પંજાબમાં લો કૉલેજમાં વિદ્યાર્થીનીનું મર્ડર: ક્લાસરુમમાં યુવતીને મારી ગોળી, બાદમાં યુવકનો પણ આપઘાત
પંજાબના તરનતારનમાં એક ભયાનક ઘટના સામે આવી છે. અહીં સોમવારે તરનતારન લો કોલેજના ક્લાસરૂમમાં એક યુવકે વિદ્યાર્થીનીને ગોળી મારીને હત્યા કરી નાખી હતી.
પંજાબના તરનતારનમાં એક ભયાનક ઘટના સામે આવી છે. અહીં સોમવારે તરનતારન લો કોલેજના ક્લાસરૂમમાં એક યુવકે વિદ્યાર્થીનીને ગોળી મારીને હત્યા કરી નાખી હતી. બાદમાં આ યુવકે એ બંદૂકથી પોતાને પણ ગોળી મારી આપઘાત કરી લીધો હતો. આ ઘટનામાં બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે.
મૃતકની ઓળખ સંદીપ કૌર (20) તરીકે થઈ છે, જ્યારે આરોપી યુવક નૌશેરા પનુઆનો રહેવાસી પ્રિન્સ રાજ સિંહ હતો. આ ઘટનાથી ઘટનાસ્થળે હોબાળો મચી ગયો હતો. ક્લાસરૂમમાં રહેલા વિદ્યાર્થીઓ રૂમમાંથી બહાર દોડી ગયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે આરોપી પ્રિન્સ પણ કોલેજનો વિદ્યાર્થી હતો. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આખી કોલેજને સીલ કરી દીધી હતી. બંને મૃતદેહોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. ઘટનાની માહિતી મળતાં જ યુવતીના પરિવારના સભ્યો પણ કોલેજ પહોંચ્યા હતા.
યુવક પિસ્તોલ લઈને કોલેજ પહોંચ્યો હતો
લો કોલેજમાં આ ગંભીર ઘટના અંગે ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. યુવક પિસ્તોલ લઈને કોલેજમાં કેવી રીતે પહોંચી ગયો. શું કોલેજમાં કોઈ સુરક્ષા કર્મચારી નહોતા? આરોપી યુવક પિસ્તોલ લઈને ક્લાસરૂમમાં કેવી રીતે પહોંચ્યો. પહેલા તેણે છોકરીના માથામાં ગોળી મારી. પછી, તેણે પિસ્તોલ ફરીથી લોડ કરી અને પોતાના કાનની ઉપર રાખીને ગોળીબાર કર્યો.
સંદીપ કૌરના માથામાં પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારી
ઘટનાના સીસીટીવી ફૂટેજ મુજબ, પ્રિન્સ રાજ વર્ગખંડમાં પ્રવેશ કરે છે અને ત્યાં બેઠેલી સંદીપ કૌરના માથામાં પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારે છે. તરત જ, તે પિસ્તોલ ફરીથી લોડ કરે છે અને પોતાના માથામાં ગોળી મારે છે અને પડી જાય છે. ગોળીબાર એટલો સચોટ હતો કે બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
ડીએસપી જગબીર સિંહે જણાવ્યું હતું કે આ ઘટના વર્ગ શરૂ થતાં જ બની હતી. પોલીસે મૃતદેહોનો કબજો લઈ લીધો છે અને તેમને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે અને તપાસ શરૂ કરી દીધી છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે: પિસ્તોલ લઈને એક વિદ્યાર્થી કોલેજમાં કેવી રીતે પ્રવેશ્યો? શું ગેટ પર કોઈ ચેકિંગ નહોતું ?