Loading...

ગીર-તાલાલાને પાછળ રાખી પોરબંદરમાં આવી ગઈ કેસર કેરી: માર્કેટ યાર્ડમાં સિઝનની સૌપ્રથમ આવક શરૂ, જાણો શું રહ્યો ભાવ?

આજની હરાજીમાં કેસર કેરીનો ભાવ પ્રતિ કિલો રૂપિયા 225 થી 301 સુધી બોલાયો. માવઠાની અસર નહિવત રહેતા ગત વર્ષ (એપ્રિલ) કરતા આ વર્ષે (માર્ચમાં) આવક વહેલી શરૂ થઈ.

ઉનાળાની શરૂઆત થતા જ સૌ કોઈને કેરીની યાદ આવવા લાગે છે. ત્યારે કેરી રસિકો માટે એક સારા સમાચાર છે. ગીર અને તાલાલાને પાછળ રાખીને સમગ્ર ગુજરાતમાં સૌથી પહેલા પોરબંદરના માર્કેટ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થઈ ગઈ છે. બરડા પંથકના બગીચાઓમાં ફાલ વહેલો આવવાને કારણે છેલ્લા એક અઠવાડિયાથી યાર્ડમાં કેરીના બોક્સ આવી રહ્યા છે.

આજની હરાજીમાં ખેડૂતો અને ઈજારેદારોને કેરીના 1 કિલોના રૂપિયા 225 થી 301 સુધીના સારા ભાવ મળ્યા છે. અત્યારે મુખ્યત્વે પોરબંદરના બીલેશ્વર, ખંભાળા, રાણાવાવ અને આદિત્યાણા પંથકના બગીચાઓમાંથી આ કેરી લાવવામાં આવી રહી છે.

ગુજરાતમાં તાલાલા, ગીર અને જૂનાગઢની સાથે પોરબંદરના બરડા પંથકની કેરી પણ દેશ-વિદેશમાં ખૂબ પ્રખ્યાત છે. પોરબંદર જિલ્લામાં આ વર્ષે કેસર કેરીની આવક ઘણી વહેલી નોંધાઈ છે. આ પાછળનું મુખ્ય કારણ એ છે કે, બરડા ડુંગરમાં ચૂનાના પથ્થરનું પ્રમાણ વધુ છે. જમીનના પેટાળમાં રહેલા આ ચૂનાના પથ્થરની ગરમીને કારણે કેરીના બગીચાઓમાં સિઝન કરતા વહેલો ફાલ આવી જાય છે અને કેરી જલ્દી પાકી જાય છે. સમગ્ર રાજ્યમાં આવેલા વિવિધ માર્કેટ યાર્ડમાંથી એકમાત્ર પોરબંદર યાર્ડ એવું છે જ્યાં અત્યારે સિઝનની સૌપ્રથમ આવક શરૂ થઈ ચૂકી છે.

થોડા દિવસો પહેલા પડેલા કમોસમી વરસાદ (માવઠા) ને કારણે ગીર અને તાલાલા પંથકમાં કેરીના પાકને ઘણું નુકસાન પહોંચ્યું હતું. પરંતુ સદનસીબે પોરબંદરના બરડા પંથકમાં માવઠાની અસર સાવ નહિવત રહી છે, તેથી હાલ યાર્ડમાં કેરીની સારી એવી આવક જોવા મળી રહી છે. ગયા વર્ષે પોરબંદર યાર્ડમાં એપ્રિલ મહિનામાં કેરી આવવાની શરૂઆત થઈ હતી, જ્યારે આ વર્ષે માર્ચ મહિનામાં જ આવક શરૂ થઈ ગઈ છે. આમ, ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે કેરી રસિકોને વહેલો સ્વાદ માણવા મળશે.

આજે માર્કેટિંગ યાર્ડમાં બરડા પંથકની કેસર કેરીનો ઊંચો ભાવ રૂપિયા 301 પ્રતિ કિલો બોલાયો હતો. આજે યાર્ડમાં અંદાજે 250 જેટલા કેરીના બોક્સની આવક થઈ હતી. જેમાંથી આશરે 100 બોક્સ એવી કેરીના હતા, જેનો ઉપયોગ અથાણું બનાવવા માટે કરી શકાય. જ્યારે બાકીના 150 જેટલા બોક્સમાં એવી કેરી હતી જે આવનારા બે થી ત્રણ દિવસમાં ઘરે જ પાકી જાય અને ખાવા લાયક બની જાય.

Image Gallery