અમદાવાદમાં 24 કલાકમાં બીજો ગંભીર અકસ્માત:GMDC પાસે BMW બાઇકચાલક BRTSની રેલિંગ સાથે ટકરાયો
અમદાવાદમાં અકસ્માતોની સંખ્યામા સતત વધારો થઈ રહ્યો છે. મોડીરાતે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. GMDC ગ્રાઉન્ડ પાસેથી પૂરઝડપે જઈ રહેલો BMW બાઇકચાલક રેલિંગ સાથે ટકરાતાં સ્થળ પર જ મોત થયું હતું. બનાવની જાણ થતાં ટ્રાફિક-પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. આ મામલે એ ડિવિઝન ટ્રાફિક- પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
ઘટનાની જાણ થતાં ભાઈ અને પિતા સ્થળે દોડી ગયા
અમદાવાદના વેજલપુરમાં રહેતો પાર્થ કલાલ નામનો 25 વર્ષનો યુવક 1 ડિસેમ્બરની મોડીરાત્રે એની BMW બાઇક લઈને જઈ રહ્યો હતો. આ સમયે અંધજનમંડળથી હેલ્મેટ સર્કલ જતા જીએમડીસી ગ્રાઉન્ડની બહાર આવેલા બીઆરટીએસના રેલિંગ પાસે પાર્થ પૂરઝડપે બાઈક લઈને અથડાયો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે તે બાઇક રેલિંગ સાથે ટકરાતાં તેને ગંભીર ઇજા થતાં સ્થળ પર જ મોત થયું હતું. બનાવની જાણ થતાં પાર્થના ભાઈ અને પિતા ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
1 ડિસેમ્બરે નિરમા યુનિવર્સિટી પાસે અકસ્માત સર્જાયો હતો
અકસ્માતના બનાવવા અંગે એ ડિવિઝન ટ્રાફિક-પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ તપાસીને અકસ્માતનું કારણ જાણવાના પ્રયાસ ચાલી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં અકસ્માતની બે મોટી અને ગંભીર ઘટના સામે આવી છે. ગઈકાલે (1 ડિસેમ્બર) વહેલી સવારે એસજી હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. બાઈક લઈને નોકરીએ જઈ રહેલા ગાંધીનગરના 21 વર્ષીય યુવકને અજાણ્યા વાહને ટક્કર મારતાં નિરમા યુનિવર્સિટી પાસે મોત થયું હતું.