ઇન્ડિગોની 7મા દિવસે પણ 200+ ફ્લાઇટ રદ:છેલ્લા 6 દિવસમાં 3900 ફ્લાઇટ રદ થઈ
દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોની ફ્લાઇટ સેવાઓ સોમવારે પણ પાટા પર પાછી ફરી શકી નથી. દિલ્હી, શ્રીનગર, હૈદરાબાદ, બેંગલુરુ એરપોર્ટ પરથી સવારે 9 વાગ્યા સુધીમાં 200થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.
એક દિવસ પહેલા પણ એરલાઇને 650થી વધુ ફ્લાઇટ્સ રદ કરી હતી. જોકે, કંપનીએ 2,300 દૈનિક ફ્લાઇટ્સમાંથી 1,650નું સંચાલન કરવાનો દાવો કર્યો છે.
ઇન્ડિગોના સીઇઓ પીટર એલ્બર્સે જણાવ્યું કે- સ્થિતિ દરરોજ સુધરી રહી છે. 10 ડિસેમ્બર સુધીમાં નેટવર્ક સ્થિર થવાની અપેક્ષા છે. અગાઉ કંપનીએ 10 થી 15 ડિસેમ્બર સુધીમાં સામાન્ય થવાની વાત કરી હતી.
ઇન્ડિગોએ તાજેતરના ફ્લાઇટ સંકટ દરમિયાન ₹610 કરોડના રિફંડ પ્રોસેસ કર્યા છે. આ સાથે જ 3,000 મુસાફરોનો સામાન પાછો પહોંચાડી દીધો છે.
સરકારે 1 દિવસ પહેલા જ રિફંડ રવિવાર સાંજ 8 વાગ્યા સુધીમાં પૂર્ણ કરવા અને અલગ થયેલો સામાન 48 કલાકમાં મુસાફરોને પરત કરવાનો નિર્દેશ આપ્યો હતો.