Loading...

ગાંધીનગર સેકટર-30માં મેગા ડિમોલિશન:વહેલી સવારે પોલીસ કાફલા સાથે ધાર્મિક સહિતના દબાણો તોડી પડાયા

ગાંધીનગરમાં વહેલી સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પાટનગર યોજના વિભાગની ટીમોએ સરકારી જમીન ઉપર વર્ષોથી ઉભા થયેલા ધાર્મિક સહિતના નાના-મોટા દબાણો તોડવાની કામગારી હાથ ધરી છે. આજે (17 નવેમ્બર) પરોઢિયે દબાણ ટીમ જેસીબી સહિતના વાહનોના કાફલા સાથે સેકટર 30 સર્કલના દબાણો દૂર કરવા પહોંચી હતી. એ પહેલા પોલીસનું સુરક્ષા કવચ બનાવી આ વિસ્તારને કોર્ડન કરી લેવાયો હતો. બાદમાં દબાણ ટીમોએ અહીંના દબાણો તોડી પાડવાની કાર્યવાહી આરંભી હતી. આ વિસ્તારના સાતથી વધુ પાકા દબાણો તોડી પાડવામાં આવ્યા છે.

આ અંગે ગાંધીનગર ડિવિઝન ડીવાયએસપી ડી.ટી. ગોહિલે કહ્યુ કે, સવારથી દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. અહીં સાતેક મકાનો અને બે ધાર્મિક દબાણો હતા, જે દૂર કરી દેવામાં આવ્યો છે. દિવસ દરમિયાન અન્ય સ્થળોએ દબાણ દૂર કરવામાં આવશે, ત્યારે પણ પોલીસ તૈનાત રહેશે.

ASP આયુષ જૈનએ જણાવ્યું કે, આજે વહેલી સવારથી ગાંધીનગર જિલ્લાના સેક્ટર-30 એરિયામાં આવેલા ગેરકાયદેસર બાંધકામનું ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. આ ડિમોલિશનની કામગીરીમાં ટોટલ 200 જેટલાં પોલીસકર્મીઓ બંદોબસ્તમાં હાજર છે. એના સાથે-સાથે એસડીએમ, મામલતદાર અને આરએનબીની ટીમ પણ અહીંયા હાજર છે.

વહીવટીતંત્રના જણાવ્યાં મુજબ, સેક્ટર 30 વિસ્તારમાં સરકારી જમીન પર મોટા અને નાના ધાર્મિક ગેરકાયદેસર દબાણો દૂર કર્યા છે, જે વકફ બોર્ડમાં ગેરકાયદેસર રીતે નોંધાયેલા હતા. આ જમીનમાં 1,500થી વધુ વખત ફેરફાર કરવામાં આવ્યા હતા, જે સરકારી જમીનને ગેરકાયદેસર રીતે કાયદેસર બનાવવા લાંબા સમયથી પેરવી ચાલતી હોવાનું કહેવાઈ રહ્યું છે. આ તમામ હકીકતોની સંપૂર્ણ તપાસ કર્યા પછી, વહીવટીતંત્રે કાનૂની પ્રક્રિયાને અનુસરીને આ જમીનને દબાણ મુક્ત કરી છે.

ગાંધીનગર શહેરમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની ઝુંબેશને પાટનગર યોજના વિભાગ અને કોર્પોરેશન દ્વારા તખ્તો ઘડી કાઢવામાં આવ્યો છે. જે મુજબ આજરોજ મેગા ડિમોલિશન કરાયું છે. અગાઉ ચરેડી ફાટકથી GEB તરફ અને પેથાપુર આસપાસના 900થી વધુ ઝૂંપડાંના દબાણો તોડી પાડ્યા બાદ હવે તંત્ર દ્વારા શહેરી વિસ્તારમાં રહેલા 1400થી વધુ દબાણો પર તવાઈ બોલાવી છે. દબાણો પર બુલડોઝર ફેરવવાની કાર્યવાહી માટે 150 પોલીસ બંદોબસ્ત ફાળવી દેવામાં આવ્યો છે.

1400થી વધુ ઘર-ઝૂંપડાંના દબાણોને નોટિસો પાઠવવામાં આવી હતી

પાટનગર યોજના વિભાગ હસ્તકની જમીનો પરના દબાણો દૂર કરવાની આ ઝુંબેશ અંતર્ગત 1થી 30 સેક્ટર વિસ્તારમાં ઊભાં થઈ ગયેલાં 1400થી વધુ ઘર-ઝૂંપડાંના દબાણોને નોટિસો પાઠવવામાં આવી હતી. જોકે રહેવાસીઓ વર્ષોથી એક જ જગ્યાએ વસવાટ કરતા હોવાથી વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા સહિતની માંગણીઓ કરી રહ્યા છે, પરંતુ નોટિસ છતાં દબાણકર્તાઓ તરફથી કોઈ જવાબ ન મળતાં હવે તંત્રનું બુલડોઝર આજે ગમે ત્યારે ફરી શકે છે.

નોટિસોનો જવાબ ન મળતા દબાણો તોડી પાડવાનો તખ્તો ઘડી કાઢ્યો

આ સિવાય તંત્ર દ્વારા અન્ય બે મુખ્ય વિસ્તારોમાં પણ મેગા ડિમોલિશનની તૈયારીઓ ચાલી રહી છે. ઘ- 7સર્કલ પાસે અંદાજે 400 જેટલા ઝૂંપડાં આવેલા છે, જેમાંથી ઘણા લોકોને 1999ના સર્વે બાદ સેક્ટર-25 ખાતે આવાસો મળેલા હોવાનું કહેવાય છે. જ્યારે પ્રેસ સર્કલ પાસેના વિસ્તારમાં પણ અંદાજે 100 જેટલા ઝૂંપડાં તોડી પાડવાની તૈયારી છે.આ બંને વિસ્તારના અંદાજે 500 જેટલા ઝૂંપડાં છે.

એ જ રીતે સેકટર-24 ખાતે પણ 300 જેટલા ગેરકાયદેસર દબાણો છે.જ્યારે રાંધેજા વિસ્તામાં પણ ધાર્મિક દબાણ સહિતના કાચા પાકા દબાણો ઉભા થઈ ગયાં છે.દબાણકર્તાઓને અગાઉ નોટિસો આપવામાં આવી હોવા છતાં જવાબ ન મળતાં તંત્ર દ્વારા આ તમામ દબાણો તોડી પાડવાનો તખ્તો ઘડી કાઢવામાં આવ્યો છે.

દબાણ હટાવ ઝુંબેશ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી

વિશ્વસનીય પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ મેગા ડિમોલિશન માટે પોલીસ બંદોબસ્તની માંગણી કરવામાં આવી છે. જેના પગલે આજરોજ પેથાપુર અને સેક્ટર-21 પોલીસ મથકની હદ વિસ્તારમાં કાર્યવાહી કરવાના ભાગરૂપે કુલ દોઢસો પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. જોકે, તંત્ર દ્વારા મોડી રાત સુધી આ મેગા દબાણ હટાવ ઝુંબેશ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ, પોલીસ બંદોબસ્તની ફાળવણી જોતાં ગત વખતની માફક આજરોજ ગેરકાયદેસર દબાણો ઉપર તંત્રનું બુલડોઝર ત્રાટકે એવી પ્રબળ સંભાવના છે.

Image Gallery