વારસિયામાં અજાણ્યા શખ્સોએ 3 કાર અને એક રીક્ષા સળગાવી: બુટલેગરોના ગેંગવોરમાં આગ ચંપી કર્યાની આશંકા
વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં ગત મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ ત્રણ કાર અને એક ઓટો રીક્ષાને આગ ચાંપી દીધી હતી. આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જ્યો છે. આ આગ અંગે સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. તો બીજી તરફ વારસિયા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. રીક્ષા સળગી તે સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે. જેથી સિટી પોલીસે પણ તપાસ શરૂ કરી છે.
સાંઈબાબા નગરના ખુલ્લા પ્લોટમાં પાર્ક કરેલી થારમાં આગ લગાવી હતી, જે બાજુમાં પડેલી વેન્યુ અને ટ્રીબર સુધી ફેલાઈ ગઈ હતી.આ ત્રણેય કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. આ ઉપરાંત અંજલિ સોસાયટીમાં પાર્ક કરેલી એક ઓટો રીક્ષાને પણ આગની જ્વાળાઓમાં લપેટાઈ હતી. રીક્ષા ચાલકે જણાવ્યું કે, બાજુમાં પાર્ક કરેલી બીજી રીક્ષા સળગાવવાનો ઈરાદો હતો, પણ ભૂલથી મારી રીક્ષાને આગ લગાવી દીધી હતી.
બુટલેગરો વચ્ચેના ગેંગવોરનું પરિણામ હોવાની સંભાવના
આ મામલો વારસિયા પોલીસ સ્ટેશન તેમજ સિટી પોલીસ સ્ટેશનમાં પહોંચતાં બંને પોલીસ મથકની ટીમોએ સંયુક્ત રીતે તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ બુટલેગરો વચ્ચે ગેંગવોરનું પરિણામ હોવાની પ્રબળ શક્યતા છે અને આ કૃત્ય કરનારા શખ્સોની ઓળખ તેમજ ધરપકડ માટે વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.