Loading...

શ્રીનગર પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટ, 9નાં મોત, 29 ઘાયલ

શુક્રવારે રાત્રે લગભગ 11:22 વાગ્યે જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આવેલા નૌગામ પોલીસ સ્ટેશનમાં એક પ્રચંડ વિસ્ફોટ થયો. એક તહસીલદાર સહિત નવ લોકો માર્યા ગયા; બાકીના મૃતદેહોની ઓળખ હજુ સુધી થઈ નથી. આ બ્લાસ્ટમાં 29 ઘાયલ થયા છે, જેમાં મોટાભાગના પોલીસકર્મીઓ છે, તેમની 92 આર્મી બેઝ અને SKIMS સૌરા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ બ્લાસ્ટમાં મૃતદેહોના ટુકડા 200 મીટર દૂર જઈને પડ્યાં હતાં.

પોલીસ વ્હાઇટ-કોલર આતંકવાદી મોડ્યુલ કેસના સંદર્ભમાં જપ્ત કરાયેલા વિસ્ફોટકોના નમૂના એકત્રિત કરી રહી હતી ત્યારે આ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટની તપાસ આતંકવાદી દૃષ્ટિકોણથી પણ કરવામાં આવી રહી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, વિસ્ફોટક ફક્ત ત્યારે જ થાય જો તે ડેટોનેટર અને ફ્યુઝ દ્વારા શરૂ કરવામાં આવ્યો હોય. તેથી આ આતંકવાદી હુમલો હોઈ શકે છે. જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા આતંકવાદી જૂથ, PAFF એ હુમલાની જવાબદારી સ્વીકારી હતી, પરંતુ આ વાતની પુષ્ટિ હજુ સુધી થઈ નથી.

હરિયાણાના ફરીદાબાદમાં ધરપકડ કરાયેલા ડૉ. મુઝમ્મિલ ગનાઈના ભાડાના ઘરમાંથી જપ્ત કરાયેલા વિસ્ફોટકોને કારણે આ વિસ્ફોટ થયો હતો. દિલ્હી વિસ્ફોટો પછી આતંકવાદી મોડ્યુલમાં ધરપકડ કરાયેલા આઠ આતંકવાદીઓમાં ગનાઈનો સમાવેશ થાય છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે 360 કિલોગ્રામ વિસ્ફોટકો પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા કે નહીં. 10 નવેમ્બરના રોજ લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે એક i20 કારમાં વિસ્ફોટ થયો હતો, જેમાં 13 લોકો માર્યા ગયા હતા.

Image Gallery