સાઉદી અરબમાં બસ અકસ્માત, 42 ભારતીયોના મોત:મક્કાથી મદીના જઈ રહેલી શ્રદ્ધાળુઓની બસ ડીઝલ ટેન્કર સાથે અથડાઈ
સાઉદી અરેબિયામાં સોમવારે એક પેસેન્જર બસ ડીઝલ ટેન્કર સાથે અથડાતાં 42 ભારતીયના મોત થયા છે. પ્રારંભિક મીડિયા અહેવાલો અનુસાર, મોટાભાગના યાત્રાળુઓ હૈદરાબાદના છે.
સાઉદી અરબમાં સોમવારે મક્કા અને મદીના જઈ રહેલી બસનો અકસ્માત થયો હતો. અકસ્માતમાં 42 લોકોના મોત થયા છે. બસમાં મોટાભાગના હૈદરાબાદના મુસાફરો સવાર હતા. મૃતકોમાં 20 મહિલાઓ અને 11 બાળકોનો સમાવેશ થાય છે.
પ્રારંભિક અહેવાલો દર્શાવે છે કે મૃતકોમાં મોટાભાગના ભારતીય નાગરિકો છે, જેમાં હૈદરાબાદના ઘણા લોકો હોવાની શક્યતા છે. તેલંગાણા સરકારે આ ઘટનાનો તાત્કાલિક જવાબ આપતા કહ્યું કે તેઓ રિયાધમાં ભારતીય દૂતાવાસ સાથે સતત સંપર્કમાં છે.
રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ દિલ્હીમાં હાજર અધિકારીઓને દૂતાવાસ સાથે સંપર્કમાં રહીને પીડિતોની ઓળખ અને અન્ય તમામ મદદ કરવા નિર્દેશ આપ્યો છે.
ભારતીય દૂતાવાસે હેલ્પલાઇન નંબર જાહેર કર્યા
જેદ્દાહ સ્થિત ભારતીય દૂતાવાસે એક હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. "સાઉદી અરેબિયાના મદીના નજીક ભારતીય ઉમરાહ યાત્રાળુઓ સાથે થયેલા દુ:ખદ બસ અકસ્માતને ધ્યાનમાં રાખીને, દૂતાવાસે જણાવ્યું હતું કે, જેદ્દાહમાં ભારતીય કોન્સ્યુલેટ જનરલ ખાતે 24x7 કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે. હેલ્પલાઇન નંબર 8002440003 છે.
આ ઘટના બાદ, તેલંગાણા સરકારે પરિવારો તેમના પ્રિયજનો વિશે માહિતી મેળવી શકે તે માટે સચિવાલયમાં એક કંટ્રોલ રૂમ બનાવ્યો છે. પરિવારના સભ્યો નીચેના નંબરો પર સંપર્ક કરી શકે છે: 79979-59754 અને 99129-19545