ રહી હતી, ત્યારે ત્યાં જ હાજર ચાર ઓળખીતા શખ્સોએ તેનો પીછો કર્યો હતો. આ નરાધમોએ સગીરાને બળજબરીપૂર્વક ગાડી પર બેસાડી જંગલ વિસ્તારની એક અવાવરું જગ્યાએ લઈ જઈ વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું. સગીરાએ ઘરે પહોંચી પરિવારને જાણ કરતા પરિવારે તુરંત પોલીસ મથકે પહોંચી સમગ્ર મામલે જાણ કરી હતી.

પોલીસને જાણ થતા જ જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી રાહુલ વસાવા, મિતેશ વસાવા, આકાશ ચૌધરી અને એક સગીર વયના આરોપીને રાઉન્ડઅપ કરી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓ પૈકી મિતેશ વસાવા અને આકાશ ચૌધરી પરિણીત હોવાનું બહાર આવ્યું છે. હાલ પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો એક્ટ (POCSO) હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Image Gallery