પાકિસ્તાન-અફઘાનિસ્તાન સંઘર્ષમાં 300નાં મોત, 500 ઘાયલ:ટ્રમ્પે કહ્યું- પાકિસ્તાન સારું પ્રદર્શન કરી રહ્યું છે; PAKનો દાવો- ત્યાં થતા આતંકી હુમલાઓ પાછળ ભારતનો હાથ
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના સૈન્ય સંઘર્ષમાં બંને પક્ષના 300થી વધુ લોકો માર્યા ગયા છે, જ્યારે 500થી વધુ ઘાયલ થયા છે. બંને દેશો એકબીજાને આગળ પણ સૈન્ય કાર્યવાહી કરવાની ધમકી આપી રહ્યા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને જ્યારે પૂછવામાં આવ્યું કે શું અમેરિકા પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે દખલગીરી કરશે? ત્યારે તેમણે કહ્યું કે હું દખલગીરી કરી શકું છું, પરંતુ મારા પાકિસ્તાન સાથે ખૂબ સારા સંબંધો છે. પાકિસ્તાન આ સમયે ઘણું સારું કરી રહ્યું છે.
બીજી તરફ, પાકિસ્તાનના સૈન્ય પ્રવક્તાએ આરોપ લગાવ્યો કે દેશમાં થતા આતંકી હુમલાઓ પાછળ ભારતની ભૂમિકા છે. તેમનું કહેવું છે કે આ ગતિવિધિઓ માટે અફઘાન તાલિબાનના ક્ષેત્રનો ઉપયોગ કરવામાં આવે છે.
પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં સંઘર્ષની શરૂઆત ગુરુવારે મોડીરાત્રે થઈ, જ્યારે અફઘાનિસ્તાને 22 ફેબ્રુઆરીના રોજ થયેલા પાકિસ્તાની એરસ્ટ્રાઈકના જવાબમાં કાર્યવાહી કરી. ત્યાર બાદ પાકિસ્તાને ‘ઓપરેશન ગઝબ-લિલ-હક’ શરૂ કર્યું. પાકિસ્તાની વાયુસેનાએ કાબુલ, કંધાર, પક્તિયા, નંગરહાર અને અન્ય પ્રાંતોમાં એરસ્ટ્રાઈક કરી.
પાકિસ્તાનનો દાવો- 274 અફઘાન લડવૈયાઓ માર્યા ગયા
પાકિસ્તાની સેનાના પ્રવક્તા અહેમદ શરીફ ચૌધરીના જણાવ્યા અનુસાર, અત્યારસુધીમાં 274 તાલિબાન લડવૈયાઓ માર્યા ગયા છે અને 400થી વધુ ઘાયલ થયા છે.
તેમનું કહેવું છે કે 115 ટેન્ક અને બખ્તરબંધ વાહનો નષ્ટ કરવામાં આવ્યાં, 74 ચોકી તબાહ કરવામાં આવી અને 18 ચોકી પર પાકિસ્તાની સેનાએ નિયંત્રણ મેળવી લીધું છે. પાકિસ્તાને એ પણ સ્વીકાર્યું કે તેના 12 સૈનિકો માર્યા ગયા અને 27 ઘાયલ થયા છે.
જ્યારે તાલિબાનનું કહેવું છે કે તેના માત્ર 8થી 13 લડવૈયા માર્યા ગયા અને કેટલાક ઘાયલ થયા છે. તેણે દાવો કર્યો કે 55 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા અને બે સૈન્ય મુખ્યાલયો સહિત અનેક ચોકીઓ પર કબજો કરવામાં આવ્યો. તાલિબાને ચેતવણી આપી છે કે જો પાકિસ્તાને આગળ હુમલો કર્યો તો વધુ સખત જવાબ આપવામાં આવશે.
પાકિસ્તાનમાં ખાનગી ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ
અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો કે તેણે પાકિસ્તાનની અંદર ડ્રોનથી સૈન્ય ઠેકાણાંને નિશાન બનાવ્યા. જ્યારે પાકિસ્તાનના સૂચનામંત્રી અત્તાઉલ્લાહ તરારે કહ્યું હતું કે એબટાબાદ, સ્વાબી અને નૌશેરામાં નાના ડ્રોન પાડી દેવામાં આવ્યા અને કોઈ મોટું નુકસાન થયું નથી.
આ ઘટનાઓ પછી પાકિસ્તાનના ગૃહ મંત્રાલયે સમગ્ર દેશમાં ખાનગી ડ્રોન ઉડાડવા પર તાત્કાલિક પ્રતિબંધ લગાવી દીધો છે.
પૂર્વ પાકિસ્તાની સેના અધિકારી આદિલ રાજાએ દાવો કર્યો કે અફઘાનિસ્તાનથી ઉડાડવામાં આવેલા ડ્રોને ઇસ્લામાબાદ નજીક એક ન્યૂક્લિયર એનર્જી સેન્ટર સહિત અનેક મહત્ત્વપૂર્ણ સૈન્ય ઠેકાણાંને નિશાન બનાવ્યા, જોકે એની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
પાકિસ્તાનની સંસદમાં નિંદા પ્રસ્તાવ પસાર
પાકિસ્તાનની સેનેટે અફઘાનિસ્તાન વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ પસાર કર્યો. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે આગળ કોઈપણ ઉશ્કેરણી પર “માપેલો, પરંતુ કડક અને નિર્ણાયક” જવાબ આપવામાં આવશે.
વડાપ્રધાન શાહબાઝ શરીફે સેના મુખ્યાલયની મુલાકાત લીધી અને ઝીરો ટોલરન્સની નીતિનું પુનરાવર્તન કર્યું. પાકિસ્તાનના સૂચનામંત્રીએ અફઘાન તાલિબાન સરકારને ગેરકાયદે ગણાવતા આરોપ લગાવ્યો કે ત્યાં મહિલાઓ અને લઘુમતીઓના અધિકારો છીનવી લેવામાં આવી રહ્યા છે.
પાકિસ્તાને TTP અને ISISનાં ઠેકાણાં પર એરસ્ટ્રાઈક કરી હતી
22 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાને અફઘાનિસ્તાનના સરહદી વિસ્તારોમાં એરસ્ટ્રાઈક કરી હતી. પાકિસ્તાનના ઉપ-ગૃહમંત્રી તલાલ ચૌધરીએ દાવો કર્યો હતો કે સરહદી વિસ્તારોમાં TTPનાં ઠેકાણાં પર કાર્યવાહીમાં ઓછામાં ઓછા 70 લડવૈયા માર્યા ગયા. બાદમાં પાકિસ્તાની અખબાર ડોને આ સંખ્યા 80 સુધી પહોંચવાનો દાવો કર્યો હતો.
અફઘાનિસ્તાને આ હુમલાઓની સખત નિંદા કરી હતી. તાલિબાનનું કહેવું હતું કે હુમલાઓમાં સામાન્ય નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા. ટોલો ન્યૂઝના રિપોર્ટ અનુસાર, નંગરહારમાં એક ઘર પર હુમલા બાદ એક જ પરિવારના 23 લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા.
જ્યારે અફઘાન સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે પાકિસ્તાનને 'યોગ્ય સમયે સખત જવાબ' આપવામાં આવશે. મંત્રાલયે આ હુમલાઓને દેશની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું હતું.
પાકિસ્તાન લાંબા સમયથી અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર પર દબાણ કરતું રહ્યું છે કે તે પોતાની જમીનનો ઉપયોગ કોઈપણ આતંકવાદી સંગઠનને ન કરવા દે. ઇસ્લામાબાદનો આરોપ છે કે TTP અફઘાનિસ્તાનથી ઓપરેટ થઈ રહ્યું છે, જ્યારે તાલિબાન સરકાર આ આરોપોનો સતત ઇનકાર કરતી રહી છે.
બંને દેશો વચ્ચે પહેલાં પણ તણાવ થયો છે
અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ડુરંડ લાઇનને લઈને લાંબા સમયથી વિવાદ છે. બંને દેશો એકબીજા પર હુમલા અને આતંકવાદીઓને છુપાવવાનો આરોપ લગાવતા રહે છે. 2021માં અફઘાનિસ્તાન પર તાલિબાનના નિયંત્રણ બાદથી તણાવ વધુ વધી ગયો છે.