મોદી-ફ્રેડરિક મર્ઝ ગાંધી આશ્રમમાં:PMએ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ અને બેઠક કરી
PM મોદી આજે (12 જાન્યુઆરી) જર્મન ચાન્સેલર સાથે ગાંધી આશ્રમની મુલાકાતે છે. PMએ ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ કરી બેઠક કરી હતી. હાલમાં PM અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ ગાંધી આશ્રમમાં છે. આ મુુલાકાત બાદ બપોરે 12 વાગ્યે મહાત્મા મંદિરમાં PM મોદી અને જર્મન ચાન્સેલરની બેઠક યોજાશે.
ઉલ્લેખનીય છે કે બંને નેતા જ્યારે અમદાવાદની મુલાકાતે છે ત્યારે અમદાવાદમાં હવા પ્રદુષણ ગંભીર સ્થિતિમાં છે અને AQI 233 સુધી પહોંચ્યો છે.
ગઈકાલે જર્મન ચાન્સેલર ફ્રેડરીક મર્ઝ ભારત મુલાકાત માટે સીધા અમદાવાદ પહોંચ્યા હતા. ITC નર્મદા હોટલમાં ફ્રેડરિક મર્ઝનું પરંપરાગત રીતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
મોદી, ફ્રેડરિક 2 દિવસ શહેરમાં, પ્રદૂષણ ઘટાડવા 40 કન્સ્ટ્રક્શન સાઇટ બંધ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ સહિતના વીવીઆઈપી આવી રહ્યા હોવાથી માત્ર પશ્ચિમ વિસ્તારોમાં બે દિવસ માટે કન્સ્ટ્રક્શન સાઇટો બંધ રાખવા આદેશ અપાયો છે, જેથી પ્રદૂષણનો સ્તર ઘટાડી શકાય. ઉપરાંત રોડ, બ્રિજનાં કામ પણ અટકાવ્યાં છે. એટલું જ નહિ, નાગરિકો માટે પ્રદૂષણ ઘટાડવા માટે કોઈ નક્કર આયોજન ન કરનાર મ્યુનિ.એ ઠેર ઠેર વૃક્ષ, બગીચા, મેદાનોમાં પાણીનો છંટકાવ શરૂ કરી દીધો છે તથા જ્યાં જ્યાં કામ ચાલી રહ્યું છે તે જગ્યાઓ પર ગ્રીન નેટ પાથરી દીધી છે. વાડજમાં રામાપીરના ટેકરા પર મોટી સંખ્યામાં મકાન બની રહ્યાં છે તથા આસપાસ રિડેવલપમેન્ટ સાઇટ મળી 40થી વધારે સાઇટ પશ્ચિમના આ વિસ્તારોમાં ચાલી રહી છે. આ સ્થિતિમાં તમામ સાઇટને બે દિવસ માટે બંધ રાખવા આદેશ અપાયો છે. સામાન્ય રીતે બાંધકામ સાઇટમાંથી ઊડતા રજકણોને કારણે પ્રદૂષણનું પ્રમાણ વધે છે.
પાંચ વર્ષમાં અમદાવાદ આ વખતે સૌથી વધારે પ્રદૂષિત
શહેરમાં જાન્યુઆરીના 11 દિવસ દરમિયાન પ્રત્યેક દિવસમાં છેલ્લાં 5 વર્ષ કરતાં વધારે પ્રદૂષણ રહ્યું છે. 1થી 11 જાન્યુઆરી સુધી સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 175થી ઉપર રહ્યો છે. જ્યારે છેલ્લાં 5 વર્ષમાં આ સમયમાં તે 77થી 159 રહ્યો છે. 2026ના જાન્યુઆરીમાં શહેરમાં AQI સરેરાશ 153થી 193 રહ્યો છે. જ્યારે 2025માં 356માંથી 170 દિવસ શહેરની હવા ખરાબ રહી હતી.