આ રાજ્યમાં મોંઘવારીનો ડામ: પેટ્રોલ-ડીઝલ પર 'અનાથ અને વિધવા સેસ' લાગુ, ભાવમાં 5 રૂપિયા સુધીનો થશે વધારો!
હિમાચલ પ્રદેશની સામાન્ય જનતાને ટૂંક સમયમાં જ મોંઘવારીનો વધુ એક મોટો ફટકો પડવા જઈ રહ્યો છે. રાજ્યમાં આર્થિક સંકટનો સામનો કરી રહેલી કોંગ્રેસ સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 5 રૂપિયા સુધીનો તોતિંગ વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ વધારો એક નવા ટેક્સના રૂપમાં આવશે, જેને સરકારે 'અનાથ અને વિધવા સેસ' (Orphan and Widow Cess) નામ આપ્યું છે. સરકારનો તર્ક છે કે આ સેસમાંથી થતી આવક અનાથ બાળકો અને વિધવા મહિલાઓના કલ્યાણ માટે વાપરવામાં આવશે. જોકે, 23 માર્ચના રોજ વિધાનસભામાં આ અંગેનું બિલ રજૂ કરવામાં આવ્યું ત્યારે વિપક્ષે તેનો ભારે વિરોધ કર્યો હતો, છતાં બહુમતીના જોરે આ બિલ પાસ થઈ ગયું છે.
વિરોધ વચ્ચે બિલ પાસ, હવે કેટલો થશે ભાવ?
મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ સોમવારે વિધાનસભામાં 'હિમાચલ પ્રદેશ મૂલ્યવર્ધિત કર (સુધારા) બિલ, 2026' રજૂ કર્યું હતું. વિપક્ષના જોરદાર હોબાળા વચ્ચે પણ આ બિલ પસાર થઈ ગયું.
વિપક્ષનું કહેવું છે કે આ 5 રૂપિયાના વધારાથી રાજ્યમાં ડીઝલનો ભાવ 90 રૂપિયાની પાર અને પેટ્રોલનો ભાવ 100 રૂપિયા સુધી પહોંચી જશે. હિમાચલમાં પહેલેથી જ પેટ્રોલ પર 17% અને ડીઝલ પર 13.9% ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે. વિપક્ષે યાદ અપાવ્યું કે હાલની વૈશ્વિક પરિસ્થિતિ (યુદ્ધ વગેરે) જોતા ભવિષ્યમાં ક્રૂડ ઓઈલના ભાવ આપોઆપ વધવાની શક્યતા છે, એવામાં સરકારે આ નવો 5 રૂપિયાનો સેસ લાદવો જરાય વ્યાજબી નથી. અગાઉ પણ સરકારે પેટ્રોલ-ડીઝલમાં 7 રૂપિયાનો વધારો ઝીંકી દીધો હતો. વિપક્ષે આ સેસને 'અનાથ' અને 'વિધવા' નામ આપવા સામે પણ સખત વાંધો ઉઠાવ્યો છે.
મોંઘવારી વધશે: ટ્રાન્સપોર્ટથી લઈને સફરજન સુધી બધું જ મોંઘુ થશે!
વિપક્ષે ચિંતા વ્યક્ત કરી છે કે આ ભાવવધારાનો માર માત્ર સામાન્ય માણસ જ નહીં, પરંતુ ખેડૂતો અને દર વર્ષે હિમાચલમાં આવતા 3 કરોડથી વધુ પ્રવાસીઓને પણ પડશે. ડીઝલ મોંઘુ થવાથી ટ્રાન્સપોર્ટેશન (પરિવહન) ખર્ચ વધશે, જેને કારણે બસના ભાડા વધશે અને રોજબરોજની ચીજવસ્તુઓ પણ મોંઘી થશે.
ખાસ કરીને પહાડી વિસ્તારોમાં મકાન બનાવવા માટે જોઈતી બાંધકામ સામગ્રી મોંઘી થશે. આ ઉપરાંત ખેડૂતોનો પાક અને હિમાચલના પ્રખ્યાત સફરજનને અન્ય રાજ્યોમાં પહોંચાડવાનો ખર્ચ પણ વધી જશે. વિપક્ષે એવો પણ દાવો કર્યો કે ભાવ વધવાથી પાડોશી રાજ્યોના લોકો હિમાચલમાંથી ઈંધણ ભરાવવાનું બંધ કરી દેશે, જેનાથી સરવાળે રાજ્યને જ નુકસાન જશે.
મુખ્યમંત્રી સુખુનો વળતો પ્રહાર: "ભાજપ ગરીબોની વિરુદ્ધમાં છે"
વિપક્ષના વિરોધનો જવાબ આપતા મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ કહ્યું કે, "અમારી સરકારનો મુખ્ય હેતુ સમાજના નબળા વર્ગને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે. અમે અનાથ બાળકો અને વિધવા બહેનો માટે કંઈક સારું કરવા જઈ રહ્યા છીએ, ત્યારે ભાજપ તેનો વિરોધ કરી રહી છે."
તેમણે આગળ કહ્યું કે, "કેન્દ્ર સરકાર પોતે પેટ્રોલ-ડીઝલ પર 27 રૂપિયાનો તોતિંગ સેસ વસૂલે છે. અમારા પાડોશી રાજ્યો પંજાબ અને હરિયાણામાં પેટ્રોલ અને ડીઝલ હજુ પણ 2 રૂપિયા જેટલા મોંઘા છે. આ 5 રૂપિયાનો વધારો કર્યા પછી પણ હિમાચલમાં ઈંધણ આ રાજ્યો કરતા સસ્તું જ રહેશે." મુખ્યમંત્રીએ વિપક્ષને સલાહ આપી કે તેઓ આ બાબતે હોબાળો કરવાને બદલે કેન્દ્ર સરકાર પાસે જાય અને તેમને સેસ ઘટાડવા તથા રાજ્યની ગ્રાન્ટ (RDG) ફરી શરૂ કરવા રજૂઆત કરે.
આગળ શું થશે?
સરકારે ખાતરી આપી છે કે આ નવા સેસમાંથી મળતો એક-એક રૂપિયો 'અનાથ અને વિધવા કલ્યાણ ભંડોળ' માં જ જમા થશે અને તેનો સીધો ઉપયોગ જરૂરિયાતમંદોને મદદ કરવા માટે જ કરાશે.
વિધાનસભામાં બિલ પાસ થયા બાદ વિપક્ષે ગૃહમાંથી વોકઆઉટ (સભાત્યાગ) કર્યો હતો. હવે આ બિલ રાજ્યપાલ પાસે મંજૂરી માટે મોકલવામાં આવશે. રાજ્યપાલની સહી થતાં જ આ બિલ કાયદો બની જશે અને ત્યારબાદ હિમાચલ પ્રદેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 5 રૂપિયા સુધીનો વધારો લાગુ થઈ જશે.
Live