Loading...

વાહનમાં વ્હાઇટ LED લગાવી તો 5000 સુધી દંડ ને જેલ:લાઈટની તીવ્રતા માપવામાં જ RTOના અંધારામાં ફાંફા

ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનો પર કંપની ફીટીંગ સિવાયની વધુ વોટની વ્હાઈટ LED લાઈટ લગાવાતી હોવાના કારણે અકસ્માતની ઘટનાઓ બની રહી છે. વ્હાઈટ LED લાઈટને લઈ ફરિયાદો વધતા ગાંધીનગરથી કાર્યવાહીના આદેશ છૂટ્યા છે.

વાહન વ્યવહાર કમિશનર દ્વારા વાહનોમાં ફીટ કરાતી ગેરકાયદે વ્હાઈટ LED સામે કાર્યવાહી માટે પરિપત્ર કરતા RTOએ કાર્યવાહી શરૂ કરી દીધી છે. પરંતુ, હાસ્યાસ્પદ બાબત એ છે કે, વાહનમાં LED લાઈટની હાઈ ઇન્ટેન્સિટી (તીવ્રતા) માપવા માટે જે લક્સ મીટર જરુરી છે તે જ હજી RTO ઓફિસને નથી અપાયા. એટલે હાલ તો, ગાંધીનગરના આદેશનું પાલન કરવા RTOના સ્ટાફે અંદાજ લગાવીને વાહનચાલકોને દંડવાની શરૂઆત કરી દીધી છે.

નવા વાહનોમાં LED હોવા છતા વધુ વોટની લાઈટ લગાવવાનો ક્રેઝ

છેલ્લા ઘણા સમયથી વાહનોમાં અલગ જ પ્રકારની લાઇટો લગાવવાનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. યુવાનો વટ પાડવા માટે ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર તેમાં નિયમ વિરુદ્ધની લાઈટો લગાવી ગાડીઓ ચલાવતા હોય છે. નિયમ વિરુદ્ધ લગાવવામાં આવતી વ્હાઇટ લાઈટના કારણે લોકોની આંખોને ઘણું નુકશાન પહોંચતું હોય છે. વ્હાઈટ બલ્બ લગાવવામાં આવેલા વાહનોમાંથી તીવ્ર પ્રકાશવાળી લાઈટના કારણે સામેથી અન્ય વાહન ચાલકોની આંખો અંજાઈ જતી હોય છે. જેના કારણે અકસ્માતની પણ ઘટના બનતી હોય છે.

જેને ધ્યાનમાં રાખીને રાજ્ય વાહન વ્યવહાર કમિશનરે વાહનોની ચકાસણી કરી કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપી છે.જેના કારણે અમદાવાદ, રાજકોટ સહિતના શહેરોમાં RTO દ્વારા વ્હાઈટ LED લાઈટ મામલે કાર્યવાહી શરૂ કરી દીધી છે. નવા વાહનોનું વેચાણ કરતા સમયે CMVR( સેન્ટ્રલ મોટર વ્હિલક્લ રૂલ્સ) અંતર્ગત જ લાઇટ લગાવવા માટે RTO અમદાવાદ દ્વારા તમામ ડીલરોને સૂચના આપવામાં આવી છે. જો ડીલરો CMVRનું પાલન નહીં કરે અને નિયમ વિરુદ્ધ વ્હાઇટ લાઇટ લગાવશે તો તેમના સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ ડીલરો નિયમ વિરુદ્ધ વ્હાઇટ લાઇટ લગાવતા પકડાશે તો ડીલરશીપ બંધ કરવાની અને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી અમદાવાદ RTO કરશે.

નિયમ વિરુદ્ધ LED લાઈટ લાગેલી હશે તો રૂ. 1,000નો દંડ વસૂલાશે

જૂના વાહનોમાં વ્હાઈટ બલ્બ લગાડેલા છે તેવા વાહન ચાલકો પર તવાઈ બોલાવવામાં માટે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. દરરોજ રાત્રે RTO અધિકારીઓ સ્પેશિયલ ડ્રાઈવ ચલાવી આંખો આંજાતી તીવ્ર પ્રકાશવાળી લાઇટ લગાવેલી હશે તો તેને અટકાવી સ્થળ પર જ એક હજારનો દંડ વસૂલવાની શરૂઆત કરવામાં આવી છે. નિયમ પ્રમાણે વ્હાઈટ LED લગાવી શકાય છે પરંતુ કેટલાક વાહન ચાલકો તીવ્ર પ્રકાશવાળા વ્હાઈટ બલ્બ લગાવતા હોય છે. જે નિયમ વિરુદ્ધ છે અને તેવા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.

વર્ષ 2025માં અમદાવાદ RTOએ ગેરકાયદે LED મામલે 11 લાખના દંડની વસૂલાત કરી

વર્ષ 2025માં જ અમદાવાદ RTO દ્વારા 1090 વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. નિયમ વિરુદ્ધ તીવ્ર પ્રકાશવાળી વ્હાઈટ બલ્બ લગાવેલા હોવાથી 10.90 લાખનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે. જો કે લાખો રૂપિયાનો દંડ વસૂલવામાં આવતું હોવા છતાં નિયમનું પાલન એટલે માટે થતું નથી કારણ કે માત્ર દંડ જ ફટકારવામાં આવે છે. અત્યાર સુધી એકપણ તીવ્ર પ્રકાશવાળી વ્હાઈટ બલ્બ લગાવેલા તેવી એકપણ ગાડી નથી કે જેનું રજીસ્ટ્રેશન કેન્સલ કરવામાં આવ્યું હોય. માત્ર દંડ લઈને છોડી દેવામાં આવતા અમદાવાદીઓ નિયમનું પાલન કરવામાં ઉદાસીનતા રાખી રહ્યા છે.