Loading...

India vs Pakistan: ભારત અને પાકિસ્તાન ફરી એકવાર આમને-સામને, કટ્ટર હરીફો વચ્ચે આ દેશમાં થશે ટક્કર

તાજેતરમાં જ T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં પાકિસ્તાનને ધૂળ ચટાડ્યા બાદ, હવે ભારતીય ટીમ હોકીના મેદાનમાં પણ પાકિસ્તાન સામે બાથ ભીડવા માટે તૈયાર છે. આગામી 2026 હોકી વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન ફરી એકવાર એકબીજા સામે ટકરાશે. આ હાઈ-વોલ્ટેજ મેચ નેધરલેન્ડ્સમાં રમાશે, જ્યાં બંને ટીમો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. બંને ટીમોને એક જ પૂલમાં રાખવામાં આવી હોવાથી ક્રિકેટ પ્રેમીઓની સાથે સાથે હોકીના ચાહકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચાલો જાણીએ આ મેચની તમામ વિગતો અને બંને ટીમોના અત્યાર સુધીના રેકોર્ડ્સ વિશે.

ક્યારે અને ક્યાં રમાશે વર્લ્ડ કપ?

તમને જણાવી દઈએ કે, 2026 નો હોકી વર્લ્ડ કપ 15 થી 30 ઓગસ્ટ દરમિયાન બેલ્જિયમ અને નેધરલેન્ડ્સમાં સંયુક્ત રીતે યોજાવા જઈ રહ્યો છે. જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની રોમાંચક મેચ નેધરલેન્ડ્સની ધરતી પર રમાશે. મેન્સ કેટેગરીમાં આ બંને કટ્ટર હરીફ ટીમોને 'પૂલ D' માં રાખવામાં આવી છે. આ પૂલમાં ભારત અને પાકિસ્તાન ઉપરાંત ઈંગ્લેન્ડ અને વેલ્સની ટીમોનો પણ સમાવેશ થાય છે.

છેલ્લા મુકાબલાઓમાં ભારતે વગાડ્યો છે ડંકો

આ બંને ટીમો છેલ્લે 2024 ની એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં સામસામે આવી હતી, જ્યાં ભારતે શાનદાર પ્રદર્શન કરતા પાકિસ્તાનને 2-1 થી હરાવ્યું હતું. એ પહેલાં 2023 ની એશિયન ગેમ્સમાં પણ ભારતે 10-2 ના ખૂબ જ મોટા અંતરથી પાકિસ્તાનને કચડી નાખ્યું હતું. નોંધનીય છે કે, 2025 ના હોકી એશિયા કપનું આયોજન ભારતમાં કરવામાં આવ્યું હતું, પરંતુ પાકિસ્તાને સુરક્ષાના કારણો આગળ ધરીને તેમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. આ જ કારણસર ગયા વર્ષે આ બંને દેશો વચ્ચે કોઈ મેચ રમાઈ શકી ન હતી.

હેડ-ટુ-હેડ આંકડા: ઈતિહાસમાં પાકિસ્તાન આગળ

જો આપણે અત્યાર સુધીના આંકડાઓ એટલે કે હેડ-ટુ-હેડ રેકોર્ડ પર નજર કરીએ, તો તેમાં પાકિસ્તાનનો હાથ થોડો ઉપર જોવા મળે છે. બંને દેશો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 181 હોકી મેચ રમાઈ છે. જેમાંથી પાકિસ્તાને 82 મેચ જીતી છે, જ્યારે ભારતે 67 મેચમાં બાજી મારી છે અને 32 મેચ ડ્રો રહી છે. વર્લ્ડ કપના ઈતિહાસની વાત કરીએ તો તેમાં પણ પાકિસ્તાન આગળ છે. પાકિસ્તાને અત્યાર સુધીમાં 5 વખત વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે, જ્યારે ભારત માત્ર 1 જ વખત ચેમ્પિયન બની શક્યું છે.

2016 થી હોકીમાં ભારતનું સંપૂર્ણ વર્ચસ્વ

ભૂતકાળના આંકડાઓમાં ભલે પાકિસ્તાન આગળ દેખાતું હોય, પરંતુ 2016 થી ચિત્ર સાવ બદલાઈ ગયું છે. છેલ્લા 10 વર્ષથી હોકીના મેદાન પર ભારતનું જ સંપૂર્ણ વર્ચસ્વ જોવા મળી રહ્યું છે. ભારતીય ટીમ છેલ્લા એક દાયકાથી પાકિસ્તાન સામે સતત શાનદાર પ્રદર્શન કરીને જીત મેળવી રહી છે, અને આગામી વર્લ્ડ કપમાં પણ ભારત આ જ લય જાળવી રાખશે તેવી પૂરી આશા છે.

Image Gallery