અમદાવાદીઓને હાશકારો.. 6 મહત્વના બ્રિજના રિપેરિંગને મળી લીલી ઝંડી, 68 કરોડના ખર્ચે 12 મહિનામાં થશે મરામત, જાણો નામ
અમદાવાદના 6 મહત્વના બ્રિજનું ₹68 કરોડના ખર્ચે રિપેરિંગ ટૂંક સમયમાં શરૂ થશે. 12 મહિનામાં 152 સ્પાન લિફ્ટિંગ અને 1,746 બેરિંગ બદલાશે.
અમદાવાદ શહેરમાં આવેલા કુલ 6 મહત્વના બ્રિજનું રિપેરિંગ કામ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. આ નિર્ણય બ્રિજોના ઈન્સ્પેક્શન બાદ લેવામાં આવ્યો છે, જેમાં બેરિંગ ખામીયુક્ત હોવાનું સામે આવ્યું હતું. ઈન્સ્પેક્શન રિપોર્ટના આધારે તાત્કાલિક રિપેરિંગ કરવાની ભલામણ કરવામાં આવી છે.
આ રિપેરિંગ પ્રોજેક્ટ માટે અંદાજે 68 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે. આગામી 12 મહિનાની અંદર આ તમામ 6 બ્રિજમાં જરૂરી મરામત કામગીરી પૂર્ણ કરવામાં આવશે. આ દરમિયાન કુલ 152 સ્પાન લિફ્ટિંગ કરવામાં આવશે તેમજ 1,746 બેરિંગનું રિપ્લેસમેન્ટ કરવામાં આવશે.
રિપેરિંગ દરમિયાન સામાન્ય વાહન વ્યવહાર ચાલુ રાખવામાં આવશે, પરંતુ સલામતીના કારણોસર હેવી વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવશે. બ્રિજ બંધ કર્યા વિના કામગીરી કરવામાં આવશે જેથી શહેરના ટ્રાફિક પર ઓછો પ્રભાવ પડે.
આ રિપેરિંગ કાર્યમાં ગિરધરનગર બ્રિજ, ચામુંડા બ્રિજ, કેડિલા રેલવે બ્રિજ અને નાથાલાલ ઝગડા બ્રિજનો સમાવેશ થાય છે. ઉપરાંત, ચાંદલોડિયા રેલવે ઓવરબ્રિજ અને ચીમભાઈ રેલવે ઓવરબ્રિજનું પણ રિપેરિંગ કરવામાં આવશે.