અમેરિકા-ઇઝરાયલનો ઇરાન પર હુમલો, ઘણાં શહેરોમાં બ્લાસ્ટ:સુપ્રીમ લીડર ખામેનીને સુરક્ષિત સ્થળે ખસેડાયા, ઇમર્જન્સી જાહેર; મોદીના ઇઝરાયલથી પરત ફરતાંના બીજા દિવસે હુમલો
ઇઝરાયલે ઇરાનની રાજધાની તેહરાન સહિતના અનેક શહેરો પર હુમલો કર્યો છે. એક અમેરિકી અધિકારીએ અલ જઝીરાને જણાવ્યું છે કે ઇરાન પર કરવામાં આવેલા હુમલા અમેરિકા અને ઇઝરાયલની સંયુક્ત સૈન્ય કાર્યવાહીનો ભાગ છે.
આ અંતર્ગત ઈરાની સુપ્રીમ લીડર ખામેનેઈની ઓફિસ પાસે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા બાદ ઈરાની સુપ્રીમ લીડર ખામેનેઈને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ભારતીય સમય મુજબ શનિવારે સવારે થયેલા આ હુમલા બાદ શહેરોમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે.
ઇઝરાયલ ડિફેન્સ ફોર્સે ઇરાન પર હુમલાની જાણકારી આપતા તેને 'પ્રિવેન્ટિવ એટેક' ગણાવ્યો છે. તેહરાન સહિતના અનેક શહેરોમાં ધડાકા સંભળાયા છે અને હવાઈ હુમલાના સાયરન વાગી રહ્યા છે.
હુમલા બાદ ઈરાને તમામ ફ્લાઈટ્સ રોકી દીધી છે અને એરસ્પેસ સંપૂર્ણપણે ખાલી કરાવી દેવાયું છે. અહીં ઈઝરાયલમાં પણ એર એટેક સાયરન સંભળાઈ રહ્યા છે. સંવેદનશીલ વિસ્તારોને ખાલી કરાવવામાં આવી રહ્યા છે. લોકોને ઘરોમાં રહેવાની અપીલ કરવામાં આવી છે.
અમેરિકાએ હુમલાની ધમકી આપી હતી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર હુમલાની ધમકી આપી હતી. અમેરિકી સેના પહેલાથી જ ઈરાનને ચારેય બાજુથી ઘેરી ચૂકી છે. આ પહેલા શુક્રવારે અમેરિકાએ પોતાના નાગરિકોને તાત્કાલિક ઈઝરાયેલ છોડવા માટે કહ્યું હતું.