Loading...

ગોવાની નાઇટ ક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ, 25નાં મોત:લોકોને ભાગવાનો સમય ન મળ્યો

ગોવાના અરપોરા વિસ્તારમાં શનિવારે મોડી રાત્રે એક નાઈટ ક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં 25 લોકોના મોત થયા છે. ઘાયલોની સંખ્યા 6 છે. પોલીસના જણાવ્યા અનુસાર, આગ રાત્રે લગભગ 12 વાગ્યે લાગી હતી. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોમાં 4 પ્રવાસી અને 14 ક્લબના સ્ટાફનો સમાવેશ થાય છે, જ્યારે 7 લોકોની ઓળખ હજુ થઈ શકી નથી.

ઘટનાની જાણ થતાં જ ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત અને સ્થાનિક ધારાસભ્ય માઈકલ લોબો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે ત્રણ લોકોના મોત દાઝી જવાથી અને બાકીના લોકોના મોત શ્વાસ રૂંધાવાથી થયા છે. આ દુર્ઘટનાની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

હાલમાં, પ્રારંભિક માહિતી અનુસાર, નાઈટ ક્લબે ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કર્યું ન હતું. ઘટનાસ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ દ્વારા ક્લબમાં લાગેલી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. ઘટનાસ્થળે વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ હાજર છે. ફોરેન્સિક (FSL) ટીમ આગ લાગવાનું સાચું કારણ તપાસશે.

રસોડામાંથી આગ શરૂ થઈ, સીડીઓ પરથી મૃતદેહો મળ્યા

ગોવાના ડીજીપી આલોક કુમારે જણાવ્યું કે 23 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. મૃત્યુ પામેલાઓમાં મોટાભાગના ક્લબમાં કામ કરતા કર્મચારીઓ હતા. ડીજીપીએ કહ્યું- આગ સૌથી પહેલા ગ્રાઉન્ડ ફ્લોરમાં બનેલાં રસોડામાંથી ક્લબના અન્ય ભાગોમાં ફેલાઈ હતી. તેથી સૌથી વધુ મૃતદેહ કિચન એરિયામાંથી મળ્યા છે. ભાગવાની કોશિશમાં બે લોકોનું સીડીઓ પર મૃત્યુ થયું.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર પ્રશાસને ઘટનાસ્થળને સીલ કરી દીધું છે. પોલીસે આ મામલે ઊંડી તપાસ શરૂ કરી દીધી છે.

CM સાવંત બોલ્યા- જવાબદારો સામે કાર્યવાહી કરાશે

CM સાવંતે X પર પોસ્ટ કરીને જણાવ્યું કે આજનો દિવસ ગોવા માટે ખૂબ જ દુઃખદ છે. અરપોરામાં લાગેલી ભીષણ આગમાં 23 લોકોના મોત થયા છે. હું ખૂબ જ દુઃખી છું અને આ મુશ્કેલ સમયમાં તમામ પીડિત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. મેં ઘટનાસ્થળે જઈને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું અને આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.

તપાસમાં એ જાણવા મળશે કે આગ કેવી રીતે લાગી અને શું ત્યાં ફાયર સેફ્ટી અને બિલ્ડિંગના નિયમોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવ્યું હતું કે નહીં. જે કોઈ આ ઘટના માટે જવાબદાર હશે, તેની સામે કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. કોઈપણ પ્રકારની બેદરકારી બિલકુલ સહન કરવામાં આવશે નહીં.

BJP MLA એ ક્લબોનું સેફ્ટી ઓડિટ કરાવવાની માગ કરી

BJP MLA માઈકલ લોબોએ કહ્યું કે રાજ્યના તમામ ક્લબોનું સેફ્ટી ઓડિટ કરાવવું જરૂરી છે. તેમણે કહ્યું કે પ્રવાસીઓ ગોવાને હંમેશા એક સુરક્ષિત સ્થળ માને છે, પરંતુ આ ઘટના ખૂબ જ ચિંતાજનક છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન થવી જોઈએ.

તેમણે ભારપૂર્વક જણાવ્યું કે પ્રવાસીઓ અને આ ક્લબોમાં કામ કરતા કર્મચારીઓની સુરક્ષા સૌથી મહત્વપૂર્ણ છે. લોબોએ જણાવ્યું કે દુર્ઘટનામાં મોટાભાગના લોકો બેઝમેન્ટ તરફ ભાગતી વખતે શ્વાસ રૂંધાવાથી મૃત્યુ પામ્યા.