ગિફ્ટ સિટીમાં IFSC ઈન્શ્યોરન્સ ઓફિસ સ્થાપવા વિદેશી કંપનીઓની ઈચ્છા:સાઉદી રી, કુવૈત રી અને ADNIC સહિતની નવ કંપનીઓ આગળ આવી
ગાધીનગર ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (GIFT સિટી) ભારતના પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર (IFSC) તરીકે વીમા ક્ષેત્રે દાયકાનો સૌથી મોટો વિકાસ નોંધાવી રહ્યું છે. સાઉદી રી, કુવૈત રી અને અબુ ધાબી નેશનલ ઈન્શ્યોરન્સ કંપની (ADNIC) સહિત કુલ નવ વિદેશી કંપનીએ GIFT સિટીમાં તેમના IFSC ઈન્શ્યોરન્સ ઓફિસ (IIO) સ્થાપવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ માટે ખાસ નીતિ માળખું પણ સરકાર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ પગલાથી નવા રોકાણ, રોજગારનાં અવસરો અને નાણાકીય સેવાઓના ઈકોસિસ્ટમને વધુ મજબૂતી મળશે એવી શક્યતા છે. ગયા મહિને કોરિયન રીને ગિફ્ટ સિટીમાં IIO સ્થાપવાની મંજૂરી મળી હતી. કંપની એપ્રિલ, 2026થી કામગીરી શરૂ કરશે.
વિસ્તાર પર સરકાર વિચારશે
છેલ્લાં વર્ષોમાં GIFT સિટીને વિસ્તૃત કરવાની યોજના વારંવાર ચર્ચામાં આવી છે. શરૂઆતમાં 1,065 એકર વિસ્તારમાં આયોજન થયેલી સિટીને બાદમાં 3,365 એકર સુધી વિસ્તૃત કરવાની રજૂઆત થઈ હતી, પરંતુ જમીન અધિગ્રહણની અડચણોથી પ્રક્રિયા અટકી ગઈ. સૂત્રોના જણાવ્યા મુજબ, સરકારે હવે વિસ્તરણની શક્યતાઓનું ફરી મૂલ્યાંકન શરૂ કર્યું છે.
2028 સુધી GIFT સિટીની જમીન ફાળવણી પૂર્ણ થઈ જશે
હાલ GIFT સિટી 1,065 એકરમાં ફેલાયેલ છે. તેમાં 741 એકર GIFT City Company Ltd.ની માલિકીની છે, જ્યારે બાકી ખાનગી જમીન છે. અત્યાર સુધીમાં આશરે 50% જમીન ટેન્ડર દ્વારા ફાળવી દેવામાં આવી છે. વધતી માંગને કારણે 2028 સુધી ઉપલબ્ધ જમીન પૂરી ફાળવાઈ જશે.
હાલ GIFT સિટીમાં
- 1,034 એન્ટિટીઝ કાર્યરત
- 27,000થી વધુ કર્મચારીઓ
- 25 પૂર્ણ અને 47 નિર્માણાધીન ઇમારતો
GIFT સિટીની કલ્પના કેવી રીતે ઉભી થઈ?
ગુજરાતની રાજધાની નજીક વૈશ્વિક સ્તરની ફાઈનાન્સ અને ટેક સિટી ઊભી કરવાની કલ્પના નરેન્દ્ર મોદી દ્વારા (તત્કાલિન ગુજરાતના મુખ્યમંત્રી) કરવામાં આવી હતી. 2007માં GIFT City Company Ltd.ની સ્થાપના થઈ. દુબઈ, સિંગાપુર જેવા ફાઇનાન્સ હબથી પ્રેરાઈને મોદીએ Vibrant Gujarat Summitમાં પ્રોજેક્ટની જાહેરાત કરી. 2011માં પ્રણવ મુખર્જી અને મોદીએ મળીને પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું.