Loading...

MS યુનિ.ની ટ્યુશને જતી ત્રણ વિદ્યાર્થિનીને ઉડાવી, CCTV:પૂરપાટ ઝડપે જઈ રહેલા બાઈક ચાલકે ફંગોળતા એકની હાલત ગંભીર, પરિવારજનો રડી પડ્યા

વડોદરા શહેરમાં ફરી એક વખત રફતારના કારણે અકસ્માની ઘટના સામે આવી છે. વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ લકડીપુલ પાસે બેફામ સ્પીડમાં જઈ રહેલી બાઇકે સ્કૂટર પર રસ્તો ઓળંગી રહેલી 3 વિદ્યાર્થિનીઓને ટક્કર મારી હતી, જેમાં એક વિદ્યાર્થિની ઋષિકા રાણા ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી. જેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાઈ છે. ઉલ્લેખનીય છે કે, MSની આ ત્રણેય વિદ્યાર્થિની ટ્યુશને જતી હતી ત્યારે દુર્ઘટના બની હતી.

બાઇક ચાલક નાસી છૂટ્યો ઘટના બાદ તાત્કાલિક સ્થળ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ઇજાગ્રસ્ત યુવતીઓને તાત્કાલિક એસ.એસ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં બાઇકની અતિઝડપ અને અકસ્માતની ભયાવહતા સ્પષ્ટ દેખાઈ રહી છે. રાવપુરા પોલીસે આ ઘટનાની તપાસ હાથ ધરી છે અને ઘટનાસ્થળેથી નાસી છૂટેલા બાઇકચાલકની શોધખોળ ચાલુ છે.

‘મારી દીકરીની ફ્રેન્ડના પગ પરથી એક રિક્ષા પણ પસાર થઈ ગઈ’ સ્કૂટર ચાલક યુવતીની માતા નિશા ગોહિલે જણાવ્યું હતું કે, મને ફોન આવ્યો કે, તમારી દીકરીનો અકસ્માત થયો છે. અમે તાત્કાલિક રીક્ષા લઈને ત્યાં પહોંચ્યા હતા, પણ ત્યાં સુધીમાં બાઈક ચાલક ભાગી ગયો હતો. મારી દીકરી પણ નીચે પડી હતી, મારી દીકરીની ફ્રેન્ડના પગ પરથી એક રિક્ષા પણ પસાર થઈ ગઈ હતી. ડોક્ટરો બહુ કઈ કહેતા નથી, પણ એવું કહે છે કે પગમાં ફ્રેક્ચર થયું છે. તે ભાનમાં તો છે, પણ એને એટલો અસહ્ય દુખાવો થાય છે કે તે સતત બૂમો પાડી રહી છે. પ્લીઝ, એ બાઈક વાળાને પકડો.

‘બાઇક ચાલકને પકડીને 6 મહિના કે વર્ષ માટે જેલમાં જ નાખી દેવો જોઈએ’ તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, બિચારી છોકરીઓ સાઈડમાં ઊભી હતી તોય આવીને ઉડાવી દીધી. હું તો એમ કહું છું કે એને પકડીને 6 મહિના કે વર્ષ માટે જેલમાં જ નાખી દેવો જોઈએ. આટલી પબ્લિક વચ્ચે 100ની સ્પીડે ગાડી ચલાવતા એને ભાન નથી પડતું? દરેક જગ્યાએ CCTV કેમેરા હોવા જોઈએ જેથી તરત ખબર પડે કે આવા લોકો કેવી રીતે અકસ્માત કરીને ભાગી જાય છે. મારી દીકરી અને તેની બહેનપણી બંને ફંગોળાઈને અલગ-અલગ બાજુએ પડી હતી.

પાછળ બેસેલી વિદ્યાર્થિનીને ઈજા થઈ ત્રણેય વિદ્યાર્થિનીઓ MS યુનિવર્સિટીમાં કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તેઓ એક જ જગ્યાએ ટ્યુશનમાં અભ્યાસ કરતી હોવાથી ઘરથી એક સાથે જવા નીકળી હતી. ત્યારે અકસ્માત થયો હતો. જેમાં પાછળ બેઠેલી વિદ્યાર્થીનીને ઇજાઓ થઈ હતી. જ્યારે આ સ્કૂટરચાલક અને પાછળ બેઠેલ અન્ય એક વિદ્યાર્થીનીને ઇજાઓ થઈ નથી.

આ પણ વાંચો

25 ફેબ્રુ.એ નશામાં ધુત SRP જવાન કારચાલકે રિક્ષા-કાર-સ્કૂટરને અડફેટે લીધાં હતા 25 ફેબ્રુઆરીના રોજ વડોદરા શહેરના પ્રતાપનગર-બરોડા ડેરી રોડ પર ONGC પાસે એક ભયાનક રસ્તા અકસ્માતની ઘટના સામે આવી છે. નશામાં ધુત એક કારચાલકે રિક્ષા, કાર તેમજ સ્કૂટરને અડફેટે લઈ લીધાં હતાં, જેમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આરોપીની કારમાંથી દેશી દારૂની બોટલ અને ગ્લાસ મળ્યા હતા. જે જોતાં જ લોકોએ ગાડીના કાચ તોડીને બહાર કાઢીને મેથીપાક ચખાડ્યો હતો. આ અકસ્માતમાં આરોપી એસઆરપી (સ્ટેટ રિઝર્વ પોલીસ)નો જવાન રાજેશ ધનજીભાઈ પાંડવ હોવાનું સામે આવ્યું હતું

‘અરે આ તો ફૂલ પીધેલો છે! પોલીસને બોલાવો’ 23 ફેબ્રુઆરી, 2026ના રોજ વડોદરા નજીક ગુજરાત રીફાઇનરી રોડ પર બોલેરો કેમ્પરના ચાલકે દારૂના નશામાં ધૂત થઇને બેફામ રીતે કાર ચલાવી હતી અને કારને ડીવાઈડર સાથે અથડાઈ હતી. એક કારને પણ ટક્કર મારી હતી જ્યારે એક બાઇક ચાલકનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતમાં નશામાં ધૂત કારનો ડ્રાઈવર પણ લોહીલુહાણ થઈ ગયો હતો અને ઈજાગ્રસ્ત થયો હતો. ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને તુરંત જ જવાહરનગર પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે આરોપી ડ્રાઈવરની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Image Gallery