Loading...

ન્યૂયોર્કના નવા મેયર મમદાનીએ રજનીગંધા ખાધી:સોશિયલ મીડિયા પર લોકોએ કહ્યું, હવે તમે ખરા ભારતીય

ન્યૂયોર્કના નવા ચૂંટાયેલા મેયર ઝોહરાન મમદાનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. એમાં તેઓ રસ્તા પર એક ઇન્ટરવ્યૂ દરમિયાન પોતાના ખિસ્સામાંથી રજનીગંધા સિલ્વર પર્લ કાઢે છે અને એને ખાઈ રહ્યા છે. ભારતીય યુઝર્સ તેમનો આ દેશી અંદાજ ખૂબ પસંદ કરી રહ્યા છે.

આ વીડિયો બ્રુકલિનમાં કન્ટેન્ટ ક્રિએટર નિકોલસ નુવને શૂટ ક્યો હતો. વીડિયોમાં મમદાની બ્લેક એસયુવીમાંથી બહાર નીકળે છે. નુવન તેમને પૂછે છે, "તમે કંઈ ખાધું?" આના પર મમદાની હસીને જવાબ આપે છે, "હા, મેં ખાધું છે."

થોડીવાર પછી તે પોતાના ખિસ્સામાંથી રજનીગંધા સિલ્વર પર્લ્સનું પેકેટ કાઢે છે અને કહે છે, "હું હાલમાં આ ઘણું ખાઉં છું... એ એક પ્રકારના મિન્ટ જેવું છે."

પછી તે નુવનને રજનીગંધા આપે છે. નુવન એનો સ્વાદ ચાખીને કહે છે, "વાહ, આ તો ખૂબ જ ટેસ્ટી છે... ખાવા યોગ્ય પર્ફ્યૂમ જેવું." મમદાની હસીને જવાબ આપે છે, "ખાઈ શકાય એવું પર્ફ્યૂમ."

સોશિયલ મીડિયા યુઝર્સે કહ્યું - હવે તમે ખરેખર ભારતીય લાગી રહ્યા છો

આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતાંની સાથે જ વાઇરલ થઈ ગયો. ભારતીય યુઝર્સે રમુજી કમેન્ટ કરી છે, જેમાં કેટલાકે કમેન્ટ કરી છે કે તે હવે ખરેખર ભારતીય જેવા લાગી રહ્યા છે.

એક યુઝરે લખ્યું, "મારા જીવનમાં ક્યારેય વિચાર્યું નહોતું કે રજનીગંધા ન્યૂયોર્ક સુધી પહોંચશે." બીજાએ લખ્યું, "વિશ્વાસ નથી આવતો કે તેમણે રજનીગંધા ખાધું! (સાઉથ એશિયન લોકો સમજી જશે)"

ભારતીય મૂળના ડેમોક્રેટિક ઉમેદવાર ઝોહરાન મમદાનીએ બુધવારે ન્યૂયોર્કના મેયરની ચૂંટણી જીતી, તેમને 50.4% મત મળ્યા. તેઓ મોન્સૂન વેડિંગ અને સલામ બોમ્બે જેવી ફિલ્મોના ડિરેક્ટર મીરા નાયરના પુત્ર છે.

મમદાની છેલ્લા 100 વર્ષમાં ન્યૂયોર્કના સૌથી યુવા મેયર, ભારતીય મૂળના પ્રથમ અને પ્રથમ મુસ્લિમ મેયર હશે. તેમના વિજય ભાષણમાં તેમણે 15 ઓગસ્ટ, 1947ના રોજ મધ્યરાત્રિએ આપેલા જવાહરલાલ નહેરુના "ટ્રિસ્ટ વિથ ડેસ્ટિની" ભાષણનો ઉલ્લેખ કર્યો.

તેમની માતા, મીરા નાયર, સ્ટેજ પર આવીને તેમને ભેટી પડ્યાં. તેમના પિતા મહમૂદ મમદાની પણ હાજર હતા.

જીત્યા પછી મમદાનીએ 'ધૂમ મચાલે' પર ઝૂમ્યા

ન્યૂયોર્કના મેયરની ચૂંટણીમાં મમદાની જીતનો જશ્ન બોલિવૂડ અંદાજમાં મનાવતા દેખાયા હતા. તેમના વિજય સમારોહમાં બોલિવૂડ ફિલ્મ ધૂમનું પ્રખ્યાત ગીત "ધૂમ મચાલે" વગાડવામાં આવ્યું હતું.

મમદાનીએ પોતાનું ભાષણ પૂરું કર્યું કે તરત જ બેકગ્રાઉન્ડમાં ગીત વાગવા લાગ્યું. જોહરાનની સાથે સ્ટેજ પર તેમની પત્ની રમા દુબ્બાજી અને માતા મીરા નાયર પણ હતાં. ગીત દરમિયાન મમદાનીએ ખૂબ ખુશ દેખાયા હતા અને તેમના સમર્થકોએ તાળીઓના ગડગડાટથી તેમનું સ્વાગત કર્યુ હતું.