રાજકોટમાં પ્રથમ વખત 74મી ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપ:દેશભરની 35 મેન-વુમન ટીમો ભાગ લેશે
રાજકોટના આંગણે પ્રથમ વખત ‘ચક દે ઇન્ડિયા’ના દૃશ્યો જોવા મળશે. ગુજરાત પોલીસ તંત્રના યજમાન પદે 21 વર્ષ બાદ ફરી 74મી ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપનું આયોજન કરાયું છે. જેમાં દેશભરમાંથી અલગ-અલગ રાજ્યોની 35થી વધુ પુરુષ અને મહિલા ટીમો આ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે. જેમાં પેરા મિલિટરી ફોર્સનો પણ સમાવેશ થાય છે.
રાજકોટ શહેરમાં આગામી 4 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર સુધી 74મી નેશનલ લેવલની ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપનું શહેરના મુખ્ય બે એવા મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોકી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આયોજન કરાશે. આ માટે DGPની અધ્યક્ષતામાં અલગ અલગ 10 કમિટીની રચના કરવામાં આવી છે અને હાલ આ ટૂર્નામેન્ટને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
પોલીસ હોકી ચેમ્પિયનશિપના રજિસ્ટ્રેશનની અંતિમ તા. 28 નવેમ્બર
રાજકોટના રેસકોર્સ મેદાન સ્થિત મનપા સંચાલિત મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા હોકી ગ્રાઉન્ડમાં યોજાનાર પોલીસ હોકી ચેમ્પિયનશિપનું હાલ રજિસ્ટ્રેશન ચાલી રહ્યું છે જે માટે અંતિમ તારીખ 28 નવેમ્બર છે. રાજકોટમાં પ્રથમ વખત આયોજન થતાં DGP વિકાસ સહાયની અધ્યક્ષતામાં 10 કમિટી બનાવવામાં આવી છે અને તમામ કમિટીને અલગ અલગ જવાબદારી સોંપવામાં આવી છે, જેના દ્વારા હાલ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
4 ડિસેમ્બરે પોલીસ હેડ ક્વાર્ટરના પરેડ ગ્રાઉન્ડમાં ભવ્ય ઓપનિંગ સેરેમની
આ ટૂર્નામેન્ટને યાદગાર બનાવવા અને ગુજરાત અને રાજકોટનું નામ રોશન કરવા શહેર પોલીસ દ્વારા ઝીણવટભરી બાબતો આવરી લઈ પુરજોશમાં તૈયારીઓ છેલ્લા 15 દિવસથી કરવામાં આવી રહી છે. તા. 4 ડિસેમ્બરના રોજ પ્રથમ ભવ્ય ઓપનિંગ સેરેમની રાજકોટ શહેર પોલીસ હેડ ક્વાર્ટરના પરેડ ગ્રાઉન્ડ ખાતે સવારે 8:30 વાગ્યે યોજવામાં આવશે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી તેમજ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય ઉપસ્થિત રહેશે.
15 ડિસેમ્બરે ભવ્ય ક્લોઝિંગ સેરેમની યોજાશે
આ પોલીસ હોકી ચેમ્પિયનશિપમાં ભાગ લેતી દરેક ટીમ સાથે ઇન્ટ્રોડક્શન પણ કરાશે. જ્યારે તા. 15 ડિસેમ્બરના રોજ ક્લોઝિંગ સેરેમની સાંજે 4 વાગ્યે યોજવામાં આવશે. જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય ઉપસ્થિત રહેશે.
પોલીસ હોકી ચેમ્પિયનશિપમાં શા માટે રાજકોટની પસંદગી કરાઈ
રાજકોટમાં પ્રથમ વખત 74મી ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપનું આયોજન કરવા પાછળ પણ એક મહત્ત્વનું કારણ છે. વર્ષ 2016માં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સ સંકૂલમાં અંદાજીત 5 કરોડથી વધુના ખર્ચે હોકીનું મેદાન તૈયાર કરવામાં આવ્યું હતું. જેને મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ નામ આપવામાં આવ્યું છે. આ ગ્રાઉન્ડને ઇન્ટરનેશનલ લેવલનું બનાવવામાં આવ્યું હોવાથી હોલેન્ડથી આવેલા નિષ્ણાંતોએ હોકી ગ્રાઉન્ડની ચકાસણી કર્યા બાદ તેને ઇન્ટરનેશનલ લેવલનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. આ મેદાન ગુજરાતનું પ્રથમ એવું હોકી મેદાન છે કે જે ટર્ફ મેદાન છે. ટર્ફ મેદાનને કારણે ખેલાડીઓને સ્પીડ અને સ્કીલ બંને મળી રહે છે.