Loading...

100 આહીરરાણીનો મહારાસ:સોમનાથમાં PMના સ્વાગતે આહીર સમાજ પરંપરાગત વેશભૂષામાં સંસ્કૃતિનું ગૌરવ છલકાવશે

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાઈ રહેલા 'સોમનાથ સ્વાભિમાન પર્વ 2026'માં આજે (10 જાન્યુઆરી) સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહભાગી થવાના છે, ત્યારે તેમના ભવ્ય સ્વાગત માટે આહીર સમાજ દ્વારા ઐતિહાસિક 'મહારાસ'ની વિશેષ પ્રસ્તુતિ કરવામાં આવશે. ગઝનવીના આક્રમણના 1000 વર્ષ અને મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના 75 વર્ષના ઐતિહાસિક સંગમ ટાણે આયોજિત આ ઉત્સવમાં નાની બાળાઓથી લઈને વયોવૃદ્ધ બહેનો સુધીની 100 આહીરરાણી પરંપરાગત વેશભૂષા અને લોકસંગીતના તાલે સંસ્કૃતિનું ગૌરવ રજૂ કરશે. સોમનાથ મંદિર પરિસરમાં અત્યારે મહારાસના આખરી ઓપના રિહર્સલ સાથે ભક્તિ અને શક્તિનો અનોખો માહોલ સર્જાયો છે.

ઐતિહાસિક મહારાસની વિશેષતાઓ

પેઢીઓનો સંગમ: આ કાર્યક્રમની ખાસિયત એ છે કે તેમાં નાની બાળાઓથી લઈને વયોવૃદ્ધ માતાઓ સુધીની દરેક પેઢીની બહેનો ઉત્સાહપૂર્વક સહભાગી બની રહી છે.

સાંસ્કૃતિક વારસો: પરંપરાગત વેશભૂષા અને લોકસંગીત સાથે આહીર સમાજ પોતાની આગવી ઓળખ અને ગૌરવને રાષ્ટ્રીય મંચ પર પ્રસ્તુત કરશે.

ભક્તિ અને શક્તિનું મિલન: સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાઈ રહેલું આ રિહર્સલ ભક્તિમય વાતાવરણ ઉભું કરી રહ્યું છે, જે પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.