AI ની સાઈડ ઈફેક્ટ, દરરોજ 2300 કરોડ લીટર પાણીનો વેડફાટ, 6.80 લાખ કિલોવૉટ વીજળીનો ખર્ચ
Ai Side Effect : એઆઈની લોકપ્રિયતા વધી રહી છે. દુનિયાભરના ઈન્ટરનેટ યુઝર્સ એઆઈનો ઉપયોગ કરતા થયા છે. એઆઈ ટૂલ્સ રોજિંદા કામમાં પણ ઉપયોગી થઈ રહ્યાં છે, પરંતુ તેની સાઈડ ઈફેક્ટ વિશે આપણે ભાગ્યે જ જાણીએ છીએ. એઆઈ ટેકનોલોજી એમ ને એમ નથી ચાલતી. તેની પાછળ વીજળી અને પાણી ખર્ચાય છે. એઆઈના ડેટા સેન્ટર્સ ચલાવવા માટે વીજળીનો મોટો જથ્થો વપરાય છે. ડેટા સેન્ટર્સને કૂલ રાખવા માટે વિપુલ માત્રામાં પાણીની જરૂર પડે છે.
દુનિયામાં 600 કરોડ ઈન્ટરનેટ યુઝર્સ છે. એમાંથી 18 ટકા લોકો એઆઈનો ઉપયોગ કરે છે. એક અંદાજ પ્રમાણે અત્યારે દુનિયામાં 100 કરોડ લોકો એઆઈ ટૂલ્સનો ઉપયોગ કરવા લાગ્યા છે. આ યુઝર્સ દરરોજ જુદા જુદા એઆઈ ટૂલ્સને 250 કરોડ પ્રોમ્પ્ટ આપે છે. એઆઈને પ્રોમ્પ્ટ આપવા એટલે એઆઈ પાસેથી કંઈ કામ લેવું હોય તો તેના બદલામાં તેને આપવી પડતી માહિતી.