ફોર્બ્સની નવી બિલિયોનેર લિસ્ટ જાહેર: ભારતમાં 1 જ વર્ષમાં બન્યા 24 નવા અબજોપતિ, જાણો કોણ છે સૌથી અમીર
વિશ્વના સૌથી ધનિક લોકોની ફોર્બ્સની લેટેસ્ટ 2026 ની યાદી બહાર પડી ગઈ છે, અને તેમાં ભારતનો ડંકો વાગ્યો છે. આ અહેવાલ મુજબ, છેલ્લા એક જ વર્ષમાં ભારતમાં નવા 24 અબજોપતિઓ (Billionaires) ઉમેરાયા છે, જેથી દેશમાં કુલ અબજોપતિઓની સંખ્યા વધીને 229 થઈ ગઈ છે. આ લિસ્ટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી ફરી એકવાર ભારતના સૌથી અમીર વ્યક્તિ તરીકે નંબર વન પર રહ્યા છે. જ્યારે ટકાવારી અને કમાણીની દ્રષ્ટિએ સ્ટીલ ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલે સૌથી મોટો કૂદકો લગાવ્યો છે. દુનિયાના ટોચના અમીરોની વાત કરીએ તો એલન મસ્ક હજુ પણ આખી દુનિયામાં નંબર વન પર રાજ કરી રહ્યા છે.
શેરબજારની તેજીએ બનાવ્યા નવા અબજોપતિઓ
ફોર્બ્સ વર્લ્ડ બિલિયોનેર્સ 2026 ની યાદી દર્શાવે છે કે, ભારતમાં અબજોપતિઓની સંખ્યા ગયા વર્ષના 205 થી વધીને હવે 229 થઈ ગઈ છે. આ વધારા પાછળનું સૌથી મોટું કારણ શેરબજારમાં આવેલી જબરદસ્ત તેજી અને નવી કંપનીઓનું લિસ્ટિંગ છે. ભારતીય અબજોપતિઓની કુલ સંપત્તિ પણ વધીને 1 ટ્રિલિયન ડોલરને પાર કરી ગઈ છે, જે 2025 માં 941 બિલિયન ડોલર હતી. દેશના ટોપ-10 અમીરો પાસે જ 368 બિલિયન ડોલરની જંગી સંપત્તિ છે. જોકે ફોર્બ્સ ઈન્ડિયાના આંકડા મુજબ, ટોચના 100 અમીરોની સંપત્તિમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે અને તે આશરે 88 લાખ કરોડ રૂપિયાની આસપાસ રહી છે.
મુકેશ અંબાણી અને સાવિત્રી જિંદાલનો દબદબો
છેલ્લા એક વર્ષમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના નફામાં 12% નો વધારો થતાં મુકેશ અંબાણી એશિયા અને ભારતના સૌથી ધનિક વ્યક્તિ તરીકે અકબંધ રહ્યા છે. તેમની કુલ સંપત્તિ 99.7 બિલિયન ડોલર છે, જોકે તેઓ 100 બિલિયન ડોલરની ક્લબમાં ફરી સામેલ થવામાં થોડા માટે રહી ગયા છે. બીજી તરફ, ઓ.પી. જિંદાલ ગ્રુપના વડા સાવિત્રી જિંદાલ 39.1 બિલિયન ડોલરની સંપત્તિ સાથે ભારતના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ અને દેશના સૌથી ધનિક મહિલા બન્યા છે.
લક્ષ્મી મિત્તલની કમાણીમાં સૌથી મોટો ઉછાળો
જો કમાણીના ગ્રોથની વાત કરીએ તો, સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલે રેકોર્ડ તોડી નાખ્યો છે. તેમની કંપની આર્સેલરમિત્તલના શેરમાં છેલ્લા એક વર્ષમાં 80% થી વધુનો ઉછાળો આવ્યો છે. આના લીધે તેમની સંપત્તિમાં 11.8 બિલિયન ડોલર (લગભગ 61%) નો વધારો થયો છે અને તેમની કુલ સંપત્તિ 31 બિલિયન ડોલર પર પહોંચી ગઈ છે. મિત્તલ તાજેતરમાં યુકેના નવા ટેક્સ નિયમોને કારણે સ્વિટ્ઝર્લૅન્ડ શિફ્ટ થઈ ગયા છે.
| ગ્લોબલ રેન્ક | નામ | કુલ સંપત્તિ (બિલિયન ડોલરમાં) | ઉદ્યોગ/ક્ષેત્ર |
| 21 | મુકેશ અંબાણી | 99.7 | રિલાયન્સ (વૈવિધ્યસભર) |
| 31 | ગૌતમ અદાણી | 63.8 | ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કોમોડિટીઝ |
| 51 | સાવિત્રી જિંદાલ અને પરિવાર | 39.1 | સ્ટીલ, મેટલ્સ અને માઇનિંગ |
| 70 | લક્ષ્મી મિત્તલ | 31.0 | સ્ટીલ, મેટલ્સ અને માઇનિંગ |
| 71 | શિવ નાદર | 30.9 | સોફ્ટવેર (ટેકનોલોજી) |
| 95 | સાયરસ પૂનાવાલા | 27.0 | રસીઓ (હેલ્થકેર) |
| 100 | દિલીપ સંઘવી | 25.6 | ફાર્માસ્યુટિકલ્સ |
| 119 | કુમાર મંગલમ બિરલા | 21.1 | વૈવિધ્યસભર |
| 185 | રાધાકિશન દામાણી | 15.7 | છૂટક, રોકાણ (D-Mart) |
| 201 | ઉદય કોટક | 14.4 | બેન્કિંગ અને ફાઇનાન્સ |
Live