Loading...

આંધ્રપ્રદેશના વેંકટેશ્વર મંદિરમાં ભાગદોડ, 10નાં મોત:એકાદશીની ભીડથી રેલિંગ તૂટી

આંધ્રપ્રદેશના શ્રીકાકુલમમાં કાશીબુગ્ગા વેંકટેશ્વર મંદિરમાં શનિવારે એકાદશી દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં 10 લોકોનાં મોત થયાં હતાં અને અનેક ઘાયલ થયા. શરૂઆતના અહેવાલો અનુસાર, મંદિરમાં ભારે ભીડને કારણે રેલિંગ તૂટી ગઈ હતી. ઘાયલ યાત્રાળુઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અધિકારીઓને આશંકા છે કે મૃત્યુઆંક વધી શકે છે. મૃતકોમાં મોટા ભાગની મહિલાઓ છે.

વેંકટેશ્વર મંદિરમાં ધક્કામુક્કી થતાં લોકો એકબીજા પર પડવા લાગ્યા અને અફરાતફરી મચી ગઈ હતી. ઘાયલોમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. મળતી માહિતી મુજબ, ભારે ભીડને કારણે રેલિંગ તૂટી ગઈ હતી, જેના કારણે ભાગદોડ મચી ગઈ હતી. ઘાયલ શ્રદ્ધાળુઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

ભાગદોડના ઘણા વીડિયો સામે આવ્યા છે, જેમાં મંદિરનાં પગથિયાં પર લોકોની મોટી ભીડ જોવા મળી રહી છે. એમાં મહિલાઓ, બાળકો અને ઘણા વૃદ્ધો પણ હતાં. ભીડથી લોકો કચડાઈ ગયા હતા, મહિલાઓ-બાળકો બહાર નીકળવા માટે બૂમો પાડતા જોવા મળ્યાં હતાં. ઘણા લોકો પોતાનો જીવ બચાવવા માટે લોકો પર ચઢીને બહાર નીકળતા દેખાઈ રહ્યા છે.

આ દરમિયાન અકસ્માતના વીડિયોમાં લોકો ભીડમાં ફસાયેલી મહિલાઓ અને બાળકોને બહાર કાઢતા દેખાય છે. ભાગદોડ સ્થળની આસપાસ મહિલાઓ બેભાન હાલતમાં પડેલી જોવા મળી હતી. લોકો મહિલાઓને હાથ અને પગ પકડીને ભીડમાંથી બહાર કાઢતા દેખાયા હતા.

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ વેંકટેશ્વર મંદિરમાં ભાગદોડ અને મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું. CMએ X પર પોસ્ટ કરતાં તેમણે લખ્યું, "આ હૃદયદ્રાવક ઘટના શ્રીકાકુલમ જિલ્લાના વેંકટેશ્વર મંદિરમાં બની." તેમણે પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વહીવટીતંત્રને તમામ પીડિતો અને ઘાયલોને તાત્કાલિક સહાય પૂરી પાડવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આંધ્રના ગૃહમંત્રીએ કહ્યું- ભારે ભીડને કારણે દુર્ઘટના થઈ

આંધ્રપ્રદેશનાં ગૃહમંત્રી અનિતાએ જણાવ્યું હતું કે દર અઠવાડિયે આશરે 1,500થી 2,000 ભક્તો મંદિરમાં આવે છે. આજે એકાદશીનો તહેવાર હતો, જે ખાસ કરીને મહત્ત્વપૂર્ણ હતો. મંદિર પહેલા માળે આવેલું છે અને એમાં ચઢવા માટે 20 પગથિયાં છે. આ દરમિયાન ધક્કા-મુક્કી થઈ અને રેલિંગ તૂટી ગઈ, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી.