Loading...

ગ્લોબલ લીડર, ગુજરાત ને મોદી:જર્મન ચાન્સેલર અમદાવાદના અતિથિ બનશે

જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ 12-13 જાન્યુઆરીએ ભારતની તેમની પ્રથમ સત્તાવાર મુલાકાતે આવી રહ્યા છે. જોકે, દિલ્હીને બદલે તેઓ સીધા અમદાવાદ આવશે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનું સ્વાગત કરશે. અમદાવાદ પછી જર્મન નેતા બેંગલુરુ જવાના છે. આ મુલાકાત સાથે જર્મન ચાન્સેલર પીએમ મોદીના કાર્યકાળ દરમિયાન અમદાવાદની મુલાકાત લેનારા વૈશ્વિક નેતાઓની યાદીમાં જોડાશે.

મેર્ઝ પહેલાં અને મોદી વડાપ્રધાન બન્યા પછી 19 ગ્લોબલ લીડર ગુજરાતની મુલાકાતે આવી ચૂક્યા છે. જેમાં સૌપ્રથમ મુલાકાત ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે લીધી હતી.

શી જિનપિંગ

વિદેશી રાષ્ટ્રાધ્યક્ષોને ગુજરાત દર્શન કરાવવાની શરૂઆત શી જિનપિંગની મુલાકાત સાથે થઈ હતી. જિનપિંગ તેમનાં પત્ની પેંગ લિયુઆન સાથે 2014ની 17 સપ્ટેમ્બરે અમદાવાદ પહોંચ્યાં હતાં. મોદી જિનપિંગને સાબરમતી આશ્રમ લઈ ગયા હતા, જ્યાં જિનપિંગે ચરખો ચલાવ્યો હતો. એ ઉપરાંત રિવરફ્રન્ટ પાર્કમાં મોદીએ જિનપિંગને હીંચકે પણ ઝુલાવ્યા હતા. આ પ્રવાસ દરમિયાન ભારત-ચીન વચ્ચે ત્રણ કરાર પર હસ્તાક્ષર થયા હતા. એ પછી જિનપિંગ દિલ્હી ગયા હતા, જ્યાં તેમણે કેટલાક વધુ કરારો પર હસ્તાક્ષર કર્યા હતા.

શિંજો આબે

જાપાનના વડાપ્રધાન શિંજો આબે 13થી 14 સપ્ટેમ્બર 2017ના રોજ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર ખુદ વડાપ્રધાન મોદીએ તેમને આવકાર્યા હતા. બન્નેએ એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધીનો રોડ-શો કર્યો હતો, જે નરેન્દ્ર મોદીનો કોઈ વિદેશી નેતા સાથેનો પહેલો રોડ-શો હતો. આ યાત્રા દરમિયાન આબેએ સાબરમતી આશ્રમ, સિદી સૈયદની જાળી, ગાંધીનગર સ્થિત મહાત્મા ગાંધીને સમર્પિત મ્યુઝિયમ દાંડી કુટીરની મુલાકાત લીધી હતી. એ ઉપરાંત આબેએ નરેન્દ્ર મોદી સાથે મળીને મુંબઈ-અમદાવાદ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટનું ભૂમિપૂજન પણ કર્યું હતું.

બેન્જામિન નેતન્યાહૂ

2018માં ભારતની મુલાકાતે આવેલા ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આગ્રામાં તાજ મહેલને નિહાળ્યા બાદ અમદાવાદની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેતન્યાહૂ સાથે એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધી 14 કિલોમીટર લાંબો રોડ-શો કર્યો હતો. મોદી નેતન્યાહૂને સાબરમતી આશ્રમ લઈ ગયા હતા, જ્યાં નેતન્યાહૂએ તેમનાં પત્ની સાથે ચરખો ચલાવ્યો હતો. એ પ્રસંગે મોદી અને નેતન્યાહૂએ સાથે મળીને પતંગ પણ ઉડાડ્યો હતો.અનેક કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ મોદી નેતન્યાહૂને 'આઇક્રિએટ સેન્ટર' પર લઈ ગયા હતા. નેતન્યાહૂની એ મુલાકાત દરમિયાન ભારત-ઇઝરાયલ વચ્ચે સંરક્ષણ, કૃષિ અને અંતરિક્ષ વિજ્ઞાન સહિતના કુલ નવ કરાર પર હસ્તાક્ષર થયા હતા.

ડોનાલ્ડ ટ્રમ્પ

ફેબ્રુઆરી 2020માં 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમ અમદાવાદની મુલાકાત લેનારા વૈશ્વિક નેતાઓ માટે સૌથી પ્રખ્યાત કાર્યક્રમોમાંનો એક છે. તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવ્યા હતા અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પહેલા બંને નેતાઓએ એરપોર્ટથી સ્ટેડિયમ સુધીના લાંબા રોડ શોમાં ભાગ લીધો હતો.

બોરિસ જોનસન

21 એપ્રિલ 2022એ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને પહેલીવાર ગુજરાતની મુલાકાત લીધી હતી. 21 એપ્રિલે તેઓ સવારે આઠ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હતા અને રાત્રે સાડા નવ વાગ્યે દિલ્હી રવાના થઈ ગયા હતા. અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોરિસ જોનસનનું સ્વાગત કર્યું હતું.

શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન

સંયુક્ત આરબ અમીરાત (UAE)ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને મોદીના કાર્યકાળ દરમિયાન અમદાવાદની મુલાકાત લીધી હતી. તેઓ ફેબ્રુઆરી 2024માં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં મુખ્ય મહેમાન હતા. પીએમ મોદીએ તેમની સાથે રોડ શોમાં પણ ભાગ લીધો હતો.