સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મોટા સમાચાર, જાણો ક્યારે જાહેર થઈ શકે છે ચૂંટણી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાતને લઈ મોટા સમાચાર આવ્યા છે. આજે અથવા મોડામાં મોડી આવતી કાલ સુધીમાં ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ જશે. 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની ચૂંટણીની આવતીકાલ સુધીમાં જાહેરાત થઈ જશે. તો આ તરફ આજે ફાઈનલ મતદાર યાદી પણ જાહેર થશે. 400થી વધુ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી જાહેર થશે. તો આ તરફ ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારીની ચૂંટણી અંગેની તાલીમ ચાર એપ્રિલ સુધી પૂર્ણ કરવા તમામ કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશ્નરને આદેશ આપ્યા છે.
ભાજપ ઉમેદવારોની સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરશે.
ચૂંટણીની જાહેરાતના કાઉન્ટડાઉન વચ્ચે આજથી ભાજપ ઉમેદવારોની સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરશે. ચારેક દિવસ સુધી ભાજપના નિરીક્ષકો જે-તે જિલ્લા અને મહાનગરોમાં જઈ ઉમેદવારોની સેન્સ લેશે. નિરીક્ષતોને જે-તે વિસ્તારમાં સેન્સ લેવા પહોંચી જવાની સૂચના પણ મળી ચૂકી છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં વોર્ડ કક્ષાની બેઠકો સુધી ઉમેદવારો પસંદ કરવાના હોવાથી સમગ્ર સેન્સ પ્રક્રિયા અત્યંત જટીલ બની રહેશે. 3 એપ્રિલ સુધીમાં રાજ્યભરમાં સેન્સ પ્રક્રિયા પૂરી થયા બાદ નિરીક્ષકો 3 ઉમેદવારોના નામની પેનલ તૈયાર કરી છે. પ્રદેશ પાર્લામેંટ્રી બોર્ડમાં મોકલશે. ત્યાર બાદ પ્રદેશ સમિતિ ઉમેદવારની પસંદગીને આખરી ઓપ આપશે. 11 કે 12 એપ્રિલ સુધી ભાજપ તમામ ઉમેદવારો જાહેર કરે તેવી પૂરી શક્યતા છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપે આજથી સેન્સ પ્રક્રિયા શરૂ કરી હતી. રાજકોટ અને વડોદરામાં ભાજપે સેન્સ પ્રક્રિયા શરૂ કરી હતી. રાજકોટ અને વડોદરામાં ભાજપના નિરીક્ષકો સેન્સ પ્રક્રિયા માટે પહોંચ્યા હતા. રાજકોટ ભાજપ કમલમમાં 2 દિવસ સુધી સેન્સ પ્રક્રિયા ચાલશે. રાજકોટમાં આજે 12 વોર્ડ માટે સેન્સ પ્રક્રિયા કરાશે. આવતીકાલે બાકીના છ વોર્ડની સેન્સ પ્રક્રિયા થશે. રાજકોટના વોર્ડ નં.4, 5, 6, 15, 1, 2, 3, 8, 7, 13, 14 અને 17 માટેની સેન્સ પ્રક્રિયા શરૂ કરશે. વડોદરામાં ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ કરી હતી. દાવેદારોની સેન્સ લેવા માટે ચાર સ્થળો નક્કી કરાયા છે. ચૂંટણી લડવા માંગતા ઉમેદવારો દાવેદારી માટે પહોંચ્યા હતા.
Live