Loading...

દેશભરમાં ઇન્ડિગોની 150થી વધુ ફ્લાઇટ્સ રદ:એરલાઇન કંપની પાસે માણસો નથી, ક્રૂની અછત

ભારતની સૌથી મોટી એરલાઇન કંપની ઇન્ડિગો એક મોટા ઓપરેશનલ સંકટનો સામનો કરી રહી છે. દેશના ઘણા એરપોર્ટ પર મંગળવાર અને બુધવારે ઇન્ડિગોની 150થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ ગઈ. તેનું સૌથી મોટું કારણ ક્રૂની અછત જણાવવામાં આવી રહી છે.

બુધવારે બેંગલુરુમાં 42, દિલ્હીમાં 38, મુંબઈથી 33, હૈદરાબાદમાં 19, અમદાવાદમાં 25, ઇન્દોરમાં 11, કોલકાતામાં 10 અને સુરતમાં 8 ફ્લાઇટ રદ થઈ. છેલ્લા બે દિવસમાં કંપનીની 200થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ છે. સેંકડો ફ્લાઇટ્સ કલાકો મોડી આવ-જા કરી રહી છે.

આના કારણે હજારો મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા મુસાફરો ફસાઈ ગયા છે. ગુરુવારે દિલ્હી એરપોર્ટ પર લોકોની લાંબી કતારો જોવા મળી. લોકો પોતાની ફ્લાઇટ્સની કલાકોથી રાહ જોઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો સામે આવ્યા છે, જેમાં નિરાશ મુસાફરો એરલાઇન કર્મચારીઓ સાથે દલીલ કરતા જોવા મળ્યા.

એરલાઇને બુધવારે તેના એક નિવેદનમાં જણાવ્યું હતું કે નાની-મોટી ટેકનિકલ ખામી, શિયાળાને કારણે શેડ્યુલમાં ફેરફાર, ખરાબ હવામાન, એવિએશન સિસ્ટમમાં ધીમું નેટવર્ક અને ક્રૂ મેમ્બર્સના શિફ્ટ ચાર્ટ સંબંધિત નવા નિયમો (ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન) ના પાલનને કારણે અમારા ઓપરેશન પર ખરાબ અસર પડી છે. આનો અગાઉથી અંદાજ લગાવવો શક્ય ન હતો.

DGCAએ ઇન્ડિગો પાસેથી જવાબ માંગ્યો

નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ ઇન્ડિગો પાસેથી હાલની સમસ્યાઓના કારણો અને તેનો સામનો કરવા માટેની યોજનાની વિગતો માંગી છે. DGCAએ કહ્યું છે કે તે મામલાની તપાસ કરી રહ્યું છે. ફ્લાઇટ્સ રદ થવા અને વિલંબ ઘટાડવાના ઉપાયો પર મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.

DGCA અનુસાર, ક્રૂની અછત તેનું મુખ્ય કારણ છે. ઇન્ડિગોમાં આ સમસ્યા છેલ્લા મહિનાથી ચાલી રહી છે. નવેમ્બરમાં તેની 1232 ફ્લાઇટ્સ રદ થઈ. મંગળવારે 1400 ફ્લાઇટ્સ મોડી પડી.

યાત્રીઓ માટે જરૂરી માહિતી અને સલાહ

1. મુસાફરી કરવાની હોય તો એરપોર્ટ પર વહેલા પહોંચો. મેન્યુઅલ ચેક-ઇનમાં 25–40 મિનિટનો વધારાનો સમય લાગી રહ્યો છે. બેગેજ ડ્રોપ અને સિક્યોરિટી ચેકમાં પણ વિલંબ.

2. એરલાઇન પાસેથી ફ્લાઇટ સ્ટેટસ અવશ્ય તપાસો. એપ / વેબસાઇટ પર લાઇવ સ્ટેટસ. ઘણી એરલાઇન્સ SMS/ઇમેઇલ મોકલી શકતી નથી, તેથી જાતે તપાસો.

3. ફ્લાઇટ કેન્સલ થવા પર શું વિકલ્પો? સંપૂર્ણ રિફંડ મળશે. આગામી ઉપલબ્ધ ફ્લાઇટનું રીબુકિંગ. કેટલીક એરલાઇન્સ 'વાઉચર'નો વિકલ્પ પણ આપે છે.

4. કનેક્ટિંગ ફ્લાઇટવાળા મુસાફરો. ઓવરલેપ અથવા મિસ્ડ કનેક્શનની શક્યતા વધી. એરલાઇન કસ્ટમર સપોર્ટ પાસેથી 'રી-રૂટિંગ'નો વિકલ્પ પૂછો.

DGCAના નવા નિયમોને કારણે ઇન્ડિગોમાં મુશ્કેલી

DGCAએ 1 નવેમ્બરથી પાઇલટ્સ અને અન્ય ક્રૂ મેમ્બર્સના કામ સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા છે. તેને ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન (FDTL) નામ આપવામાં આવ્યું છે. આને બે તબક્કામાં લાગુ કરવામાં આવ્યા. પ્રથમ તબક્કો 1 જુલાઈના રોજ લાગુ થયો.

જ્યારે 1 નવેમ્બરથી બીજો તબક્કો લાગુ થયો, જેના પછી એરલાઇન કંપનીઓ, ખાસ કરીને ઇન્ડિગોની ફ્લાઇટ્સ પર અસર દેખાવા લાગી. DGCAએ જણાવ્યું કે નવેમ્બરમાં ઇન્ડિગોની કુલ 1,232 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, જેમાં ક્રૂ અને FDTL નિયમોને કારણે 755 ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે.​​​​​​

એરલાઇન્સને નિયમોથી મુશ્કેલી કેમ...4 કારણો

  • FDTLના નિયમો માર્ચ 2024 થી લાગુ થવાના હતા, પરંતુ એરલાઇન્સે કહ્યું કે આટલો મોટો ફેરફાર એકસાથે શક્ય નથી. હજારો નવા ક્રૂની જરૂર પડશે. રોસ્ટરિંગ સોફ્ટવેર અપડેટ કરવામાં સમય લાગશે.
  • એરલાઇન પાયલટ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (ALPA) એ બુધવારે જણાવ્યું હતું કે ક્રૂની સમસ્યાઓના કારણે ઇન્ડિગોમાં ઓપરેશનલ અવરોધો એરલાઇન્સના પ્રોએક્ટિવ રિસોર્સ પ્લાનિંગની નિષ્ફળતા તરફ ઇશારો કરે છે.
  • ALPAએ એવો પણ દાવો કર્યો હતો કે ફ્લાઇટ્સ રદ થવાની ઘટનાઓ DGCA પર દબાણ લાવવાનો પ્રયાસ પણ હોઈ શકે છે.
  • પાયલટોના ગ્રુપે DGCAને એવી પણ અપીલ કરી હતી કે તેઓ એરલાઇન પાસે ઉપલબ્ધ પાયલટોની સંખ્યા પર વિચાર કરે. જેથી રિસ્ક મેનેજમેન્ટ સિસ્ટમ (FRMS) ના નવા કોન્સેપ્ટને અપનાવી શકાય.

દેશની 60% ડોમેસ્ટિક ફ્લાઇટ્સ ઇન્ડિગો પાસે

  • આખરે ઇન્ડિગોથી તણાવ કેમ: ઇન્ડિગો પાસે સૌથી વધુ 434 વિમાન છે. એક દિવસમાં 2300થી વધુ ફ્લાઇટ્સ છે. દેશની 60%થી વધુ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ તેની પાસે છે.
  • હાલ કેટલો સ્ટાફ છે: હાલ તેની પાસે 5456 પાઇલટ અને 10212 કેબિન ક્રૂ મેમ્બર છે. 41 હજારથી વધુ કાયમી કર્મચારીઓ છે.
  • તો ક્રૂની અછત કેમ છે: ઇન્ડિગોનું કહેવું છે કે નવા ફ્લાઇટ ટાઇમ લિમિટેશન નિયમોને કારણે પાઇલટ અને ક્રૂની અછત સર્જાઈ છે. નવા નિયમોમાં પાઇલટોના ઉડાન ભરવાના નિયમો ઘટાડીને દરરોજ 8 કલાક કરી દીધા છે. નાઇટ લેન્ડિંગ 6થી ઘટાડીને 2 કરી દીધી છે. ક્રૂ માટે 24 કલાકમાં 10 કલાક આરામનો સમય રાખ્યો છે.કંપની સૂત્રોનું કહેવું છે કે ઇન્ડિગોનું શેડ્યુલિંગ સિસ્ટમ આ બદલાવ પછી હજુ સંપૂર્ણપણે સ્થિર થયું નથી, જેના કારણે ઘણા મહત્વપૂર્ણ રૂટ્સ પર અચાનક ક્રૂની ભારે અછત સર્જાઈ છે.

દિલ્હી એરપોર્ટ પર ગયા મહિને સાયબર એટેક થયો હતો

5 નવેમ્બર 2025: દિલ્હી ઉપર ઉડતા વિમાનોને ખોટા સિગ્નલ મળ્યા

દિલ્હીમાં ગયા મહિને વિમાનોના GPS સિગ્નલમાં ફેક એલર્ટ આવી રહ્યા હતા. આને GPS સ્પૂફિંગ પણ કહેવાય છે. આ અંતર્ગત પાઇલટોને ખોટા લોકેશન અને નેવિગેશન ડેટા એલર્ટ મળ્યા. એર ટ્રાફિક કંટ્રોલના સૂત્રો અનુસાર દિલ્હીની આસપાસ 100 કિમીના વિસ્તારમાં આવી ઘટનાઓ સામે આવી હતી.

સ્પૂફિંગ એક પ્રકારનો સાયબર હુમલો છે જે નેવિગેશન સિસ્ટમને ગેરમાર્ગે દોરવા માટે ફેક GPS સિગ્નલ મોકલે છે. મોટે ભાગે તેનો ઉપયોગ વોર ઝોનમાં કરવામાં આવે છે, જેથી દુશ્મનોના ડ્રોન અને વિમાનને નષ્ટ કરી શકાય.

1 ડિસેમ્બર 2025: સરકારે સ્વીકાર્યું કે સ્પૂફિંગ થયું, તરત જ બેકઅપનો ઉપયોગ કરવામાં આવ્યો

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિન્જરાપુ રામમોહન નાયડુએ સોમવારે રાજ્યસભામાં આ વાત સ્વીકારી. તેમણે જણાવ્યું કે આ કારણે પ્લેનને ખોટા સિગ્નલ મળ્યા હતા. 800થી વધુ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ મોડી ઊડી જ્યારે 20ને રદ કરવી પડી હતી.

નાયડુએ સદનમાં જણાવ્યું કે વૈશ્વિક સ્તરે રેન્સમવેર-માલવેર હુમલાનો ખતરો વધ્યો છે. એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) પોતાના IT અને ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુરક્ષા માટે એડવાન્સ સાયબર સિક્યોરિટી અપનાવી રહ્યું છે.

તેમણે આ જાણકારી સાંસદ એસ. નિરંજન રેડ્ડીના સવાલ પર આપી. રેડ્ડીએ પૂછ્યું હતું કે શું સરકારને IGI પર થયેલી GPS સ્પૂફિંગની જાણકારી છે. DGCA-AAIની તેનાથી બચવાની શું તૈયારી છે.