Loading...

ઇન્ડોનેશિયામાં નમાજ દરમિયાન મસ્જિદમાં વિસ્ફોટ, 54 ઘાયલ:હથિયારો અને બોમ્બ બનાવવાનો સામાન મળી આવ્યો

ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં શુક્રવારની નમાજ દરમિયાન એક મસ્જિદમાં વિસ્ફોટ થયો હતો. જેમાં ઓછામાં ઓછા 54 લોકો ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ઉત્તર જકાર્તાના કેલાપા ગાડિંગ વિસ્તારમાં એક સ્કૂલમાં આવેલી મસ્જિદમાં આ વિસ્ફોટ થયો હતો. શહેરના પોલીસ વડા એસેપ એડી સુહેરીએ ઘટના બાદ જણાવ્યું હતું કે પોલીસ વિસ્ફોટના કારણની તપાસ કરી રહી છે.

પ્રારંભિક તપાસમાં ઘટનાસ્થળ નજીક કેટલીક શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે, જેમાં ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) ના ભાગો, રિમોટ કંટ્રોલ અને એરસોફ્ટ અને રિવોલ્વર સહિતની બંદૂકોનો સમાવેશ થાય છે.

નમાજ દરમિયાન વિસ્ફોટ થયો

ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું કે પહેલો ધડાકો મસ્જિદના મુખ્ય હોલની પાછળની બાજુથી થયો હતો, જેના કારણે નમાઝ પઢતા લોકો ડરી ગયા હતા અને પોતાનો જીવ બચાવવા માટે દોડી ગયા હતા. તે સમયે મસ્જિદની અંદર રહેલા ગણિતના શિક્ષક બુડી લકસોનોએ જણાવ્યું.

"ખુતબા (ભાષણ) હજી શરુ જ થયું હતુે કે જોરદાર વિસ્ફોટ થયો. થોડી જ સેકન્ડોમાં ધુમાડો ફેલાઈ ગયો. વિદ્યાર્થીઓ બહાર દોડી ગયા. કેટલાક રડી રહ્યા હતા, કેટલાક નીચે પડી ગયા હતા. બધા ગભરાઈ ગયા હતા"

મોટાભાગના ઘાયલો કાચના ટુકડા અને મોટા ધડાકાથી ઘાયલ થયા હતા. બધા ઘાયલોને કેલાપા ગાડિંગ જિલ્લાના ક્લિનિકમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘટના પછી તરત જ, નેવીના જવાનો અને જકાર્તા પોલીસે વિસ્તારને ઘેરી લીધો હતો અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા સમગ્ર વિસ્તારની તપાસ કરવામાં આવી હતી.