205 દિવસ પછી આજે બદ્રીનાથના કપાટ બંધ થશે:12 ક્વિન્ટલ ફૂલોથી સજાવાયું મંદિર
ઉત્તરાખંડના ચમોલીમાં આવેલા બદ્રીનાથ ધામના કપાટ આજે 205 દિવસ પછી શિયાળા માટે બપોરે 2 વાગ્યેને 56 મિનિટે બંધ કરવામાં આવશે. આ સાથે જ ચાર ધામ યાત્રાનું પણ સમાપન થઈ જશે. આ ખાસ અવસર પર મંદિરને 12 ક્વિન્ટલ ગલગોટાના ફૂલોથી શણગારવામાં આવ્યું છે. ગઈ રાતથી જ શ્રદ્ધાળુઓનું અહીં પહોંચવાનું શરૂ થઈ ગયું છે, અત્યાર સુધીમાં લગભગ 8 હજાર ભક્તો પહોંચી ચૂક્યા છે.
શુક્રવારથી ચાલી રહેલી પંચપૂજાની અંતિમ પ્રક્રિયા પણ આજે સંપન્ન થશે, જેમાં લક્ષ્મીની સહેલીનું રૂપ ધારણ કરીને રાવલ લક્ષ્મી માતાની મૂર્તિને મંદિરની અંદર બનેલા ગર્ભગૃહમાં નારાયણ ભગવાન સાથે સ્થાપિત કરશે.
દેશનું છેલ્લુ ગામ માણામાં તૈયાર કરવામાં આવેલો પવિત્ર ઘૃત કંબલ (ધાબળો) આ પ્રક્રિયાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. આ જ કંબલને ભગવાન બદ્રીવિશાલને ઓઢાડતા જ કપાટ બંધ કરી દેવામાં આવશે. આ કંબલ સદીઓ જૂની પરંપરા છે અને તેને ચીનથી માત્ર 25 કિલોમીટર દૂર આવેલા માણાની કન્યાઓ તૈયાર કરે છે.
બદ્રી-કેદાર મંદિર સમિતિ (બીકેટીસી) અનુસાર, આ વર્ષે 16 લાખ 50 હજારથી વધુ શ્રદ્ધાળુઓ બદ્રીનાથના દર્શન કરવા પહોંચ્યા છે. કપાટ બંધ થયા પછી હવે 6 મહિનાની શિયાળુ પૂજા જોશીમઠ નરસિંહ મંદિરમાં થશે. શંકરાચાર્યની ગાદી જોશીમઠમાં 27 નવેમ્બરે પહોંચશે.
2 દિવસની યાત્રા કરીને નરસિંહ મંદિરમાં પહોંચશે શંકરાચાર્યની ગાદી ...
26 નવેમ્બરે શંકરાચાર્યની ગાદી સાથે ઉદ્ધવજી અને કુબેરજીની ડોલી લગભગ 30 કિલોમીટર દૂર પાંડુકેશ્વર પહોંચશે, જ્યાં યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ઉદ્ધવજી અને કુબેરજીની ડોલી શિયાળા માટે અહીં જ રહેશે, જ્યારે રાત્રિ રોકાણ પછી બીજા દિવસે સવારે એટલે કે 27 નવેમ્બરે શંકરાચાર્યની ગાદી લગભગ 30 કિલોમીટર આગળ જોશીમઠના નરસિંહ મંદિરમાં પહોંચશે, શિયાળામાં ભગવાન બદ્રી વિશાળની પૂજા આ પવિત્ર મંદિરમાં થશે.
સેનાની બાજ નજર રહેશે
હાલમાં દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડ સરકારે તમામ જિલ્લાઓમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે. ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ધામમાં ભારતીય સેનાની સાથે આસામ રાઈફલ્સ, બોમ્બ સ્ક્વોડ, મેટલ ડિટેક્ટર ટીમ અને વધારાનો પોલીસ દળ તહેનાત કરવામાં આવ્યો છે.
ચમોલીના એસપી સુરજીત સિંહ પંવારના જણાવ્યા અનુસાર, બદ્રીનાથ આવતા-જતા વાહનોનું સઘન ચેકિંગ થઈ રહ્યું છે. આસપાસના જિલ્લાઓ - દેહરાદૂન, હરિદ્વાર, ઉધમસિંહનગર, નૈનીતાલમાં 24 કલાકનું ચેકિંગ અભિયાન ચાલી રહ્યું છે. ધામમાં કોઈપણ શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવા માટે 7 સભ્યોની વિશેષ ટીમ તહેનાત કરવામાં આવી છે.
પંચપૂજામાં આ 5 પ્રક્રિયાઓ થઈ
ગણેશ મંદિરથી શરૂ થઈ પંચપૂજા
ધામમાં પંચપૂજાની શરૂઆત શુક્રવાર, 21 નવેમ્બરની સવારે વિધિ-વિધાન સાથે થઈ. પરંપરા અનુસાર ગણેશ મંદિરના કપાટ સૌથી પહેલા બંધ કરવામાં આવે છે. રાવલ અમરનાથ નંબૂદરી અને ધર્માધિકારી રાધા કૃષ્ણ થપલિયાલની હાજરીમાં ભગવાન ગણેશને તેમના સ્થળેથી ગર્ભગૃહમાં લાવવામાં આવ્યા.
દિવસભર ભગવાન નારાયણ સાથે ગણેશની પૂજા થઈ અને પછી સાંજે પાંચ વાગ્યે ગણેશ મંદિરના કપાટ બંધ કરી દેવામાં આવ્યા.
અન્નકૂટ ભોગ પછી આદિ કેદારેશ્વરના કપાટ બંધ
બીજા દિવસે કપાટ બંધ થવાની પ્રક્રિયા હેઠળ શ્રી બદ્રીનાથ ધામમાં આદિ કેદારેશ્વર મંદિર અને આદિ ગુરુ શંકરાચાર્ય મંદિરના કપાટ વૈદિક મંત્રોચ્ચાર સાથે બંધ કરી દેવામાં આવ્યા. રાવલ અમરનાથ નંબૂદરીએ પરંપરા અનુસાર આદિ કેદારેશ્વર મંદિરમાં અન્નકૂટનો ભોગ ધરાવ્યો અને શિવલિંગને ભાતથી ઢાંકવામાં આવ્યું.
મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ પરંપરાના સાક્ષી બન્યા. પૂજા-અર્ચના પછી બે વાગ્યે આદિ કેદારેશ્વર મંદિરના કપાટ અને ત્યારબાદ આદિ ગુરુ શંકરાચાર્ય મંદિરના કપાટ પણ શિયાળા માટે બંધ કરી દેવામાં આવ્યા.
વેદ ઋચાઓનું વાચન બંધ, ખડ્ગ પુસ્તક પૂજન
પંચપૂજાના ત્રીજા દિવસે વેદ ઋચાઓનું વાચન શિયાળા માટે રોકી દેવામાં આવ્યું. રવિવારે ખડ્ગ પુસ્તક પૂજન સાથે આ વિશેષ અનુષ્ઠાન પૂર્ણ થયું. રાવલ અમરનાથ નંબૂદરી, વેદપાઠી અને પૂજારીઓએ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પૂજા સંપન્ન કરી. પરંપરા અનુસાર હવે વાચન આવતા વર્ષે કપાટ ખુલવા સુધી નહીં થાય.
લક્ષ્મી મંદિરમાં વિશેષ પૂજા, કડાઈ પ્રસાદ ચઢાવવામાં આવ્યો
ચોથા દિવસે માતા લક્ષ્મીને કડાઈનો પ્રસાદ ચઢાવી તેમને ગર્ભગૃહમાં આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું. આ ક્ષણ ખૂબ જ ભાવુક હતી, જેના સાક્ષી હજારો યાત્રીઓ બન્યા. ત્યારબાદ મંદિરને 12 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું. આ જ દિવસે કપાટ બંધ કરવાની અંતિમ તૈયારીઓને ફાઈનલ કરવામાં આવી.
25 નવેમ્બર, મંગળવાર કપાટ બંધ થવાનો શુભ ક્ષણ
આજે રાવલ માતા લક્ષ્મીને ગર્ભગૃહમાં સ્થાપિત કરશે. આ માટે રાવલ સ્ત્રી-વેશ ધારણ કરે છે અને મા લક્ષ્મીની સહેલીના રૂપમાં ગર્ભગૃહમાં પ્રવેશ કરે છે. ત્યારબાદ ભગવાન બદ્રીવિશાલને ઘૃત ધાબળો ઓઢાડવામાં આવશે અને કપાટ શિયાળા માટે બંધ કરી દેવામાં આવશે.
માણાનો ઘૃત કંબલ, કપાટ બંધ કરવાનો સૌથી પવિત્ર ક્ષણ
બદ્રીનાથની શિયાળુ પરંપરામાં ઘૃત ધાબળાની વિશેષ ભૂમિકા હોય છે. આ ધાબળો દેશના પ્રથમ ગામ માણાની કન્યાઓ ઉપવાસ રાખીને વિશેષ શુભ મુહૂર્તમાં તૈયાર કરે છે. કપાટ બંધ થવાના દિવસે આ જ ધાબળા પર ઘીનો લેપ લગાવીને ભગવાન બદ્રીવિશાલને ઓઢાડવામાં આવે છે. પરંપરા છે કે ધાબળો ઓઢાડતા જ કપાટ બંધ થઈ જાય છે.
આવતા વર્ષે કપાટ ખુલવા પર આ જ ધાબળાને યાત્રાળુઓમાં પ્રસાદના રૂપમાં વહેંચવામાં આવે છે. આ પરંપરા સદીઓથી ચાલી રહી છે અને દેવભૂમિની સૌથી પવિત્ર ધાર્મિક માન્યતાઓમાંથી એક છે. જેના હેઠળ માનવામાં આવે છે કે જો કપાટ ફરીથી ખુલવા સુધી આ ઘી સુકાય નહીં અને ધાબળા પર જેમનું તેમ જળવાઈ રહે તો આ શુભ સંકેત છે.